શબવાહિની ભાડે લેવાઈ:સોલા સિવિલ હોસ્પિટલ કોવિડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી 5 શબવાહિનીની વ્યવસ્થા કરાઈ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટીતંત્રએ તાત્કાલિક ધોરણે 21 એપ્રિલે 2 અને 22 એપ્રિલે 3 શબવાહિનીની વ્યવસ્થા કરી
  • નવી શબવાહિની લેવાના ઝડપી અમલ માટે આરટીઓની મદદ લેવામાં આવી

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડથી થતા મૃત્યુ બાદ શબનિકાલમાં થતાં વિલંબને નિવારવા માટે નવી 5 શબવાહિનીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, નવી વ્યવસ્થાના પગલે મૃતકના સ્વજનોને મૃતદેહના નિકાલ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હતી, તે સમસ્યાનો અંત આવ્યો છે. કોવિડના કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા મૃતદેહના નિકાલ માટેની સોલા સિવિલ વહીવટીતંત્રની પ્રવર્તમાન વ્યવસ્થા અપૂરતી જણાતા જિલ્લા વહીવટીતંત્રએ નવી શબવાહિનીની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો અને તાત્કાલિક ધોરણે શબવાહિનીઓ કાર્યાન્વિત કરવામાં આવી છે.

સોલા સિવિલમાં 3 શબવાહિની હતી
અગાઉ સોલા સિવિલ હોસ્પિટલ પાસે 3 શબવાહિની હતી. ત્યારબાદ સ્થિતિ ગંભીર થતાં સાણંદ નગરપાલિકાની શબવાહિનીને ઉપયોગ માટે અહીં લાવવામાં આવી. આમ, 4 શબવાહિની કાર્યરત હતી. પણ મૃતક સંખ્યામાં વૃદ્ધિના પગલે નવી વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય લેવાયો હતો.

5 શબવાહિની ભાડે લેવાઈ
સોલા સિવિલના પ્રભારી સચિવ હારિત શુક્લા અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ ડેડબોડી ડિસ્પોસલની જવાબદારી સંભાળતા અધિકારીને દર્દીઓની વ્યથા માટે નવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી. જેના પગલે 5(પાંચ) નવી શબવાહિની ભાડે લેવામાં આવી છે. આ નવી શબવાહિની આવતા હવે મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઝડપી બની છે. આ શબવાહિનીઓ રાત-દિવસ કાર્યરત છે. જેના કરાણે હવે નાગરિકોને પડતી હાલાકી દૂર થઈ છે. સમયસર મૃતદેહનો નિકાલ થાય છે.

સ્મશાન ગયેલી શબવાહિનીને પરત આવતા સમય લાગતો
આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીના મતે સ્મશાનમાં મૃતદેહ માટે મોકલાતી શબવાહિનીને પાછી ફરવામાં સમય લાગતો હતો. કારણ કે ડેડબોડીને ત્યાં મૂકીને આવવામાં આવે તો સંક્રમણનું જોખમ વધી જતું હતું, તેથી મૃતદેહને શબવાહિનીથી નીચે ઉતારવામાં ન આવતો એટલે ત્યાં શબવાહિનીને રોકાઈ રહેવું પડતું. વળી, શબવાહિનીને સેનિટાઈઝ પણ કરવી પડે કારણ કે ડેડબોડીમાં વાયરસ લોડ વધારે હોય. આમ, આ બધી પ્રક્રિયામાં થતાં સમયને કારણે નવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની હતી.

બે દિવસમાં 5 શબવાહિની વ્યવસ્થા કરાઈ
સંબંધિત અધિકારી નવી વ્યવસ્થાને કઈ રીતે અમલી બનાવી તેની રુપરેખા આપતા કહે છે કે ઉચ્ચ અધિકારીઓની સૂચનાના પગલે 21 એપ્રિલે 2 શબવાહિની અને 22 એપ્રિલે 3 શબવાહિની કાર્યરત થઈ ચૂકી છે.તેઓ કહે છે કે આ નવા આયોજનના ઝડપી અમલ માટે આરટીઓની મદદ લેવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી સમસ્યાનો ઉકેલ લાવ્યા
ઉલ્લેખનીય છે કે, સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડના કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા મૃતદેહના નિકાલની સમસ્યા સર્જાતા સોલા સિવિલના નોડર ઓફિસર અને સચિવહારિત શુક્લા, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે,જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.પીનાબહેન સોનીએ તાત્કાલિક ધોરણે બેઠક યોજી સમસ્યાનો ઉકેલ આણ્યો છે. પરિણામે, સ્વજનોના દર્દીઓને ઘણી રાહત પહોંચી છે.