બેદરકારી:કેન્સર હોસ્પિટલમાં વધુ 5ને કોરોનાનો ચેપ નર્સિંગ સ્ટાફના ભોજનમાં ઈયળની ફરિયાદ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 બ્રધર, 4 સિસ્ટરનો રિપોર્ટ પોઝિટિવ, કુલ આંક 105એ પહોંચ્યો

સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલના સ્ટાફ કોરોનાગ્રસ્ત થવાનો સિલસિલો અટકવાનું નામ લેતો જ નથી. પહેલાં કેન્સર હોસ્પિટલના સ્ટાફ બાદ હવે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ પણ કોરોનાની લપેટમાં આવ્યો છે. બુધવારે કેન્સર હોસ્પિટલના 1 બ્રધર અને ચાર સિસ્ટર સહિત કુલ પાંચ સાથે હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસનો આંકડો 105 થયો છે. 
કેન્સર હોસ્પિટલના એક બ્રધરના જમવાથી ઇયળ નીક‌ળી હોવાની સાથે નર્સિંગ સ્ટાફને નર્સિગ હોસ્ટેલનાં ઓવનની જેમ ગરમ થયેલા રૂમમાં રહેવું પડતું હોવાની રજૂઆત હોસ્પિટલનાં ડાયરેકટરને કરી હોવાનું સ્ટાફ જણાવી રહ્યો છે. 
કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ માટે નર્સિંગ હોસ્ટેલમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઇ છે. જયાં બે દિવસ પહેલાં અમારા સ્ટાફ બ્રધરનાં ભોજનમાંથી ઇયળ નીકળી હતી, તેમજ છેલ્લાં 10 દિવસથી અમને ફ્રૂટ આપવાનું પણ બંધ કર્યું છે. જેથી નર્સિંગ સ્ટાફને ઘરેથી ટિફીન મંગાવવાની ફરજ પડે છે. 
આ અંગે કેન્સર હોસ્પિટલના ડાયરેકટર ડો. શશાંક પંડ્યાનો સંપર્ક થઈ શક્યો નહોતો. દરમિયાન સિવિલ કેમ્પસની કિડની અને યુએન મહેતા હોસ્પિટલે નર્સિંગ સ્ટાફને આરોગ્યપ્રદ ભોજનની સાથે પૂરતા આરામની વ્યવસ્થા કરી છે.
સિવિલના વધુ બે ઇન્ટર્ન ડોક્ટર પોઝિટિવ
સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં બે ઇન્ટર્ન ડોકટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સિવિલમાં 15 ઇન્ટર્ન ડોક્ટરને ચેપ લાગ્યો છે. ચાર દિવસ પહેલાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા 13 ઇન્ટર્ન ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સર્જરી અને મેડિસિન વિભાગના વધુ 2 ઇન્ટર્ન ડોકટર કોવીડ હોસ્પિટલમાં 12 કલાકની ડ્યુટી પૂરી કર્યા બાદ પોઝિટિવ આવતાં તેમને પ્રાઇડ હોટેલમાં ક્વોરન્ટાઇન કરાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...