રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા અંગે થયેલી જાહેરહિતની અરજીમાં કોર્પોરેશને સોગંદનામું રજૂ કર્યુ છે. જેમાં છેલ્લા એક મહિનામાં સરકારે લીધેલા પગલા અંગે જવાબ રજૂ કર્યો છે. રખડતા ઢોર નિયત્રંણ વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે સોગંદનામાં પર જણાવ્યંુ છે કે, રખડતા ઢોરની અડફેટે આવેલા ભાવિન પટેલના પરિવારજનોને 5 લાખ વળતર ચૂકવી દીધુ છે. અર્બન ડેવલપમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અનેક મીટિંગ થઇ છે. તમામ વિભાગો સંકલિત થઇને રખડતા ઢોરોને અંકુશમાં લેવા જોઈન્ટ એકશન પ્લાન તૈયાર કરી રહ્યા છે.
લાંબા અને ટૂંકાગાળાના શું પગલાં લીધા તે અંગે સરકારે કોર્પોરેશન પાસે પ્લાન માંગ્યો છે. સરકાર આ પ્લાનને સમગ્ર રાજ્યમાં અમલી બનાવશે. કોર્પોરેશન જે એકશન ટેકન રિપોર્ટ તૈયાર કરશે તેનો આખરી અમલ સરકાર બીજા જિલ્લામાં પણ કરાવશે.
410 FIR નોંધાઈ
કોર્પોરેશન રખડતા ઢોરને અટકાવવા અનેક પગલા લીધા છે. ઢોર વધુ સંખ્યામાં હોય તેવા પોઇન્ટને ઓળખી કઢાયા છે. તમામ ઝોનમાં કુલ 21 ટીમ તૈયાર કરીને કામે લગાવી દીધી છે. 24 ઓગસ્ટથી 11 નવેમ્બર સુધીમાં શહેરમાંથી 5353 ઢોરને પકડવામાં આવ્યા છે. 3 નવા ઢોરવાડા બનાવ્યા છે અને બીજા 2 ઢોરવાડા હજુ બની રહ્યા છે. લાંભામાં પણ ઢોરવાડા બનાવવામાં આવી રહ્યા છે. 410 એફઆઇઆર નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.