પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત આવી રહેલા સવાલના જવાબ આવતીકાલ સાંજ સુધી સ્પષ્ટ થશે. ગુજરાતમાં 2003-2006 દરમિયાન જન્મેલાં અંદાજે 35 લાખ જેટલાં બાળકો છે, જેમને વેક્સિનને મળવાને પાત્ર છે. વેક્સિનેશન કાર્યક્રમ કેવી રીતે? ક્યાં અને કઈ વેક્સિન મળશે જેવા સવાલો ન માત્ર વાલીઓ, પરંતુ આરોગ્યક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના મનમાં છે. મંગળવારે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે ખૂબ મહત્ત્વની વીડિયો-કોન્ફરન્સ યોજાશે. ત્યારે સંભવતઃ બાળકોને ઘર જઈને, સ્કૂલે કે વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન આપવાનું સરકારની વિચારણામાં છે.
1 જાન્યુઆરીથી શરૂ થતી વેક્સિનેશન રજિસ્ટ્રેશનની પ્રોસેસ જાણો
1. સૌથી પહેલા કોવિન એપ પર જાઓ. પોતાનો મોબાઈલ નંબર નાખો. OTP આવશે એને નાખીને લોગ-ઈન કરો.
2. હવે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ, વોટર કાર્ડ, યુનિક ડિસએબિલિટી ID કે રેશન કાર્ડમાંથી એકને આઈડી પ્રૂફ તરીકે પસંદ કરો.
3. પોતે પસંદ કરેલા IDનો નંબર, નામ નાખો. એ પછી જેન્ડર અને ડેટ ઓફ બર્થ પસંદ કરો.
4. મેમ્બર એડ થયા પછી તમારા નજીકના એરિયાનો પિન કોર્ડ નાખો. વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ આવી જશે.
5. હવે વેક્સિનેશનની ડેટ, ટાઈમ અને વેક્સિનને સિલેક્ટ કરો. સેન્ટર પર જઈને વેક્સિનેશન કરાવો.
6. વેક્સિનેશન સેન્ટર પર તમારે રેફરન્સ ID અને સિક્રેટ કોડની માહિતી આપવી પડશે, જે તમને રજિસ્ટ્રેશન કરવા પર મળે છે.
7. આ રીતે તમે પોતાના લોગ-ઈનથી બીજા મેમ્બરને જોડીને તેમનું વેક્સિનેશન રજિસ્ટ્રેશન કરી શકો છે.
દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં બાળકોમાં એટલે કે 15 વર્ષથી લઈને 18 વર્ષ સુધીનાં બાળકોમાં વેક્સિનેશન કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે ખાસ વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલાં બાળકો છે, જેઓ વેક્સિન મેળવવાને પાત્ર છે. આરોગ્ય વિભાગ બાળકોમાં રસીકરણ માટે સજ્જ છે. આ બાબતે મંગળવારે બપોરે વેક્સિનેશન કાર્યક્રમ અંગેની વિસ્તૃત માર્ગદર્શન સંદર્ભે બેઠક મળવાની છે, જેમાં બાળકોમાં રસીકરણ કેવી રીતે કરવું એ અંગે જાણકારી આપવામાં આવશે.
પુખ્ત વયના વેક્સિનેશનનો કાર્યક્રમ સફળ
અગ્ર સચિવે એ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ પુખ્ત વયના લોકોમાં રસીકરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે. ત્યારે બાળકોના વેક્સિનેશન કાર્યક્રમમાં પણ હેલ્થ વિભાગ તૈયાર છે. જોકે સમગ્ર આયોજન અંગે કેન્દ્ર સરકારની ગાઇડલાઈન્સ પ્રમાણે, ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવશે. બાળકોમાં વેક્સિનેશન હોવાથી તકેદારી સાથે હેલ્થવર્કર રસી આપશે. 3 જાન્યુઆરીથી 15-18 વર્ષનાં બાળકોની રસી માટેની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે સરળ રીતે સમજીએ તો વર્ષ 2003થી 2006 સુધી જન્મેલાં તમામ બાળકોનો એમાં સમાવેશ થાય છે.
ફરી શિક્ષકોની મદદ લેવાઈ શકે છે
આવતીકાલે મંગળવારે યોજાનારી કેન્દ્રના આરોગ્ય વિભાગ અને વિવિધ રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક બાદ રાજ્યમાં બાળકોના વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ શકે છે. આ માટે રાજ્યના સંચાલકો, પ્રિન્સિપાલ અને શિક્ષણ વિભાગ સાથે મળીને એક રોડ મેપ તૈયાર કરીને શકે છે. એ ઉપરાંત કોવિડ ડ્યૂટીમાં ફરી એકવાર શિક્ષકો તથા મેડિકલ સ્ટાફને વેક્સિનેશનની કામગીરી સોંપાઈ શકે છે.
કોવેક્સિનને 12થી 18 વર્ષનાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી
દેશમાં હાલ 15થી 18 વર્ષનાં બાળકોને જ કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. એનાથી નાની ઉંમરનાં બાળકોના વેક્સિનેશન પર સરકારે હજી નિર્ણય કર્યો નથી. ડ્રગ્સ કન્ટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સિનને 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગની ભલે મંજૂરી આપી દીધી છે, પરંતુ સરકારે હાલ 15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સમગ્ર વિશ્વમાં હાલ 100થી વધુ દેશો કોરાનાની રસી બાળકોને આપી રહ્યાં છે
યુનિસેફ દ્વારા વિશ્વના 105 દેશોમાં નોંધાયેલા 115 મિલિયન કોરાનાના કેસનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 20 વર્ષની અંદરની વ્યક્તિને થયેલા કોરોનાના સંક્રમણ માટે 16 ટકા કોરોનાના કેસ જ જવાબદાર છે. આ સિવાય કોરોનાના સંક્રમણનો ભોગ બનતા મોટાભાગના બાળકોમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા બાળકોની ત્રણ રસીને માન્યતા આપવામા આવી છે. આ રસીમાં ફાઈઝર-બાયોટેક વેક્સિન, સિનોફાર્મ વેક્સિન અને સિનોવેક વેક્સિન સામેલ છે. કેટલાક દેશો બાળકો અને પુખ્તવયની વ્યક્તિને ફાઈઝર-બાયોટેક વેક્સિનના બે સંપૂર્ણ ડોઝ આપે છે. જ્યારે કેટલાક દેશ વેક્સિનનો એક જ ડોઝ આપે છે. લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના જણાવ્યા અનુસાર, હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટેની 20 વેક્સિનનું ક્લિનિકલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.