2ની હાલત ગંભીર:ઓગણજમાં વરસાદથી બચવા 5 મજૂરો દીવાલની આડશ લીધી પણ દીવાલ તૂટી પડતાં ત્રણનાં મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેશ્વર ફાર્મ નજીકની કન્સ્ટ્ર્ક્શન સાઈટની ઘટના, 2ની હાલત ગંભીર

ઓગણજના દશેશ્વર ફાર્મ પાસેની કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના મજૂરો વરસાદથી બચવા માટે એક દિવાલ પાસે ઊભા હતા. જોકે અચાનક દીવાલ ધરાશાયી થતા પાંચેય મજૂર દટાયા હતા, જેમાં 3ના મોત જ્યારે બેની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. ઓગણજમાં આવેલા દશેશ્વર ફાર્મ પાસેની કન્સ્ટ્રક્શન સાઈટ પાસે પાંચેક મજૂર વરસાદથી બચવા માટે ફાર્મ પાસે આવેલી દીવાલ પાસે ઊભા હતા.

દરમિયાન અચાનક દીવાલ ધરાશાહી થઈ હતી, જેના કારણે ત્યાં ઊભેલા મજૂરો દિવાલના કાટમાળમાં દટાઈ ગયા હતા. આ ઘટનાની જાણ કન્સ્ટ્રક્શન સાઈટમાં કામ કરતા બીજા મજૂરોને થતા તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી.

એક કલાકની જહેમતભરી કામગીરી બાદ દિવાલનો કાટમાળ હટાવીને ફાયરબ્રિગેડે પાંચેય મજૂરોને બહાર કાઢ્યા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. સારવાર દરમિયાન ત્રણ મજૂરના મોત તથા બે મજૂરની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. બીજી બાજુ પોલીસે પણ આ અંગે તપાસ કરતા વરસાદના કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

મજૂરો બે દિવસ પહેલાં જ આવ્યા હતા
કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝર રેવર અહેમદભાઈએ ભાસ્કરને જણાવ્યું હતું કે, દિવાલના કાટમાળમાં દટાયેલા પાંચેય મજૂર બે દિવસ પહેલાં જ મજૂરી કામ માટે આવ્યા હતા, પરંતુ તેમણે મજૂરી કામ શરૂ કર્યુ ન હતું. તેઓ સાઈટની પાસે છાપરામાં આરામ કરતા હતા. વરસાદ શરૂ થતા તેઓ દિવાલ પાસે ગયા હતા અને દિવાલ અચાનક ધરાશાહી થઈ ગઈ હોવાથી પાંચેય દટાયા હતા.

મૃતકોના નામ
1) શીતલ બેન (ઉ.વ.16)
2) વનિતાબેન (ઉ.વ.19)
3) કવિતા બેન(ઉ.વ.35)

સારવાર હેઠળ
1) અસ્મિતા બેન(ઉ.વ.22)
2) રિંકુબેન(ઉ.વ.19)

અન્ય સમાચારો પણ છે...