ધોળકા પાસે ગમખ્વાર અકસ્માત:પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરી રહેલા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યો, કાર-ટેન્કરની ટક્કરમાં 5નાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત

અમદાવાદ10 મહિનો પહેલા
  • 6 દિવસ પહેલાં લીંબડી હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયાં હતાં

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સ્થળની તસવીર
અકસ્માત સ્થળની તસવીર

આ પણ વાંચો: રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાઈ, દાદા-દાદી અને 6 વર્ષની પૌત્રીનાં ઘટનાસ્થળે જ મોત, રાજકોટથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા

પાયલોટ પ્રધ્યુમનસિંહ ઘુમ્મડે જણાવ્યું હતું કે, જ્યારે તેમની ટીમ એમ્બ્યુલન્સ લઈને સ્થળ પર પહોંચી ત્યારે અંધારૂ હતું. જેને કારણે કંઈ ખાસ જોઈ શકાતું નહોતું. પરંતુ એક ટેન્કરની સાથે ઈકો કારનો આગળનો અડધો ભાગ લગભગ પડીકું વળી ગયો હતો. અમે લોકો બચાવ કામગીરી હાથ ધરી હતી. એ સમયે રડવાનો-કણસવાનો અવાજ આવી રહ્યો હતો. કારમાં પ્રથમ સીટ, ડ્રાઈવર સીટ પર બેઠેલા મૃતકો પાછળની બીજી સીટ પર આવી ગયા હતા.

ત્રણ મૃતદેહો પડ્યા હતા તેની પર સીટ પડી હતી. સીટ નીચેથી સતત રડવાનો અને કણસવાનો અવાજ આવી રહ્યો હતો. જેને પગલે મેં અને મારા સાથી કર્મીએ તુરંત જ મોબાઈલની ટોર્ચથી લાઈટ કરી હતી. અને મૃતદેહને એક પછી એક નીચે મૂક્યા હતા. બાદમાં જોયું તો એક બાળકી સતત રડી રહી હતી. તેને વાગ્યું હોય તે અર્ધબેભાન હતી. તેને તુરંત જ એમ્બ્યુલન્સમાં લીધી હતી. એ પછી પાછળની સીટ પર બેઠેલા બાળક અને એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોચી હતી. તેને પણ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. કોણ કેવી રીતે બેઠાં હતા તે ખબર પડી શકી નહોતી. તેમને તુરંત જ ખંભાત જનરલ હોસ્પિટલમાં સારવાર આપી કરમસદ રીફર કરાયા હતા.

મૃતકોના નામની યાદી

  • જય બંસીભાઈ પ્રજાપતિ
  • પ્રશાંત કિશોરભાઈ પ્રજાપતિ
  • ભગવતીબેન પ્રશાંત ભાઈ
  • સુનિલભાઈ મોતીભાઈ
  • હિનાબેન સુનિલભાઇ

ઈજાગ્રસ્તોના નામની યાદી

  • ધ્રુવી પ્રશાંતભાઈ
  • નિતિનભાઈ કિશોરભાઈ
  • શાન પ્રશાંતભાઈ
પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો
પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો

6 દિવસ પહેલાં લીંબડી હાઈવે પર અકસ્માતમાં થયાં હતાં 3નાં મોત
નોંધનીય છે કે 6 દિવસ પહેલાં જ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડનાં કામ ચાલતાં હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલાં દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું અવસાન થયું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.

બંને બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
14 વર્ષીય સ્મિત અને 12 વર્ષીય પ્રિયાંસીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. બંનેને જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાં સ્મિતના પગના ભાગે ઈજાઓ પહોંચી છે. જ્યારે પ્રિયાંસી ગંભીર ઈજાઓને કારણે શ્વાસની તકલીફ થતા કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે.પરંતુ બંને બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જેની તેમને હજુ જાણ નથી. આ બનાવને પગલે સગા-સંબંધી અન ફળીયામાં માતમ છવાઈ ગયો છે. હાલમાં બંને બાળકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...