અમદાવાદ / સિવિલમાં 5 દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ની રેર ગણાતી સર્જરી કરાઈ, જન્મના 2 જ કલાકમાં શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી

5-day-old baby undergoes hiatus hernia surgery in civil ahmedabad
X
5-day-old baby undergoes hiatus hernia surgery in civil ahmedabad

  • આવા કિસ્સામાં મોડું કરવામાં આવે તો હોજરીની અંદર વળ ચડી જાય, કાણું પડી જાય અથવા હોજરી ખરાબ થવાની પણ શક્યતા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:15 PM IST

અમદાવાદ. શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક રેર અને જટીલ સર્જરી કરવામાં આવે છે. સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ 5 દિવસની બાળકી પર ‘હાઈટ્સ હર્નિઆ’ની રેર ગણાતી સર્જરી કરીને બાળકીને નવજીવન આપ્યું છે. વરસ્ત્રાલમાં રહેતા પંચાલ પરિવારની બાળકીને જન્મના 2 કલાકમાં જ શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. નોંધનીય છેકે, આ પ્રકારના કિસ્સામાં જો મોડું કરવામાં આવે તો હોજરીની અંદર વળ ચડી જાય, કાણું પડી જાય અથવા તો હોજરી ખરાબ થવાની શક્યતા પણ રહે છે.

બાળકીને જન્મના 2 કલાકમાં જ શ્વાસ લેવાની તકલીફ પડી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અને મધુબેન પંચાલની નવજાત બાળકીની હોજરી છાતીના ભાગમાં હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ હતી. 2 કિલો વજન ધરાવતી બાળકીને જન્મના 2 કલાકમાં જ શ્વાસ લેવાની તકલીફ થતાં ખાનગી હોસ્પિટલના NICUમાં શિફ્ટ કરવામાં આવી હતી.

‘હાઈટસ હર્નિઆ’ની તકલીફ હોવાનું બહાર આવ્યું
ખાનગી હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી ત્યારબાદ સીટી સ્કેન કરાવવામાં આવતા ‘હાઈટસ હર્નિઆ’ની તકલીફ હોવાનું જણાઈ આવ્યું હતું. ખાનગી હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવા માટે રૂ. 2 લાખ જેટલો ખર્ચ જણાવતાં બાળકીના પિતા આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યુ. સિવિલ હોસ્પિટલ ખાતે તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

બાળકી સ્તનપાન કરવા સક્ષમ ન હતી
પિડિયાટ્રિક્સ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી જણાવે છે કે “નવજાત બાળકીની હોજરી છાતીના ભાગમાં હતી જેથી બાળકી સ્તનપાન કરવા સક્ષમ ન હતી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. બાળકીનું ઓપરેશન કરી તેની હોજરી જે છાતીના ભાગમાં હતી તેને નીચે લાવવામાં આવી. ઉદરપટલનો જે ભાગ મોટો હતો તેને ટાંકા લઈને સાંકળો કરવામાં આવ્યો. અન્નનળીના હોજરી સાથેના જોડાણને સામાન્ય બનાવવામાં આવ્યું છે.

આ પ્રકારના કિસ્સામાં વધારે મોડું થાય તો હોજરી ફાટી પણ શકે
ડૉ. જોશીએ વધુમાં ઉમેર્યુ કે, અન્નનળી અને હોજરી વચ્ચે વધુમાત્રામાં જગ્યા હોવાના પરિણામે બાળકી સ્તનપાન કરી શકતી ન હતી. ધીમે-ધીમે હોજરી ફુલવાના પરિણામે ફેફસાં પર દબાણ વધી જતાં શ્વોસોશ્વાસમાં તકલીફ સર્જાઇ. જો આ પ્રકારના કિસ્સામાં વધારે પડતું મોડું કરવામાં આવે તો હોજરી ફાટી પણ શકે છે અથવા એની અંદર વળ ચડી જાય, કાણું પડી જાય અથવા હોજરી ખરાબ થવાની પણ શક્યતા રહેલી છે.

ઓપરેશનના 3 દિવસ બાદ ખોરાક આપવાનું શરૂ કરાયું
ઓપરેશનના 3 દિવસ બાદ બાળકીને ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું અને ચોથા દિવસથી તેને બ્રેસ્ટ ફીડીંગ (સ્તનપાન) ચાલુ કરવામાં આવ્યું હતું. હવે આ બાળકી ખૂબ જ સારી રીતે સ્તનપાન કરી રહી છે. નવજાત બાળકીએ જ્યારે 10 દિવસ પછી માતાનું ધાવણ આરોગ્યું ત્યારે તેની માતાનાં આંખમાં હર્ષનાં આંસુ જોવા મળ્યાં હતાં.

શું છે ‘હાઈટસ હર્નિઆ’ ?
ડૉ. જોશીએ જણાવ્યું હતું કે, ‘હાઈટસ હર્નિઆ’ એટલે કે છાતી અને પેટ બંન્નેને જુદો પાડતો ભાગ હોય જેને ઉદર પટલ કહેવાય છે. ઉદર પટલમાંથી અન્નનળી જે જગ્યાએથી બહાર નીકળે અને પેટમાં પહોંચી હોજરી સાથે જોડાય તેને હાઈટસ કહેવાય છે. નવજાત બાળકમાં ‘હાઈટસ હર્નિઆ’ એ ખૂબ જ દુર્લભ રોગ છે તેમાં વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે કેમકે આ રોગને કારણે પેટમાં કાણું, વોલ્વુલસ, એસ્પિરેશન, સતત ઉલ્ટીઓ વગેરે થવાની શક્યતાઓ રહેલી છે. પરિણામે આવા કેસમાં તાત્કાલિક સારવારની જરૂર રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી