પુલ દુર્ઘટના મામલો:ઓલિમ્પિક વિજેતાને 5 કરોડ; સરકારની બેદરકારીથી મૃત્યુ પામનારને માત્ર રૂપિયા 2 લાખ... આ અન્યાય છે

અમદાવાદ/મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી પુલ દુર્ઘટનાના મૃતકના પરિવારજનોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી, કહ્યું...
  • રાજ્ય સરકાર પર અમને કોઈ ભરોસો નથી,તપાસ CBIને સોંપવાની માગણી

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરી છે કે તેમને ગુજરાત સરકાર પર કોઇ ભરોસો નથી. 135 લોકોનાં મોત માટે જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ અને ઓરેવા ગ્રૂપના જવાબદારો સામે સરકારે આજદિન સુધી કોઇ પગલાં લીધાં નથી. ગુજરાત સરકાર ઓલિમ્પિક વિજેતાને 5 કરોડ ઇનામ આપે છે પરંતુ સરકારની બેદરકારીથી મૃત્યુ પામેલાને માત્ર 2 લાખ વળતર ચૂકવવાની નીતિ અન્યાયી છે. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા દાદ માગવામાં આવી છે. દિલીપભાઇ ચાવડા નામના અરજદારે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. ઝૂલતા પુલની દુર્ઘટનામાં દિલીપભાઇનાં ભાઇ અને ભાભી બંને મૃત્યુ પામ્યાં છે. અરજદાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી રજુઆત કરી છે કે ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં જવાબદાર ઓરેવા ગ્રૂપને સરકાર પરોક્ષ રીતે રક્ષણ આપી રહી છે. 150 લોકોનાં મોત માટે જવાબદાર ઓરેવા ગ્રૂપના એક પણ અધિકારી સામે આજદિન સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

135 મોતના ‘ભાગીદાર’ મોરબી ચીફ ઓફિસરને ઘરભેગા કરાયા

ઝૂલતા પુલને ઉતાવળે ખુલ્લો મૂકવાનો મામલો

​​​​​​​મોરબીના ઝૂલતા પુલ તૂટી પડવાની ઘટનામાં હવે ગાંધીનગરથી અલગ-અલગ વિભાગ દ્વારા અધિકારીઓ પર એક્શન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને શહેરી વિકાસ મંત્રાલયે સસ્પેન્ડ કરીને ઘરભેગા કરી દીધા છે. સંદીપસિંહે રાજકોટ હેડક્વાર્ટર હાજર થવાનું રહેશે. તપાસ ચાલે ત્યાં સુધી હેડ ક્વાર્ટર છોડી નહીં શકશે.

સિવિલના સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ ડો. દૂધરેજિયા પાસેથી છીનવાયો

અડધી રાત્રે હોસ્પિટલમાં રંગરોગાનનો મામલો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પણ એક્શન લેવામાં આવ્યા છે. મોરબી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો પી. કે. દૂધરેજિયા પાસેથી ચાર્જ પરત લેવામાં આવ્યો છે. હવે આ ચાર્જ મેડિકલ કોલેજના ડીન ડો. નિરજ નિશ્વાસન સોંપવામાં આવ્યો છે. ઉલ્લખેનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અડધી રાત્રે હોસ્પિટલ તંત્ર દ્વારા રંગરોગાન, ટાઈલ્સ બદલવા અને કુલર મૂકવા તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલની ચાદર પાથરવામાં આવી હતી.

કેબલ અને પીન સહિતના સ્ટ્રક્ચરના નમૂના લીધા

​​​​​​​FSLની ટીમ પહોંચી

​​​​​​​બ્રિજ તૂટવા પાછળ સૌથી વધુ જવાબદાર કેબલની ગુણવત્તાની ચકાસણી માટે ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ગાંધીનગર FSLની ટીમ તપાસ કમિટી તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ કેબલ, પીન અન્ય સ્ટ્રક્ચર તેમજ બ્રિજ સાથે જોડાયેલા મટીરિયલના નમૂના લીધા હતા. આ નમૂનાઓ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...