આ છે અમદાવાદનું બ્રિજ મોડલ:અમદાવાદના સૌથી વ્યસ્ત SP રિંગ રોડ પર 9 વર્ષમાં 5 જ બ્રિજ બન્યા, 5 બ્રિજનું કામ થયું નથી ને વધુ આ 10 બ્રિજ બનાવશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદના સૌથી વ્યસ્ત અને ભારે વાહનો સહિતનાં નાનાં-મોટાં લાખો વાહનોની અવરજવર જ્યાં રહે છે એવા SP રિંગ રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(AUDA) દ્વારા છેલ્લાં દસ વર્ષમાં 10 જેટલા બ્રિજ બનાવવાની શરૂઆત કરી હતી, જેમાંથી માત્ર 5 બ્રિજની કામગીરી પૂર્ણ થઈ અને કાર્યરત થયા છે, ત્યારે બાકીના 4 બ્રિજની કામગીરી છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ચાલી રહી છે, જે હજી સુધી પૂર્ણ થઈ નથી.

એક તરફ પાંચ વર્ષથી છ જેટલા બ્રિજની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વધુ 10 જેટલા બ્રિજ બનાવવાનાં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે. ઔડા રિંગ રોડ પર રોજનાં લાખો વાહનો પસાર થાય છે અને આ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ ન થતી હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પાંચ બ્રિજ બનાવવામાં જ 9 વર્ષ લાગ્યાં
સરદાર પટેલ રિં ગરોડ એટલે કે એસપી રિંગ રોડ પર લાખો વાહનોની અવરજવર વધતાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા મોટા જંકશન પર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ પર લેવામાં આવી હતી, જેમાં વર્ષ 2013થી 2022 સુધીમાં 10 જેટલા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એમાં બોપલ સર્કલ, ઝુંડાલ સર્કલ, દહેગામ સર્કલ અને ભાડજ ચાર રસ્તા પર બ્રિજ બનીને તૈયાર થઈ ગયા છે.

રણાસણ સર્કલના બ્રિજનું કામ જ બંધ
વર્ષ 2017થી સનાથલ સર્કલ, રણાસણ સર્કલ, શાંતિપુરા સર્કલ, મુમદપુરા બ્રિજ બની શક્યા નથી. રણાસણ, સનાથલ અને શાંતિપુરા સર્કલ પાસે છેલ્લાં ત્રણ વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી છે, પરંતુ હજી સુધી એ પૂરી થઈ નથી. રણાસણ સર્કલ પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજ પર તો હાલમાં કામગીરી ચાલુ ન હોય તેમ બંધ હાલતમાં બ્રિજ પડ્યો છે તેમ જણાય છે.

નવા 10 બ્રિજ માટે રૂ. 660 કરોડનાં ટેન્ડર પાસ કર્યા
એક તરફ છેલ્લાં પાંચ વર્ષથી છ ઓવરબ્રિજ ન બનાવી શકનાર ઔડા દ્વારા વધુ 10 ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે અને જેમાં છ જેટલાં ટેન્ડર પાસ થઈ ચૂક્યાં છે, જ્યાં સૌથી વધુ વ્યસ્ત ટ્રાફિક જંકશન પર ઝડપથી બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની જરૂર છે, એ પૂરા કરવાની જગ્યાએ ઔડા દ્વારા રૂ. 660 કરોડનો ખર્ચ કરીને બ્રિજ બનાવવા માટેનાં ટેન્ડરો પાસ કરી દેવામાં આવ્યાં છે. સમયસર બ્રિજ ના બની શકવાને કારણે સનાથલ અને શાંતિપુરા સર્કલ પર દરરોજ સાંજના સમયે હેવી ટ્રાફિકજામ થઈ જાય છે.

મુમદપુરા બ્રિજ પાસે અકસ્માતનો ભય
શાંતિપુરા અને સનાથલ સર્કલ બંને સૌથી વધુ વ્યસ્ત ટ્રાફિક જંકશન છે, જ્યાં ભારે વાહનો સહિત નાનાં- મોટાં વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે. આ બંને બ્રિજ ઝડપથી પૂરા કરવાની જરૂર છે, પરંતુ ત્યાં હજી સુધી બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. તો બીજી તરફ મુમદપુરા પાસે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, ત્યાં લોકો રોંગ સાઈડમાં એસજી હાઇવે તરફ જાય છે, જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. મુમદપુરા ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે છેલ્લા 10 મહિનાથી સુધી ઔડા દ્વારા કોઈ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી અને એક મહિના પહેલાં જ નવું ટેન્ડર કરીને હવે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી હજી છ મહિના સુધી આ બ્રિજ શરૂ નહીં થાય તેવું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...