આવી દેખાડાની જાહેરાતોની વિરુદ્ધ ભાસ્કર:ગુજરાત સરકાર દ્વારા 20 દિવસમાં 5 જાહેરાત, જે બીજીવાર કરાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર.
  • જાહેરાતો કરીને સરકાર ભૂલી શકે છે, જાહેરાતો સાંભળીને પ્રજા નથી ભૂલતી

ગુજરાત સરકારની યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય અથવા તો જનતા બધું ભૂલી જ જાય છે તેવું માનીને ચાલતી હોય તેમ અગાઉ કરાયેલી જાહેરાતોને રિપેકેજિંગ કરીને ફરી પાછું નવા નામ સાથે કે નવી જ જાહેરાત હોય તેમ શબ્દોના નવા જામા પહેરાવી દેવામાં આવે છે. આ બધું એક વ્યવસ્થિત તંત્ર દ્વારા ચાલી રહ્યું છે, જેથી કરીને સરકારની કામગીરીનો પ્રચાર એ રીતે થાય કે જાણે લોકો માટે સતત કંઈક નવું થઈ રહ્યું છે.

ગુજરાત સરકારના જ એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ કોરોનાને કારણે સરકારની આવકો ઘટી હોવાથી નવી કોઈ જાહેરાત કરીને તેના માટે નવો ખર્ચ કરવો સરકારને સહેજ પણ પોસાય તેમ નથી. એક જ બાબતની નવેસરથી જાહેરાત કરાય છે તેના માટે સરકારે ખાસ હાયર કરેલી પીઆર એજન્સીનો કમાલ છે. તેઓ આ પ્રકારનું કામ કરતા રહે છે, એનાથી પ્રચાર-પ્રસાર સારો થાય છે.

આ સિવાય અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મૂળભૂત રીતે સરકારમાંથી અનૌપચારિક રીતે પણ કોઈ નવા પ્રોજેક્ટ કે યોજનાની જાહેરાત થાય છે અને ત્યાર બાદ જ્યારે તેનું અમલીકરણ થાય ત્યારે રીતે લોકોને જાણ થાય અને તે યોજનાનો લાભ કેવી રીતે લઇ શકાય તે હેતુ સાથે તેની વિધિવત્ જાહેરાત કરાય છે.

મંગળવારે સરકારનું એલાન
ભાવનગરમાં 1900 કરોડના ખર્ચે બનશે વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ, (સરકારી પ્રેસનોટમાં લખ્યું છે કે મુખ્યમંત્રીએ ટર્મિનલની સ્થાપનાની મંજૂરી આપી છે)

10 મહિના પહેલાં પણ આવી જ મંજૂરી આપી હતી.
10 મહિના પહેલાં પણ આવી જ મંજૂરી આપી હતી.

20 દિવસમાં 5 જાહેરાત, જે બીજીવાર કરાઈ

જાહેરાતપહેલીવારબીજીવાર
ભાવનગરમાં CNG ટર્મિનલ10/11/201915/09/2020
70 માળનું બિલ્ડિંગ24/09/201918/08/2020
કૃષિવિષયક જાહેરાત26/02/202010/09/2020
સરકારી નોકરીમાં ભરતી05/09/2020કોઈ મોટી જાહેરાત હોય એમ ભરતી અંગે ઢંઢેરા પીટ્યા
જૂનાગઢમાં ભૂગર્ભ ગટર યોજના201529/08/2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જેમ-જેમ કામની પ્રગતિ થાય તેમ તેની જાહેરાત થાય છે. સીએનજી ટર્મિનલના કિસ્સામાં અગાઉ જ્યારે ટેન્ડર માટેની પ્રક્રિયા શરૂ થઇ હતી ત્યારે જાહેરાત કરાઇ અને હવે આજે તેના લેટર ઓફ ઇન્ટેન્ટ રજૂ થયા ત્યારે તેની જાહેરાત થઇ છે. ભવિષ્યમાં તેનું ખાતમુહૂર્ત થશે ત્યારે પણ જાહેરાત થશે અને લોકાર્પણ કરીશું ત્યારે તેની પણ જાહેરાત થશે.

વિકસતું ગુજરાત, કઈ યોજના ક્યારે જાહેર થઈ

  • ગુજરાતના ગૌરવ રૂપ વિશ્વના પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ પ્રોજેકટ વિકસાવવા મુખ્યમંત્રીએ લેટર ઓફ ઇન્ટેન્ટ માટે મંજૂરી આપી- 15 સપ્ટેમ્બરે જાહેર કરાયું. અગાઉ આ જ બાબતના એમઓયુ વાઇબ્રન્ટ ગુજરાત જાન્યુઆરી 2019માં થયા હતા અને તે જ દિવસે તેની જાહેરાત સરકારના ગુજરાત મેરિટાઇમ બોર્ડ વતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ 10 નવેમ્બર, 2019ના રોજ મુખ્યમંત્રીએ આ ટર્મિનલ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી તેની જાહેરાત થઇ હતી.
  • ગુજરાતનાં ચાર મહાનગરોમાં 70 કે તેથી વધુ માળની ઇમારતો બનાવવા માટે મંજૂરી અપાઇ – 18 ઓગસ્ટે જીડીસીઆરમાં ફેરફારની જાહેરાત કરાઇ આ જ જાહેરાત મુખ્યમંત્રીએ 24 સપ્ટેમ્બર, 2019ના રોજ અમદાવાદમાં બિલ્ડરોના એસોસિયેશન ક્રેડાઇના સમારોહમાં કરી હતી.
  • રાજ્યના લાખો ખેડૂતો, કૃષિક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘7 પગલાં કૃષિ કલ્યાણના’ યોજનાનું સીએમ શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચિંગ – 10 સપ્ટેમ્બરે જાહેરાત થઈ.

ખરેખર તો આ યોજના બજેટમાં કરાયેલી જાહેરાતોનું રિપેકેજિંગ છે. 26 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલે આ તમામ યોજનાઓની જાહેરાત કૃષિવિભાગમાં વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઇ તરીકે કરી હતી. તેમાં આ તમામ યોજનાઓનો અક્ષરસઃ ઉલ્લેખ થયેલો છે. હવે આ યોજનાઓને ભેગી કરી સાત પગલાં કૃષિ કલ્યાણ યોજના નામ અપાયું.

  • રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટે નિમણૂકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ આદેશો – કોરોનાને કારણે જાહેર સમારોહ યોજી શકાય તેવું ન હતું તેથી આ પ્રક્રિયા અટકી રહી હતી. તેથી આ જાહેરાત ખરેખર તો સરકારની બાકી રહેલી કામગીરી પૂરી કરવાની હતી.
  • જૂનાગઢ મહાનગરને મળશે ભૂગર્ભ ગટર યોજના, મુખ્યમંત્રીએ 320 કરોડ રૂપિયાનાં કામોને આપી મંજૂરી.
  • આ અગાઉ પીએમઓ દ્વારા દેશના અલગ-અલગ શહેરોને સ્માર્ટ સિટીમાં તબદિલ કરવા હેઠળના અમૃત યોજનામાં 2016માં જૂનાગઢમાં રૂપિયા 324 કરોડની ગટર યોજનાની જાહેરાત થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...