કોણ કહે છે ન્યાયતંત્ર ધીમું છે?:દુષ્કર્મ કેસમાં સુરતની પોક્સો કોર્ટનો દેશના ઇતિહાસમાં 4થો સૌથી ઝડપી ચુકાદો, મધ્યપ્રદેશના ઘાટિયામાં 24 કલાકમાં 2 કિશોરને સજા થઈ હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ.પ્ર.ના જ દતિયા અને હરિયાણાના ગુરુગ્રામમાં 3 દિવસમાં બળાત્કારીઓને આકરી સજા કરી ચૂકી છે પોક્સો કોર્ટ
  • 12 વર્ષથી ઓછી વયની સગીરાઓ પર દુષ્કર્મના કેસમાં ઝડપી કાર્યવાહીના કેન્દ્રના કાયદા બાદ તાબડતોબ ન્યાય થાય છે

સુરતની પોક્સો કોર્ટે ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપતાં 4 વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ કરી છે. ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદાની આ 4થા ક્રમની ઘટના છે, જ્યારે મધ્યપ્રદેશના ઘાટિયા વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા 16 વર્ષના કિશોરને ચાર્જશીટ ફાઈલ થયાના 24 કલાકમાં જ પોક્સો કોર્ટે બે વર્ષની સજા કરી હતી, એ અત્યારસુધીનો સૌથી ઝડપી ચુકાદો છે. આ ઉપરાંત એવી ચાર ઘટના છે, જેમાં માસૂમ બાળાઓ પર દુષ્કર્મ ગુજારનારા હેવાનોને અદાલતોએ 5 દિવસની અંદર જ આજીવન કેદથી માંડીને મૃત્યુદંડની સજા કરી છે.

સુરતની પોક્સો કોર્ટે 5 દિવસમાં જ ટ્રાયલ પૂર્ણ કરી ચુકાદો આપ્યો
પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીને સો-સો સલામ ભરવાનું મન થાય એવી આ ઘટનામાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત 12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી-ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યાર બાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.

આરોપી રમતી બાળકીને ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી રમતી બાળકીને ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.

મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બળાત્કાર ગુજારનારને સજા
2018માં મધ્યપ્રદેશના ઘાટિયા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં સ્વતંત્રતા પર્વના દિવસે જ એક બાળકીને પાડોશમાં રહેતા કિશોરની પાસે રમવા મૂકીને પરિવાર ગયો હતો. એકલતાનો લાભ લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરીને ફરાર થયો હતો. પોલીસે કિશોરની તેના સંબંધીના ઘરેથી બીજા દિવસે ધરપકડ કરી હતી. ઉજ્જૈન પોલીસે 4 દિવસમાં તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. 20 ઓગસ્ટે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયાના 24 કલાકમાં જ જજે આરોપીને 2 વર્ષની કેદની સજા સંભળાવી હતી. માત્ર એક જ દિવસમાં સજા સંભળાવીને બળાત્કારીને સજા કરી હતી.

ગુરુગ્રામની આઠ વર્ષીય બાળકી પરના દુષ્કર્મીને 3 દિવસમાં સજા
હરિયાણાના ગુરુગ્રામની જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે બાળકીના દુષ્કર્મ કેસમાં માત્ર 3 દિવસમાં જ ચુકાદો આપ્યો હતો. બે કિશોરને આઠ વર્ષીય બાળકીના કેસમાં સજા સંભળાવી હતી. સજા બાદ બંને કિશોરને બાળસુધારણા ગૃહ મોકલી દેવાયાં હતાં. 2019માં 4 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન આ કાર્યવાહી થઈ હતી, જેમાં 6થી 8 ઓક્ટોબર જાહેર રજા હતી. 8 મેએ બાળકી ઘરની બહાર નમકીન લેવા ગઈ હતી, બાદમાં ઘરે પરત ફરી ન હતી. જેથી તેની મમ્મીએ શોધખોળ કરતાં એક કિશોર એક અવાવરૂ જગ્યાએ બાળકી પર દુષ્કર્મ કરતાં જોઈ ગઈ હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી અને હોસ્પિટલ ખસેડી હતી.

ન્યાયિક પ્રક્રિયાના તમામ વિભાગો દ્વારા યોગ્ય સંકલન કરીને ઝડપથી ચુકાદો અપાયો હતો.
ન્યાયિક પ્રક્રિયાના તમામ વિભાગો દ્વારા યોગ્ય સંકલન કરીને ઝડપથી ચુકાદો અપાયો હતો.

મ.પ્ર.ના દતિયામાં 3 અને ગ્વાલિયરમાં બળાત્કારીઓનો 5 દિવસમાં ફેંસલો
મધ્યપ્રદેશના જ દતિયા અને ગ્વાલિયરમાં 2018ની સાલમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા 24 વર્ષના અલગ-અલગ કેદીઓને આજીવન કેદ અને દેહાંતદંડની સજા થઈ હતી. દતિયાના કેસમાં તો ચાર્જશીટ ફાઈલ થયાના 3 દિવસમાં જ પોક્સો કોર્ટે સજા સંભળાવી દીધી હતી, જ્યારે ગ્વાલિયરવાળા કેસમાં પોક્સો કોર્ટે 5 દિવસનો સમય લીધો હતો અને પછી 24 વર્ષીય આરોપીને મૃત્યુદંડ કર્યો હતો.

સુરતમાં દુષ્કર્મીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી
2019માં 14 ઓક્ટોબરે સુરતના એક વિસ્તારમાં સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને થેલીમાં નાખવાર આરોપી અનિલ યાદવને 31 જુલાઈએ સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં સરકાર સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યા હતા. આ ઘટના બાદ આરોપી અનિલ યાદવ બિહારના બક્સર નાસી છૂટ્યો હતો અને પોલીસે તેના ઘરથી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો, ત્યાર બાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

સુરત કેસના આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઈને દુષ્કર્મ આચર્યું હતું
આરોપીએ પોતાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું હતું કે બાળકી સાથે આ અપરાધ કરતાં પહેલાં તેણે પોતાના મોબાઇલમાં અશ્લીલ ફિલ્મો જોઇ હતી. બાળકી તેના રૂમમાં આવી જતાં જધન્ય અપરાધને અંજામ આપ્યો હતો. બાદમાં બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી. દુષ્કર્મ કેસમાં નજરે જોનારા કોઇ સાક્ષી ન હોવાને કારણે પોલીસે સાંયોગિક પુરાવાને આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કુલ 35 સાક્ષી હતા. પોલીસે FSLનો રિપોર્ટ, ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા, બાળકીના પિતાનું નિવેદન, પાલેજ સ્ટેશનના CCTV ફૂટેજ અને આરોપીની કોલ-ડિટેલને આધાર બનાવી કોર્ટમાં એક જ મહિનામાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ સમગ્ર પુરાવાને આધારે કોર્ટે આઠ મહિનામાં જ ફાંસીની સજા ફટકારી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...