CCC કૌભાંડ:પ્રાથમિક સ્કૂલોના 49 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. આપી ઉચ્ચતર પગાર લઇ લીધો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શિક્ષકોને આપેલા લાભ-પગાર વધારો પાછો ખેંચવા સૂચના
  • સીસીસીના સર્ટિ. માટે એજન્ટો થકી 30 હજારમાં ગોઠવણ કરાઈ
  • જો પોલીસને તપાસ સોંપાય તો મોટું કૌભાંડ બહાર આવે​​​​​​​

સરકારી કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે ઉચ્ચત્તર પગારનો લાભ લેવા માટે કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ (સીસીસી)નું પ્રમાણપત્ર ફરજિયાત છે. પરંતુ ઘણા શિક્ષકોને કમ્પ્યુટર ન આવડતું હોવાથી અને પગારવધારાનો લાભ લેવાની લાલચમાં ગેરરીતિ કરીને ખોટા સીસીસી પ્રમાણપત્ર લીધા હોવાનો ખુલાસો થયો છે. રાજ્યની હિસાબ અને તિજોરી નિયામકની કચેરીએ શિક્ષણ સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખીતમાં જાણ કરી છે કે શિક્ષકોની સેવાપોથી અને રેકોર્ડની તપાસ કરતા 49 શિક્ષકોએ સીસીસીના ખોટા અને બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું જણાય છે.

શિક્ષકોને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો
આ તમામ શિક્ષકો સામે શિસ્ત વિષયક તથા ફોજદારી કાર્યવાહી કરવા અને તેઓને મળેલા ઉચ્ચત્તર પગાર ધોરણના લાભો રદ્દ કરવા જણાવાય છે. આ ઉપરાંત તેઓને ચૂકવેલી રકમ રિકવરી કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવે. શિક્ષકો પાસેથી પરત લેવાયેલી રકમને નાણાવિભાગમાં જમા કરાવવાની પણ સુચના અપાઇ છે. હાલમાં સરકારી કાર્યવાહી પ્રમાણે શિક્ષકોને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો અપાશે, ત્યારબાદ જે તે જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષકો પર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

તપાસમાં આ પ્રકારની ગેરરીતિ પકડાઇ

  • એક શિક્ષકના પ્રમાણપત્રમાં પરીક્ષા કેન્દ્રનો જ ઉલ્લેખ નથી.
  • બે શિક્ષકના પ્રમાણપત્રમાં પરીક્ષાનો સીટ નંબર એક સરખો જોવા મળ્યો હતો.
  • એક શિક્ષક ઓનલાઇન લિસ્ટમાં નાપાસ છે, જ્યારે પ્રમાણપત્રમાં પાસ બતાવાયા છે.
  • પરીક્ષાનો બેઠક નંબર કોઇ અન્ય નામ અને તે જ નંબરના પ્રમાણપત્રમાં શિક્ષકોના નામ છે.

CCC પ્રમાણપત્ર મોટું કૌભાંડ છે, તપાસ જરૂરી છે
નિવૃત્ત ડે. ડાયેરક્ટર (તાલીમ) અને આરટીઆઇ એક્ટિવિસ્ટ બિપીન રાવલે કહ્યું હતું કે, સીસીસીની પરીક્ષામાં ભૂતકાળમાં પણ ગેરરીતિની ફરિયાદો થઇ છે. તેની ફાઇલ એન્ટિ કરપ્શન બ્યુરો સુધી પહોંચી છે. જેમાં સીસીસીની પરીક્ષાના ચોક્કસ કેન્દ્રો પર જ પરીક્ષા લેવાતી, બાકીના કેન્દ્રોમાં ટેકનિકલ ખામીના બહાને પરીક્ષા રદ્દ કરાતી. પરીક્ષા ન આપી હોવા છતાં ઉપરના લેવલ પરથી સીસીસી પાસ હોવાનાં પ્રમાણપત્રો તૈયાર થઇ જાય છે. જો પ્રમાણપત્રોની તપાસ એસીબી કે સીઆઇડીને સોંપાય તો મોટું કૌભાંડ બહાર આવે.

તમામ જિલ્લામાં મોકલી અપાયું છે
અમે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને 49 શિક્ષકના નામ મોકલ્યા છે. બાદમાં જે તે જિલ્લા શિક્ષણાધિકારીની સુુનાવણી પછી અંતિમ નિર્ણય લેશે. > એમ.આઇ જોષી, પ્રાથમિક શિક્ષણ નિયામક

પ્રમાણપત્ર માટે 30 હજાર સુધીમાં ગોઠવણ થાય છે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 50 વર્ષથી ઓછી ઉંમરના જે સરકારી કર્મચારીઓને કમ્પ્યુટર ન આવડતું હોય તેવા સરકારી કર્મચારીઓ ઇન્ક્રિમેન્ટ અને ઉચ્ચત્તર પગાર ધોરણની લાલચે સીસીસના ખોટા પ્રમાણપત્ર લેવા તૈયાર થઇ જાય છે. ઘણા કિસ્સામાં 30 હજાર સુધીમાં પ્રમાણપત્રની ગોઠવણ થાય છે. જેમાં કર્મચારીએ માત્ર કમ્પ્યુટર પર બેસવાનું અને હાજર રહેવાનું હોય છે. બાકી બધી ગોઠવણ એજન્ટ મારફતે થાય છે.

અન્ય સમાચારો પણ છે...