આડઅસર રોકવા ટ્રીટમેન્ટ:સિવિલમાં દાખલ કરાયેલા લઠ્ઠાકાંડના 49 દર્દીને રોજના 1 લિટર લેખે 49 લિટર શુદ્ધ આલ્કોહોલ ચઢાવવો પડે છે

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
  • અસરગ્રસ્તો ભવિષ્યમાં દારૂ ન પીવે એ સમજાવવા માટે મનોચિકિત્સકોની મદદ લેવાઈ
  • મોટા ભાગના અસરગ્રસ્તને આંખ, કિડની અને લિવર પર અસર થતાં નેફ્રોલોજિસ્ટ, ફિઝિશિયન સારવાર આપે છે

બરવાળામાં થયેલો લઠ્ઠાકાંડ દારૂ નહીં, પણ કેમિકલનું પરિણામ હોવાનો સરકારનો દાવો છે, પરંતુ હકીકતમાં સિવિલમાં દાખલ લઠ્ઠકાંડના દરેક અસરગ્રસ્તને આંખ, કિડની અને લિવર પર થયેલી મિથેનોલની આડઅસરથી બચાવવા માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં દર બે કલાકે 80 મિલી જેટલું ઇથેનોલ (શુદ્ધ આલ્કોહોલ) અપાઈ રહ્યું છે, એટલે કે પ્રત્યેક દર્દીને 12 કલાકમાં એક લિટર ઇથેનોલ મુજબ હાલમાં હોસ્પિટલમાં 49 દર્દી પેટે રોજનો 49 લિટર જેટલો ઇથેનોલ વપરાય છે.

મિથેનોલથી આડઅસરથી બચાવવા માટે મોઢેથી ઇથેનોલ અપાય છે
અસરગ્રસ્તોની સારવાર માટે ફિઝિશિયન, મેડિસિન, નેફ્રોલોજિસ્ટ અને સાઇકોલોજિસ્ટની ટીમ સારવાર આપી રહી છે. સરકારના આદેશથી સિવિલમાં દાખલ લઠ્ઠાકાંડના કોઈ અસરગ્રસ્તને મળવા પર હોસ્પિટલતંત્રએ મનાઇ ફરમાવી છે. હોસ્પિટલના સત્તાધીશો પણ કબૂલે છે કે લઠ્ઠાકાંડના દરેક અસરગ્રસ્તને મિથેનોલથી આડઅસરથી બચાવવા માટે મોઢેથી ઇથેનોલ અપાય છે, પણ દરેક દર્દીને ઇથેનોલ કેટલી માત્રામાં અને દિવસમાં કેટલીવાર અપાય છે એ અંગે મૌન સેવી રહ્યા છે, પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ પાસે ઉપલબ્ધ દર્દીના રિપોર્ટ પ્રમાણે, દર્દીને કિડની, લિવર, આંખો અને પેટની તકલીફની દવાઓની સાથે દર બે કલાકે 80 એમ.એલ. ઇથેનોલ અપાય છે.

હોસ્પિટલતંત્ર શું કહે છે

સારવાર માટે 12 ડૉક્ટરની ટીમ, 4 દર્દી વેન્ટિલેટર પર
મોટા ભાગના દર્દીને આંખ, કિડની, લિવર અને પેટની તકલીફ છે. મેડિસિન, ઓપ્થલમોલોજી, નેફ્રોલોજિસ્ટ અને ફિઝિશિયન સહિત 12 ડોકટરની ટીમ સારવાર કરે છે. 49માંથી 20 દર્દીનું હિમોડાયાલિસિસ કરાયું છે, પણ વેન્ટિલેટર પર રહેલા 4 દર્દી સિવાય તમામ દર્દી સ્વસ્થ છે. હાલ મનોચિકિત્સક પણ મદદ કરે છે. > ડો. રાકેશ જોષી, સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ

દારૂના વ્યસનથી થતી હાનિ અંગે ડૉક્ટરો સમજ આપે છે
હોસ્પિટલમાં દાખલ મોટા ભાગના દર્દી દારૂના બંધાણી છે, જેથી સાઇકોલોજી વિભાગના 2 આસિસ્ટન્ટ પ્રોફેસર, 2 સિનિયર-2 જુનિયર રેસિડેન્ટ મળીને 6 ડોકટરની ટીમે દરેક દર્દીની હિસ્ટ્રી લઇ તપાસ બાદ કાઉન્સેલિંગ કરે છે, જેમાં વ્યસન કેમ થાય છે, વ્યસનથી નુકસાન, કેમ છોડવું અને કેવી રીતે છોડવાની સમજ આપી છે. > ડો. મીનાક્ષી પરીખ, સાઇકોલોજી વિભાગના વડા, સિવિલ

ઝડપી નશા માટે મિથેનોલનો ઉપયોગ થાય છે
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નશાકારક પદાર્થની સૌપ્રથમ અસર લેનારના મગજ પર થાય છે, શરૂઆતમાં દારૂની એક પોટલી કે ગ્લાસમાં અસર થાય છે, પણ નિયમિત દારૂ પીનારાને અમુક સમય પછી દારુનો નશો થતો નથી. દારૂના અડ્ડાવાળા દારૂ પીવાથી તાત્કાલિક મગજને કિક વાગે એના માટે મિથેનોલ કે ડામર જેવાં કેમિકલ્સનો ઉપયોગ કરે છે.

સિવિલમાંથી 6 અસરગ્રસ્તને રજા અપાઈ
સિવિલ હોસ્પિટલમાં ગત સોમવાર રાતથી લઇને ગુરુવાર સાંજ સુધી બરવાળામાં લઠ્ઠાકાંડના કુલ 49 અસરગ્રસ્તને સારવાર માટે લવાયા હતા, જેમાંથી 6 વ્યકિત ગુરુવારે સ્વસ્થ જણાતાં તેમને રજા અપાઇ છે, જ્યારે 4 દર્દીની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાથી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...