ઠંડીમાં વધુ ઠૂઠવાવા તૈયાર રહેજો:રાજ્યમાં 48 કલાક કોલ્ડવેવથી તાપમાન હજી 3 ડિગ્રી સુધી ગગડશે, નલિયામાં 2 અને અમદાવાદમાં 8 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી

અમદાવાદએક મહિનો પહેલા
(અંદાજિત આંકડા હવામાન વિભાગની આગાહી પ્રમાણે કર્યા છે)
  • સોમવારથી ત્રણેક દિવસ ઠંડીમાં રાહત મળશે, ઉ. ભારતમાં આગાહી મુજબ માવઠું થશે તો 25મીથી ફરી ઠંડી
  • ભૂજ, મહેસાણા, પાલનપુર, હિંમતનગર 6 ડિગ્રી આસપાસના તાપમાનથી ઠૂંઠવાશે, સૌરાષ્ટ્રમાં પણ ધ્રુજારી રહેશે

કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા બાદ હવે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. આ તેજ પવનોથી નલિયા, અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં શીત લહેર વ્યાપી છે. આ બર્ફીલા પવનોને કારણે હજી પણ 48 કલાક સુધી સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સરેરાશ 3 ડિગ્રી નીચો જઈ શકે છે. આ રીતે જોઈએ તો નલિયામાં 2 ડિગ્રી અને અમદાવાદમાં 8 ડિગ્રી જેટલું તાપમાન થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીમાં હજી વધારો થવાની આગાહી છે.

ત્રણ દિવસ મોટાભાગના સ્થળોએ પારો 10 ડિગ્રીની નીચે જશે
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીની વ્યાપક અસર જોવા મળશે. આ રીતે જોઈએ તો નલિયા, અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે. ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયા હતા. આજે સવારે પણ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.

સોમવારથી 24મી સુધી રાહત મળી શકે, પછી ફરી ઠંડી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ત્રણેક દિવસ કોલ્ડવેવ રહ્યા બાદ આગામી સોમવાર ને 20 ડિસેમ્બરથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થવાનું શરૂ થઈ શકે છે. ગુજરાતના સૌથી ઠંડા સ્થળ ગણાતા કચ્છના નલિયામાં હાલમાં 5 ડિગ્રી તાપમાન છે, જે ઘટીને 2 ડિગ્રી સુધી રહ્યા બાદ સોમવારથી થોડીક રાહત મળી શકે છે. જો કે, 25મી પછી ફરી ઉત્તરના ઠંડા પવનોને કારણે ચાર-પાંચ દિવસ સુધી તાપમાન નીચું રહી શકે છે. આ સ્થિતિમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહથી બદલાવ આવવાનો શરુ થઈ શકે છે.

અંધારું થતાં જ રાજ્યભરના રાજમાર્ગો સૂમસામ થવા માંડ્યા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા રાજ્યમાં શુક્રવારે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગે હજુ શનિવાર અને રવિવાર બે દિવસ રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગાંધીનગર અને બનાસકાંઠા એ પાંચ જિલ્લાઓમાં વધુ ઠંડી સાથે કોલ્ડ વેવ જારી રહેવા આગાહી કરાઈ છે. અત્યારે તો તીવ્ર ઠંડીને પગલે અંધારું થતાં જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા રાજ્યના રાજમાર્ગો સૂમસામ થવા લાગ્યા છે.

આજથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી ( પ્રતીકાત્મક તસવીર)
આજથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી ( પ્રતીકાત્મક તસવીર)

22મીથી ઉ. ભારતમાં માવઠું, 25મીથી ગુજરાત ફરી ઠંડુગાર થશે
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઇ 22 ડિસેમ્બર નજીક ઉત્તર ભારતનાં રાજ્યોમાં માવઠાની આગાહી છે. આ સિસ્ટમ વિખેરાઇ ગયા બાદ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીનો પારો 11થી 13 ડીગ્રી વચ્ચે પણ જવાનું અનુમાન છે.