કોરોનાના કારણે રાજ્યભરની કોર્ટો દોઢ વર્ષ બંધ રહેતા વકીલોની આર્થિક હાલત કફોડી બનતાં, કેટલાક જુનિયર વકીલોએ વ્યવસાય પણ બદલ્યો હતો. તેમ છતાં વર્ષ 2020માં રાજ્યભરમાંથી 4742 લોકોએ સ્ટેટ બાર કાઉન્સિલમાંથી વકીલાતની પ્રેક્ટિસ માટે નોંધણી સર્ટિફિકેટ(સનદ)મેળવી છે. આ આંકડો જોતાં વકીલાતના વ્યવસાયમાં જોડાવા માટે યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ મેમ્બર અનિલ કેલ્લાએ કહ્યું હતું કે, વર્ષ 2010 પછી કોઇપણ કાયદાના સ્નાતકે વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કરવો હોય તો બે પ્રકારની સનદ મેળવવી પડે છે. સૌ પ્રથમ સ્ટેટ બાર કાઉન્સિલમાંથી નોંધણી સર્ટિફિકેટ (સનદ) મેળવવી પડે, એ પછી બાર કાઉન્સિલની પરીક્ષા ફરજીયાત પાસ કરવી પડે છે. આ પરીક્ષા પાસ કરનાર વકીલને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયા પ્રેક્ટિસ સર્ટિફિકેટ(સનદ) આપે છે.
ગુજરાતમાં દર વર્ષે અંદાજે 3500 લોકો સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવતા હોય છે. નોંધણી બાદ વકીલોએ 2 વર્ષમાં બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. જે લોકો 2 વર્ષમાં આ પરીક્ષા પાસ ના કરે, તેમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આપેલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપોઆપ રદ થઇ જાય છે, જેથી એ લોકો વકીલાત કરી શકતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.