બે દાયકાનો દબદબો:4611 દિવસ CM-2692 દિવસ PM મળી સતત 7303 દિવસથી સત્તામાં, 2024-2029માં પણ PM બને તો નહેરુનો રેકોર્ડ તૂટે!

અમદાવાદ17 દિવસ પહેલા
  • મુખ્યમંત્રી-વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદીનાં 20 વર્ષ પૂર્ણ, 51 વર્ષે પહેલીવાર CM બન્યા હતા
  • વડાપ્રધાન તરીકે મોદી 2692 દિવસથી છે. સૌથી વધુ 6130 દિવસ સુધી સતત વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામે હજુ અકબંધ છે

2001ની 7મી ઑક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદીને સતત સત્તા પર 20 વર્ષ પૂર્ણ થયા છે. 12 વર્ષ અને 7 મહિના સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા, જ્યારે 7 વર્ષ અને 4 મહિનાથી તેઓ દેશના વડાપ્રધાન છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સતત સત્તામાં રહેનાર નેતા તરીકે તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. જોકે, વડાપ્રધાન તરીકે તેઓ 2692 દિવસથી છે. સૌથી વધુ 6130 દિવસ સુધી સતત વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે છે. નહેરુ 1947ની 15મી ઑગસ્ટથી 27મી મે, 1964 સુધી વડાપ્રધાન હતા.

વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદની શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદીની તસવીર
વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદની શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદીની તસવીર

ઇન્દિરા ગાંધી એક વખત સળંગ 4077 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા, જ્યારે બીજી વખત 1753 દિવસ વડાપ્રધાન તરીકે રહ્યા હતા. નરેન્દ્ર મોદી જો આગામી 2024ની ચૂંટણીમાં ફરી વડાપ્રધાન તરીકે ચૂંટાય અને 2029 સુધીની આખી ટર્મ પૂર્ણ કરે તો પણ તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ અંદાજે 5500 દિવસ આસપાસ થાય. મોદી એ રીતે ઇન્દિરા ગાંધીનો સળંગ વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ તોડી શકે પણ નહેરુનો રેકોર્ડ અકબંધ રહેવાની શક્યતા છે.

વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લેતી વખતની નરેન્દ્ર મોદીની તસવીર
વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લેતી વખતની નરેન્દ્ર મોદીની તસવીર

સૌથી વધારે સમય સુધી સત્તા પર રહેનારા ભારતના નેતાઓમાં મોદી સૌથી આગળ

નામસમયગાળો
નરેન્દ્ર મોદી

7305 દિવસ (મુખ્યમંત્રી, વડાપ્રધાન)

જવાહરલાલ નહેરૂ

6130 દિવસ (વડાપ્રધાન તરીકે)

ઇન્દિરા ગાંધી

5830 દિવસ (વડાપ્રધાન તરીકે)

મનમોહનસિંહ

3656 દિવસ (વડાપ્રધાન તરીકે)

મોરારજી દેસાઇ

2511 દિવસ (મુખ્યમંત્રી, વડાપ્રધાન)

અટલબિહારી વાજપેયી

2272 દિવસ (વડાપ્રધાન તરીકે)

પી.વી.નરસિમ્હારાવ

2229 દિવસ (મુખ્યમંત્રી, વડાપ્રધાન)

રાજીવ ગાંધી

1857 દિવસ (વડાપ્રધાન તરીકે)

વી.પી.સિંહ

1082 દિવસ(મુખ્યમંત્રી, વડાપ્રધાન)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2021ની તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2021ની તસવીર

મોદીની પહેલી કેબિનેટના 9 રત્ન આજે ક્યાં છે?

2001માં 7મી ઓક્ટોબરે મોદીએ 9 મંત્રી સાથે શપથ લીધા. આજે એમાંથી કોઈ ગુજરાતના મંત્રી નથી. બે નેતાએ ભાજપ છોડી દીધું છે, એક રાજ્યપાલ છે, તો એક કેન્દ્રમાં મંત્રી છે, જ્યારે બે હમણાં સુધી મંત્રી હતા. જાણો એ દરેક વિશે…

નામ અને એ વખતની જવાબદારી

હાલમાં શું કરે છે?

સુરેશ મહેતા, ઉદ્યોગમંત્રી

2007માં મોદી સામે પડી ભાજપ છોડ્યું. કેશુભાઇ સાથે પરિવર્તન પાર્ટીમાં જઈને એ પણ છોડી

નીતિન પટેલ, નાણામંત્રી

મહેસૂલ, આરોગ્ય ખાતા સંભાળ્યા, ના. મુખ્યમંત્રી થયા. નવી સરકાર આવી એમાં ગયા.

ફકીર વાઘેલા, સામાજિક ન્યાય

30 એપ્રિલ, 2013ના રોજ 61 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના લીધે તેમનું અવસાન થયું હતું.

કાનજી પટેલ, શ્રમ અને રોજગાર

રાજ્યસભા સાંસદ હતા. પુત્રને ટિકિટ ના મળતા નારાજ થઈ ભાજપમાંથી રાજીનામું.

નરોત્તમ પટેલ, પાણી પુરવઠા

86 વર્ષની ઉંમરે સુરતમાં રહે છે. તાજેતરમાં પોતાના જીવનના સંઘર્ષ વિશે પુસ્તક પણ લખ્યું છે.

આનંદીબેન પટેલ, શિક્ષણ

મોદી વડાપ્રધાન બન્યા પછી તેઓ મુખ્યમંત્રી બન્યા. હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે.

કૌશિક પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ

તાજેતરના મંત્રીમંડળના ફેરફાર અગાઉ મહેસૂલ મંત્રી હતા.

પુરૂષોત્તમ રૂપાલા, કૃષિ મંત્રી

કેન્દ્રમાં પશુપાલન મંત્રી છે, { આઇ.કે.જાડેજા,આરોગ્ય મંત્રી હાલ સંગઠનનું કામ સંભાળે છે.

બે દાયકામાં થયેલા ફેરફારની 2 સ્ટોરી

2001... સ્મશાનમાં રણકેલી ફોનની એક રિંગ સમગ્ર દેશનું રાજકીય ચિત્ર બદલી નાંખવામાં નિમિત્ત બની!
2001નું એ વર્ષ હતું. ગુજરાતમાં વિનાશક ભૂકંપનો ભય હજુ લોકોના મનમાં હતો. આખું ગુજરાત ભૂકંપના નુકસાન અને દુ:ખ-દર્દમાંથી બહાર આવી રહ્યું હતું. કોઇને અણસાર સુદ્ધાં પણ નહોતો કે, હવે એક રાજકીય ભૂકંપ સર્જાઇ શકે છે. એ અરસામાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેમની સાથે કેટલાક પત્રકારોએ પણ જીવ ગુમાવ્યો હતો. એમાંથી ગોપાલ નામના એક ફોટોગ્રાફરની અંતિમયાત્રામાં હાજરી આપવા ભાજપના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી પણ ગયા હતા. એ વખતે મોદીનો ફોન રણક્યો. સામેથી આદેશ આવ્યો કે સાંજે મને આવીને મળો. એ ફોન તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો હતો. મોદી સાંજે તેમને મળવા ગયા. એ મોટા ભાગે ઓક્ટોબર 2001ની શરૂઆત હતી. એ સાંજ પછીનો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. આ એક ફોન કૉલ માત્ર ભાજપ અને ગુજરાત જ નહીં, પરંતુ દેશ આખાનું રાજકીય ચિત્ર બદલી નાખવામાં નિમિત્ત બન્યો. 2002, 2007 અને 2012માં પણ મોદી ગુજરાતના સીએમ બન્યા અને 2014માં દેશના વડાપ્રધાનની જવાબદારી સંભાળી. 2001ની 7મી ઑક્ટોબર ગુજરાત ભૂકંપની સાથે ગુજરાતના રાજકારણમાં આવેલા મહત્ત્વના પરિવર્તન પણ એક ઇતિહાસ છે. નરેન્દ્ર મોદી 2001ના ભૂકંપ વખતે ગુજરાતમાં પણ ન હતા.

2021... કોરોનાકાળમાં સંઘર્ષ, રામમંદિર નિર્માણ અને કલમ 370ની સફળતાપૂર્વક નાબૂદી કરી
2013ની 9મી જૂને ભાજપે નરેન્દ્ર મોદીનું નામ 2014 લોકસભા ચૂંટણીમાં પ્રચાર કમિટીના ચીફ તરીકે જાહેર કર્યું. આ જાહેરાતના 3 મહિનાના ગાળામાં જ દેશના રાજકારણમાં ફરી ભૂકંપ સર્જાયો. નરેન્દ્ર મોદીનું નામ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થયું. 2014ની 16મી મેનો દિવસ મોદી અને ભાજપ માટે ઐતિહાસિક સાબિત થયો. 26મી મેના રોજ નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. વડાપ્રધાન તરીકે શપથ લીધાના બીજા જ દિવસે કેબિનેટની બેઠકમાં કાળાંનાણાં પાછા લાવવા ખાસ ટીમની રચના કરાઇ. 30મી જૂન, 2019ના રોજ દેશે ફરીએકવાર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. હાલ કોરોના સામે રસીકરણ પ્રાથમિકતા છે, રામમંદિર નિર્માણ અને કાશ્મીરમાં 370 કલમની નાબુદીને સરકાર મોટી સફળતા ગણાવે છે. એક સમયે મુખ્યમંત્રી તરીકે અમેરિકાએ મોદીના વિઝા નહોતા આપ્યા. વડાપ્રધાન તરીકે તેમણે 60 દેશોની મુલાકાત લીધી છે. અમેરિકા સૌથી વધારે 7 વખત ગયા છે. ચીન, ફ્રાન્સ, રશિયાની 3-3 વખત મુલાકાત લીધી છે. ભાજપનો સૌથી મોટો વાયદો રામમંદિરનો હતો. મોદી સરકારે રામમંદિરના નિર્માણની શરૂઆત કરાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...