એક મિસકોલે એકાઉન્ટ ખાલી કર્યું:​​​​​​​અમદાવાદના વેપારીને એક મિસકોલ આવ્યો ને સીમ કાર્ડ ડી-એક્ટિવ થઈ ગયું, બેંકમાં ગયા તો ખબર પડી કે રૂ.46 લાખનો ચૂનો લાગ્યો છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વેપારીના સીમકાર્ડ બંધ થતા ચાલુ કરાવ્યા બાદમાં બેંકમાં તપાસ કરતા ​​​​​​​​​​​​​​છેતરપિંડીની જાણ થઈ
  • સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ આદરી છે

ઓનલાઈન ઠગ ટોળકીએ એક નવી મોડસ ઓપરેન્ડીથી લોકોના પૈસા પડાવી ઠગાઈ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં સેટેલાઈટમાં રહેતા અને કેમીકલનો હોલસેલ વેપાર કરતા યુવકના મોબાઈલ પર મિસ કોલ કરીને સીમકાર્ડ બંધ કરીને તમામ ડિટેલ્સ મેળવીને એકાઉન્ટમાંથી રૂ.46.38 લાખ મેળવી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

કોલકાતાથી સીમકાર્ડ ડી-એક્ટિવ કરાવાયું હતું
સેટેલાઈટમાં રહેતા અને કેમીકલનો હોલસેલનો વેપાર કરતા રાકેશ શાહના ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી મોબાઈલમાં એક મિસકોલ આવ્યો હતો અને બાદમાં રાકેશભાઈના મોબાઈલના ટાવર અનરીચેબલ તથા સીમ ડી-એક્ટિવ થઈ ગયા હતા. જેથી તેમણે સીમકાર્ડ કંપનીમાં ફોન કરીને સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા હતા. જોકે ફરી એક વખત બીજા અજાણ્યા નંબર પરથી મિસકોલ આવ્યો હતો અને બંન્ને સીમકાર્ડ ડી-એક્ટિવ થઈ ગયા હતા. જેથી રાકેશભાઈએ ફરીથી સીમ એક્ટિવ કરાવ્યા હતા. બાદમાં તપાસ કરતા કોલકાતા ખાતેથી સીમકાર્ડ બંધ કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

બેંકમાં જતા સમગ્ર ઘટનાની જાણ થઈ
જોકે બીજા દિવસે કામ અર્થે બેંકમાં ગયા ત્યારે તેમના બેંકના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે બેંકમાં તપાસ કરી ત્યારે તેમના ત્રણ એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ.46.36 લાખ કપાઈ ગયા હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતા રાકેશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...