ભાસ્કર એનાલિસિસ:ડોનેશનમાં ‘420’ કરોડનો ઘટાડો, સૌથી વધુ દાનમાં ગુજરાત ત્રીજા ક્રમે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપને મળતા દાનમાં 1 વર્ષમાં 308 કરોડનો ઘટાડો, કોંગ્રેસને 65 કરોડ ઓછું દાન મળ્યું
  • વર્ષ 2020-21માં રાજકીય પક્ષોને કુલ 593.95 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું
  • રાષ્ટ્રીય પક્ષોને મળતા દાનમાં 41.49%નો ઘટાડો, દિલ્હીથી સૌથી વધુ રૂ.246 કરોડનું દાન
  • ગુજરાતમાં કોર્પોરેટ-બિઝનેસ હાઉસે 39.71 કરોડનું દાન આપ્યું: એડીઆરનો રિપોર્ટ

રાષ્ટ્રીય પાર્ટીઓને વર્ષ 2020-21ના સમયગાળામાં કુલ રૂ. 593.95 કરોડનું દાન મળ્યું છે, જેમાં સૌથી વધુ રૂ. 477.55 કરોડ (80 ટકા) ભાજપને ફાળે ગયું છે. કોંગ્રેસને માત્ર રૂ. 74.52 કરોડ (13 ટકા) દાન મળ્યું છે. વર્ષ 2019-20માં રાષ્ટ્રીય પાર્ટીઓને રૂ. 1013.81 કરોડનું દાન મળ્યું હતું જેની સરખામણીમાં 2020-21માં રૂ. 420 કરોડ (41 ટકા) ઓછું દાન મળ્યું છે.

દાન આપવાના દિલ્હી 246.50 કરોડ સાથે પ્રથમ સ્થાને
એક વર્ષમાં ભાજપને મળતા દાનમાં 308 કરોડનો ઘટાડો નોંધાયો છે. આવી જ રીતે કોંગ્રેસને 65 કરોડ, એનસીપીને 34 કરોડ, તૃણમૂલ કોંગ્રેસને 7.65 કરોડ રૂપિયાનું ઓછું દાન મળ્યું છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રીફોર્મ (ADR)એ રાજકીય પક્ષોને 20 હજાર રૂપિયાથી વધારે મળેલા દાનના આધારે અહેવાલ તૈયાર કર્યો છે જેમાં દાન આપવાના મામલે દિલ્હી 246.50 કરોડ સાથે પ્રથમ સ્થાને છે.

ગુજરાતમાંથી 47.07 કરોડનું દાન આપવામાં આવ્યું
​​​​​​​
મહારાષ્ટ્રમાંથી 71.68 કરોડનું દાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી 47.07 કરોડનું દાન આપવામાં આવ્યું છે અને તે યાદીમાં ત્રીજા સ્થાને છે. ગુજરાતમાંથી 39.71 કરોડનું દાન કોર્પોરેટ કે બિઝનેસ હાઉસે આપ્યું છે જ્યારે 7.36 કરોડનું દાન વ્યક્તિગત સ્તરે આપવામાં આવ્યું છે.

સૌથી વધુ રૂ. 216 કરોડનું ડોનેશન પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ફંડનું
સૌથી વધુ ડોનેશન રૂ. 216 કરોડ પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ફંડે આપ્યું છે, તેમાં બીજેપીને 209 કરોડ, એનસીપીને 5 કરોડ અને કોંગ્રેસને 2 કરોડ આપ્યા છે. બીજા સ્થાને 20-20 કરોડનું ડોનેશન કરીને મોર્ડન રોડ મેકર્સ પ્રા.લિ. અને આઇઆરબી ઇન્ફ્રા. ડેવલપર્સ લિ. છે. ચોથા સ્થાને સરંજય બ્રહ્મા 14.46 કરોડ દાન સાથે છે. 10.60 કરોડનું ડોનેશન કરીને નિરમા લિ. પાંચમા સ્થાને છે.

મમતાની પાર્ટી તૃણમૂલને 95% ઓછું ડોનેશન

પાર્ટીનું નામ2019-202020-21તફાવત
ભાજપ785.77477.55-39.23%
કોંગ્રેસ139.0274.52-46.40%
એનસીપી59.9526.26-56.20%
સીપીએમ19.6912.9-34.48%
સીપીઆઇ1.31.50.1538
તૃણમૂલ કોંગ્રેસ8.080.43-94.68%
બીએસપી00---
એનપીઇપી-0.61

​​​​​​​(સ્ત્રોત: એડીઆર - આંકડા રૂપિયા કરોડમાં)​​​​​​​

ભાજપને ગુજરાતમાંથી 46.04 કરોડનું દાન મળ્યું, નિરમાનું 10 કરોડનું દાન
ગુજરાતમાંથી ભાજપને કુલ 659 ડોનેશન મળ્યાં છે, તેની કુલ રકમ 46.04 કરોડ છે. સત્તાધારી પાર્ટીને સૌથી વધુ 10 કરોડનું દાન નિરમાએ આપ્યું છે. કોંગ્રેસને 92.5 લાખ રૂપિયાનું દાન મળ્યું છે તેમાં સૌથી વધુ 50 લાખની રકમ નિરમા લિ. તરફથી છે. એનસીપીને રાજ્યમાંથી 10.75 લાખ મળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...