વૃક્ષોનું પતન:સુભાષબ્રિજ RTOમાં વર્ષો જૂના 41 ઝાડને કાપી નખાયા; R.N.B. વિભાગ કામગીરી કરે છે, મને ખબર નથી: RTO

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુભાષબ્રિજ આરટીઓમાં વર્ષો જૂના 41 ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. આ અંગે આરટીઓ આર.એસ.દેસાઇએ જણાવ્યું હતું કે,‘આર.એન.બી. વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. મને ખબર નથી.’ જ્યારે આર.એન.બી.વિભાગના મનીષ ભટ્ટે કહ્યું કે, વિકાસ માટે ઝાડ કાપવામાં આવ્યા છે. આ અંગે ટેન્ડરિંગ સિસ્ટમ કરાઇ હતી. આરટીઓનું જૂનું બિલ્ડિંગ જર્જરિત હતું, જેથી તેને દૂર કરી નવું બિલ્ડિંગ બનવાનું છે. ઉપરાંત બે નવા ટ્રેક પણ બનશે.

પર્યાવરણ પ્રેમીઓ અને આરટીઓની પ્રત્યેક જાહેર પ્રવૃત્તિમાં સંકળાયેલા સંગઠનોના હોદ્દેદારોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, આરટીઓમાં વારંવાર વૃક્ષારોપણ થાય છે. કોરોના પૂર્વે તત્કાલિન આરટીઓ દ્વારા એએમસીના બગીચા ખાતાની મદદથી વૃૃૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો. હવે વૃક્ષો મોટા થયા પછી એક સાથે દૂર કરી દેવાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

પૂર્વ અધિકારીઓ કહ્યું કે, નવા વૃક્ષ રોપતા વખતે તત્કાલિન આરટીઓએ આર.એન.બી. વિભાગની સલાહ લેવાની હતી. મ્યુનિ. કોર્પોરેશન અને સંગઠનોના રૂપિયે વૃક્ષો રોપ્યા બાદ પાંચથી દસ વર્ષ પછી જ તેને દૂર કરવામાં આવે તે ખરાબ આયોજનની નિશાની છે. વર્તમાન આરટીઓ પણ ઝાડ કાપવાની કામગીરીથી અજાણ હોવાની વાત પણ આશ્ચર્યકારક છે. સામાન્ય રીતે ઉચ્ચઅધિકારીએ પોતાની જગ્યામાં આર.એન.બી.વિભાગ દ્વારા થતી કામગીરી અંગે જાણકારી રાખવી જોઇએ. આર.એન.વિભાગના અધિકારીઓ વિકાસના નામે આડેધડ ઝાડ કાપતા હોય તો તેને રોકવાની જવાબદારી પણ ઉચ્ચઅધિકારીની જ છે. આરટીઓમાં ઝાડ કાપવાની કામગીરીનો પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કર્યો છે અને ગાંઘીનગર ખાતે રજૂઆત કરવાનો પણ નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...