ચિંતન રાવલ
ઓવર સ્પીડમાં ચાલતા વાહનોના કારણે અકસ્માત થતા હોવાથી આવા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવા ટ્રાફિક પોલીસે 9 ઈન્ટરસેપ્ટર વાન વસાવી છે. જેની મદદથી 2022ના વર્ષમાં 40,288 વાહનચાલકો પાસેથી રૂ.8.62 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ તેમજ નારોલ-નરોડા રોડ સહિતના રોડ પર વાહનચાલકો ફૂલ સ્પીડમાં જતાં હોવાથી સૌથી વધુ અકસ્માત થાય છે. જેથી ટ્રાફિક પોલીસ આ તમામ જગ્યાએ રોજેરોજ ડ્રાઈવ યોજીને 100થી 110 લોકોને ઓવર સ્પીડમાં વાહન ચલાવવા બદલ દંડ ફટકારી રહી છે.
જૂનમાં સૌથી વધુ 7896 ચાલકોને 1.68 લાખનો દંડ ફટકારાયો હતો. મ્યુનિ.ની હદમાં વાહન ચલાવવાની મહત્તમ સ્પીડ લિમિટ 60ની જ્યારે હાઈવે પર વાહન ચલાવવાની મહત્તમ સ્પીડ િલમિટ 70થી 80ની નક્કી થયેલી છે. તેનાથી વધુ સ્પીડમાં જતાં વાહનચાલકોનો ફોટો ઈન્ટરસેપ્ટર વાન પાડી લે છે, જેના આધારે દંડ વસૂલાય છે.
જૂનમાં સૌથી વધુ 1.68 કરોડ દંડ વસૂલાયો છે
મહિનો | કેસ | દંડની રકમ |
જાન્યુઆરી | - | - |
ફેબ્રુઆરી | 1213 | 24.50 લાખ |
માર્ચ | 3720 | 75.44 લાખ |
એપ્રિલ | 5438 | 1.13 કરોડ |
મે | 5846 | 1.22 કરોડ |
જૂન | 7896 | 1.68 કરોડ |
જુલાઈ | 6734 | 1.44 કરોડ |
ઓગસ્ટ | 2075 | 57.85 લાખ |
સપ્ટેમ્બર | 2355 | 49.99 લાખ |
ઓક્ટોબર | 2107 | 44.67 લાખ |
નવેમ્બર | 1187 | 25.06 લાખ |
ડિસેમ્બર | 1785 | 37.64 લાખ |
કુલ | 40266 | 8.62 કરોડ |
અકસ્માત માટે ઓવરસ્પીડ જ કારણભૂત
શહેરમાં સૌથી વધારે અકસ્માત ઓવરસ્પીડના કારણે થાય છે. જેથી તેને રોકવા માટે 9 ઈન્ટરસેપ્ટરવાનની મદદ લેવાય છે. રોડ પ્રમાણે વાહનની સ્પીડ પણ નક્કી કરાઈ છે. વાહનચાલકોને સમજાય તે માટે રોડ પર સ્પીડ લિમિટના બોર્ડ લગાવાયા છે. - એન.એન. ચૌધરી, ટ્રાફિક જેસીપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.