શહેરીજનો આનંદો:અમદાવાદમાં 40 ચો.મી. મિલકત ધરાવતા 6.50 લાખ ધારકોને પ્રોપર્ટી ટેક્સ પર 100 ટકા માફી, 25 લાખ લોકોને ફાયદો

અમદાવાદએક વર્ષ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં 100 ટકાની માફીની જાહેરાતનો 1 જૂનથી અમલ શરૂ.
  • વર્ષ 2021-22ના પ્રોપર્ટી ટેક્સમાં એડવાન્સ ટેક્સ ભરવા પર 10 ટકા માફીની યોજનાની મુદત 30 જૂન સુધી લંબાવાઈ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી 40 ચોરસ મીટર જેટલી રહેણાંક મિલકત ધારકો માટે વર્ષ 2021-22 માટે 100 ટકા પ્રોપર્ટી ટેક્સ માફીની જાહેરાત ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. જેની અમલવારી 1 જૂન 2021થી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત 40 ચો.મી મિલકત ધારકોનો અગાઉના વર્ષના જુના ટેક્સ બાકી હોય તેઓ 1 જૂન થી 31 ઓગસ્ટ સુધીમાં ટેક્સની રકમ ભરશે તો તેઓને ટેકસના વ્યાજ પર 100 ટકા માફી આપવામાં આવશે.

પ્રોપર્ટી ટેક્સની આવક 313 કરોડ થઈ
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મિલકત ધારકો વર્ષ 2021-22નો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરે તો ટેક્સ પર પર 10 ટકા રિબેટ યોજના મુકવામાં આવી છે. જેની મુદત 7 જુનના રોજ પુરી થતી હતી. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આ મુદતને વધારી 30 જૂન સુધી કરવામા આવી છે. ચાલુ વર્ષ 2021-22 દરમ્યાન 10 ટકા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અંતર્ગત પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 313 કરોડ જેટલી થઈ છે. આ યોજનાનો લાભ 2.88 લાખ કરદાતાઓએ લીધો છે. 1.31 લાખ કરદાતાઓ ઓનલાઇન પેમેન્ટ કર્યું છે.

AMCમાં રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલ
AMCમાં રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલ

આવાસ યોજનાના મકાનો શ્રમિકોને ભાડે અપાશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની આવાસ યોજના અંતર્ગત શહેરમાં બોડકદેવ અને થલતેજમાં વર્ષો પહેલાં તૈયાર કરાયેલા આવાસ યોજનાના મકાનો પરપ્રાંતીય મકાન વિહોણા શ્રમિકોને ભાડે આપવામાં આવશે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 28 કરોડનો ફાયદો થશે. આવા જ અન્ય EWSના આવાસ યોજનાના મકાનો 400 જેટલા ચાંદખેડા વિસ્તારમાં ખાલી પડ્યા છે. જેને મેટ્રોના શ્રમિકોને ભાડે આપવામાં આવ્યા છે.

AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ
AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ

મકાનોને રીપેર કરાવીને ભાડેથી અપાશે
મ્યુનિ. કોર્પોરેશનના અણઘડ આયોજનને કારણે જેતે સમયે તૈયાર મકાનો નહીં ફાળવવાને કારણે હવે ખાનગી એજન્સીઓ રાખીને મકાનોને રીપેર કરાવીને ભાડેથી આપવામાં આવશે. જેમાં ખાનગી એજન્સીઓ કરોડો રૂપિયા કમાશે. આવકમાંથી નક્કી કરાયેલા હિસ્સા મુજબ AMCને રૂ. 28 કરોડ મળશે.