ત્રીજી લહેરના એંધાણ:અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા 40 નવા ડોમ ઉભા કર્યાં, દરરોજ અંદાજે 7000નું ટેસ્ટિંગ

અમદાવાદ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • મ્યુનિ. કોર્પોરેશનની ટેસ્ટિંગ વધારવા માટે સૂચના
  • 14 ઘર અને 38 લોકોને માઈક્રોન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા
  • શહેરમાં 17 નવેમ્બરે 28 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસો વધ્યા છે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ 35થી 40 ડોમ ઉભા કરાયા છે. હેલ્થ કમિટિ ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના કેસો વધતા હવે શહેરમાં ફરી ટેસ્ટીગ વધારવા માટે સૂચના આપી છે. અલગ અલગ જગ્યાએ ડોમ ઉભા કરવા તેમજ વેક્સિનેશન વધારવા માટે જણાવ્યું છે. જે વિસ્તારમાં કેસો આવે ત્યાં હેલ્થ ખાતાના કર્મચારીઓ જઈ આસપાસના લોકોને ધ્યાન રાખવા જણાવે છે. માઈક્રો કન્ટેનમનેટ ઝોન જાહેર કરવા પણ કહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. હાલ શહેરમાં 2 માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે અને 17 નવેમ્બરે વધુ બે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. પોલિટેકનિક આંબાવાડી સામે આવેલા કર્મણ્ય ફ્લેટના 8 ઘરના 18 લોકોને અને નવરંગપુરામાં આવેલા તુલિપ સિટાડેલના 4,5 અને 6 નંબરના બ્લોકના 6 ઘરના 20 લોકોને માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

દિવાળી પછી અંદાજે 42000 ટેસ્ટ કરવામાં આવ્યા
હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જાણવા મળી છે કે શહેરમાં કોરોનાને લઈ RTPCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવ્યા છે દરરોજ અંદાજે 7000 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યાં કોરોનાના કેસ આવે છે. ત્યાં ટ્રેસિંગ કરી તાવ આવે તો ટેસ્ટ કરાવવા પણ જણાવવામાં આવે છે. દિવાળી પછી અંદાજે 42000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પણ કેસો નોંધાયા છે તેના લક્ષણો સાવ સામાન્ય છે.

ફુટપાથ પર સફાઈ કરવાની સૂચના આપી
ઉપરાંત આજે મળેલી હેલ્થ કમિટીમાં શહેરમાં દરેક વિસ્તારમાં PMJY કાર્ડ કાઢવાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે શહેરમાં હાલમાં 45 જગ્યાએ કાર્ડ કાઢવામાં આવે છે. ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં ફુટપાથ પર સફાઈ કરવામા ન આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી ફુટપાથ પર સફાઈ કરવામાં આવે આવે તેવી સૂચના આપી છે. સફાઈ કામદારો કેટલાક વિસ્તારમાં સમયે સફાઈ કરતા નથી. ટાઇમસર ન આવતા હોવાને કારણે કચરો ઉપડતો નથી અને ગંદકી ફેલાય છે જેથી સફાઈ કામદારોની બાયો મેટ્રિક હાજરી લેવામાં આવે તેવી માંગ હેલ્થ કમિટીમાં ઉઠી હતી.

9.30 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લેવાનો બાકી
મ્યુનિ.ના હેલ્થ ખાતાના અથાગ પ્રયત્નો છતાં અમદાવાદમાં હજુ પણ 9.30 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. રસીમાં કોઈ બાકી ન રહી જાય તે માટે મ્યુનિ. ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની ઝુંબેશ ચલાવે છે. મંગળવારી બેઠકમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારાને પણ તેલના પાઉચ આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે 5 લાખ પાઉચ ખરીદાયા છે.

સોમવારે નોંધાયેલા 15માંથી 5 કેસ ફરીને આવેલાના નોંધાયા
શહેરમાં સોમવારે નોંધાયેલા 15 કેસમાંથી 5 લોકો ગુજરાત બહાર ફરીને આવ્યા હોવાનું તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પરથી જાણવા મળ્યું છે. એક પરિવાર બેંગલુરુ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને દુબઇ ફરીને આવ્યો છે. મ્યુનિ.નું માનવું છે કે, રાજ્ય બહાર ફરીને આવેલા લોકો કોરોનાનો ચેપ લાવ્યા છે. જો કે, લક્ષણો એટલા ગંભીર ન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલે છે.કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તે માટે કોન્ટેક્ટ ટ્રેસિંગના ભાગરૂપે સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધીને મ્યુનિ. તેમના પણ ટેસ્ટ કરાવી રહી છે.

શહેરમાં પાંચ દિવસમાં જ 82 કેસ
શહેરમાં છેલ્લા 5 દિવસમાં જ કોરોનાના 82 કેસ આવ્યા છે. જેમાં 13 નવેમ્બરે 10 કેસ, 14 નવેમ્બરે 11 કેસ, 15 નવેમ્બરે 15 કેસ અને 16 નવેમ્બરે 18 કેસ જ્યારે 17 નવેમ્બરે 28 કેસ નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની ટીમ ઉભી કરવામાં આવી છે. મ્યુનિ. કચેરી દાણાપીઠ ખાતે પણ ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરાયો છે. એએમટીએસ- બીઆરટીએસ, મ્યુનિ. કચેરીઓ, બગીચાઓ, કાંકરિયા લેકફ્રન્ટ સહિતની જગ્યા પર કોરોનાના બે ડોઝ લીધા સિવાયના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રહ્યો છે. જેમાં કેટલાક નાગરિકોને મ્યુનિ. દ્વારા વેક્સિનના બંને ડોઝ સિવાય આવ્યા હોવાના કિસ્સામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...