સાઇડ ઇફેક્ટ:કોરોનામાં સ્ટીરોઈડની સારવાર લેનારા દર્દીઓમાં થાપાના સાંધાની તકલીફમાં 40 ટકાનો વધારો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્ટીરોઇડની આડઅસરથી થાપાના સાંધામાં લોહીનું પરિભ્રમણ અટકી જાય છે

તાજેતરમાં આર્થરાઇટીસ (સાંધાના રોગો)ની અવેરનેસ માટે વર્લ્ડ આર્થરાઇટીસ ડે મનાવાયો હતો. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, કોવિડમાંથી સ્વસ્થ થયેલાં લોકો કે જેમનો જીવ બચાવવા માટે સારવાર દરમિયાન સ્ટીરોઇડ અપાયું હોય તેવા લોકોમાં શરીરના વિવિધ અંગોની તકલીફોની સાથે થાપાના રોગોમાં પણ 40 ટકાનો વધારો થયો છે. મોટેભાગે 30થી 50 વર્ષના યુવા વર્ગમાં આ તકલીફ વધુ જોવા મળતી હોવાનું ડોક્ટર જણાવી રહ્યાં છે.

ઓર્થોપેડિક સર્જન ડો. સૌરિન શાહ જણાવે છે કે, આર્થરાઇટીસના દર્દીમાંથી 50 ટકા દર્દીમાં ઉંમરને લીધે જ્યારે 50 ટકા દર્દીમાં દારૂનું વધુ પડતું સેવન કરતાં લોકોની સાથે ચામડીના રોગોમાં સ્ટીરોઇડની ગોળી લેતા દર્દીમાં આર્થરાઇટીસને લીધે થાપાના સાંધાની તકલીફો વધુ જોવા મળતી હતી. પરંતુ, કોવિડમાં દર્દીનો જીવ બચાવવા સ્ટીરોઇડ અપાયું હોય તેવા 30થી 50 વર્ષના દર્દીમાં થાપાના સાંધાની તકલીફોમાં 40 ટકા જેટલો વધારો થયો છે. આ દર્દીઓમાં મોટેભાગે સાંધા અને સ્નાયુના દુખાવા, સવારે શરીર જકડાઇ જવું, નબળાઇ લાગવી અને પહેલા કરતા ચાલવાની ક્ષમતા ઘટી જાય તેવી અસરો જોવા મળે છે. લોકોમાં સાંધાના રોગોની અવેરનેસ વધારીને સર્જરીનો ડર દૂર કરવા ઘૂંટણની સર્જરી કરાવી ચુકેલા 50થી 75 વર્ષના દર્દી માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

પલાઠી વાળીને બેસવાનું ટાળવું જોઈએ
કોરોના દરમિયાન જે લોકોને સ્ટીરોઇડના હેવી ડોઝ આપવામાં આવ્યાં હોય તેવાં લોકોને જો સતત સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય અને આરામ કરવાથી કે દવાઓ લેવાથી ફેર ન પડતો હોય તો તાત્કાલિક ઓર્થોપેડિક સર્જનનો સંપર્ક કરવો જોઇએ. તેમજ ડોકટરની સલાહથી એકસ-રે અને શરૂઆતના સ્ટેજમાં એમઆરઆઇની તપાસમાં રોગનું નિદાન કરી શકાય છે. જેથી દવાઓ અને યોગ્ય સારવાર કરાવીને રોગને આગળ વધતો અટકાવી શકાય છે. તેમજ શક્ય હોય ત્યાં સુધી પલાઠી વાળીને બેસવાનું તેમજ ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ ટાળવો જોઇએ. તેમજ લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો જરૂરી છે.

સ્ટીરોઈડની બીજી આડઅસરો પણ છે
કોવિડના દર્દીને સ્ટીરોઇડનો હાઇ ડોઝ અપાયો હોય પરંતુ, દર્દી સ્વસ્થ થયા પછી આડઅસરને લીધે થાપાના સાંધામાં લોહીનું પરિભ્રમણ અટકી જાય છે, જેને કારણે સાંધાને પૂરતા પ્રમાણમાં લોહી મળતું ન હોવાથી સાંધાના દુખાવાની તકલીફમાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...