મોજશોખ માટે મર્ડર:અમદાવાદમાં પાર્ટી કરવા માટે 4 યુવકોએ આધેડની ગડદાપાટુંનો માર મારી હત્યા કરી, પાકિટમાંથી માત્ર રૂ.900 જ મળ્યા

અમદાવાદ6 મહિનો પહેલા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 4 યુવકોએ મોજશોખ માટે લૂંટ કરી એક આધેડની હત્યા કરી છે. આ ચારેય યુવકોએ લૂંટ કરવાનો પ્લાન ધડી રાહદારીને રોકીને તેના પાકીટમાંથી પૈસા કાઢી લીધા હતા. જે બાદ મોબાઈલ ફોન લૂંટી ધક્કો મારી ગડદાપાટુંનો માર માર્યો હતો. જેથી આધેડનું મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.

રીક્ષા ચાલક જોઇ ગયોને ત્રણ આરોપી ઝડપાઈ ગયા
ઝોન-4 DCP મુકેશ પટેલે જણાવ્યું હતું કે અજાણી લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી ત્યારે મૃતક રામકુમાર સાથે એક રીક્ષા ચાલક આવી રહ્યો હતો. આ રીક્ષા ચાલકે રામકુમારને 4 યુવકો મારતા જોયા હતા. જેના આધારે અમે 3 આરોપીની ઓળખીને તેમની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરી ત્યારે તેમની પાસેથી લૂંટેલો મોબાઈલ અને 900 રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા. મયુર, જતીન, સુનિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાહિલ નામનો આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે.

પાર્ટી કરવી હતી પણ પૈસા નહોતા
કુબેરનગર હરિયાળી પાન પાર્લર પાસે મયુર સિંધી, સુનિલ યાદવ, જતીન જાગલાણી અને સાહિલ સાલવાની બેઠા હતા અને તમામે પાર્ટી કરવાનું વિચાર્યું હતું. પરંતુ પાર્ટી કરવાના પૂરતા પૈસા ના હોવાથી અગાઉથી જ કોઈને મારીને લૂંટ કરી ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું.

મૃતકે ગાળો આપી તો ગડદાપાટુંનો માર માર્યો
આ દરમિયાનમાં રામકુમાર ભૂમિયાર છારાનગર તરફથી કુબેરનગર તરફ ચાલીને આવી રહ્યા હતા. ત્યારે હરિયાળી પાન પાર્લર પાસે પહોંચતા રામ કુમારને ચારેય યુવકોએ પકડી લીધા હતા. જે બાદ મયુર સિંધીએ તેમના જીન્સના પેન્ટના ખિસ્સામાં મુકેલું પાકિટ લઈ લીધું હતું. તેમજ પાકિટમાં 900 રૂપિયા હતા તે પણ લઈ લીધા હતા. રામકુમાર પોતાની વસ્તુ પરત મેળવવા યુવકોને ગાળો આપવા લાગ્યા હતા. જેથી યુવકો ગુસ્સામાં આવી રામકુમારને ગાળો બોલીને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.

સોનાનું પેન્ડન્ટ ખેંચવાનો પ્રયાસ કર્યો
ત્યાર બાદ સુનિલ નામના યુવકે રામકુમારનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. જે બાદ રામકુમારના ગળામાં સોનાનું પેન્ડન્ટ હતું, જે ખેંચવા એક યુવકે હાથ નાંખ્યો ત્યારે રામકુમાર ભાગ્યા હતા. જેથી યુવકો પણ તેમની પાછળ ભાગ્યા હતા. રામકુમાર બચવા માટે પાસે આવેલી એક ચાલીમાં ઘુસી ગયા તો આરોપીઓ પણ તેમની પાછળ પાછળ ભાગી રહ્યા હતા. આ દરમિયાન રામકુમાર ખુલ્લી જગ્યા પર પહોંચી જતા આરોપીઓએ ખુલ્લી જગ્યામાં તેમને પકડી લીધા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા.

જમીન પર પટકાતા બ્રેઇન હેમરેજ થઈ ગયું
આ ઝપાઝપી દરમિયાન મયુર અને સુનિલે રામ કુમારને ધક્કો મારી દીધો હતો. જેના કારણે તે જોરથી જમીન પર પડ્યા હતા અને કપાળ તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી તેમછતાં ચારે યુવકોએ તેમને ગડદા પાટુનો માર મારવાનો ચાલુ રાખ્યો હતો. આમ માર મારવાના કારણે રામ કુમારને બ્રેઇન હેમરેજ પણ થઈ ગયું હતું અને ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...