નવી શિક્ષણ નીતિનો હવે જૂન મહિનાથી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અમલ શરુ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ યુનિવર્સિટીઓમાં BA, BCom, BSc, BCA, BBA અને LLB જેવા UGના 6 કોર્સ 4 વર્ષના થશે. આ ઉપરાંત PG એટલે કે અનુસ્નાતકના કોર્સ 2 વર્ષની જગ્યાએ એક વર્ષનો થશે. આનાથી વિદ્યાર્થીઓને PG સુધીના અભ્યાસક્રમનો સમયગાળો તો 5 વર્ષનો જ રહેશે, પરંતુ ગ્રેજ્યુએશન 4 વર્ષમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન તેના 1 વર્ષમાં જ પૂરું થઈ જશે. આનો સૌથી મોટો ફાયદો વિદેશ ભણવા જતી વેળાએ થશે. ઘણા દેશોમાં આપણું 3 વર્ષનું ગ્રેજ્યુએશન માન્ય નહોતું રહેતું. પરંતુ હવે 4 વર્ષનું ગ્રેજ્યુએશન થશે અને કોર્સની ક્રેડિટ સ્ટુડન્ટની એબીસી ક્રેડિટની ડિપોઝિટરીમાં જમા રહેશે. આનાથી ફોરેન સ્ટડીમાં આપણા વિદ્યાર્થીઓએ વિદેશમાં ઘણા કોર્સ ફરી નહીં કરવા પડે.
માત્ર સ્ટ્રક્ચર બદલાયું, ફી અને પેટર્ન અકબંધ
ગુજરાત યુનિવર્સીટીની જ વાત કરીએ તો અહીં ચાલતા BA, BCom, BSc, BCA, BBA અને LLB સહિતના UG કોર્સ અત્યારસુધી 3 વર્ષના હતા. હવે નવા શૈક્ષણિક વર્ષની આગામી જૂનથી શરુઆત થશે ત્યારથી ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં તેની અવધિ 4 વર્ષની થઈ જશે. 2023થી આ તમામ કોર્ષમાં જે પણ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત સરદાર પટેલ (વી.વી.) યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટી, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી તથા M.S. યુનિવર્સિટીમાં એડમિશન લેશે તેમણે 4 વર્ષ ભણવાનું રહેશે. 4 વર્ષ પૂર્ણ થયા બાદ તેમને ગ્રેજ્યુએશનના સ્થાને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. આ તમામ કોર્ષની ફીમાં કોઈ ફેરફાર નહીં થાય અને 6ની જગ્યાએ 8 સેમેસ્ટર ભણવાના રહેશે.
4 વર્ષના બેચલર્સમાં એન્ટ્રી-એક્ઝિટની ફેસિલિટી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સીટીમાં નવી શિક્ષણ નીતિના અમલથી યુવાધનને વિદેશમાં ભણવા જવાની જરૂર નહીં પડે. તેઓ અહીં બેસીને આંતરરાષ્ટ્રીય કક્ષાના માપદંડથી ડિગ્રી મેળવશે. જેમાં કાઉન્સિલ લાગુ ના પડે તેવા તમામ ગ્રેજ્યુએશન કોર્ષ ગુજરાત યુનિવર્સીટીમાં 4 વર્ષ ભણાવવામાં આવશે. જ્યારે માસ્ટર ડિગ્રીના કોર્ષ 2ને બદલે એક વર્ષનો થશે. આનાથી દરેક વિદ્યાર્થીનું PG તો અગાઉની જેમ 5 વર્ષમાં જ પૂર્ણ થશે. નવી શિક્ષણ નીતિના અમલથી વિદ્યાર્થીઓને આમ કોઈ જ નુકસાન નહીં થાય. આ ઉપરાંત 4 વર્ષમાં કોર્ષમાં વિદ્યાર્થીને એન્ટ્રી એક્ઝિટ માટેનો પણ વિકલ્પ આપવામાં આવશે.
નવા બધા કોર્સમાં ઓનલાઈનનો 3જો વિકલ્પ
હિમાંશુ પંડ્યાએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં નવા શરૂ થનાર કોર્ષ હવે 3 રીતે ભણાવવામાં આવશે. રેગ્યુલર, એક્સટર્નલ અને ઓનલાઇન. રેગ્યુલરમાં વિદ્યાર્થીઓ કોલેજ જઈને ભણવાનું ચાલુ રાખશે. એક્સટર્નલમાં વિદ્યાર્થીઓ કોલેજ ગયા વિના પરીક્ષા આપીને ભણી શકશે. જ્યારે ઓનલાઇન કોર્ષમાં વિદ્યાર્થીએ ઓનલાઇન જ ભણીને ઓનલાઇન જ પરીક્ષા આપવાની રહેશે. તેનું પરિણામ પણ વિદ્યાર્થીને ઓનલાઇન જ મળશે. ઓનલાઇન કોર્ષમાં પરીક્ષા પણ ઓનલાઇન ઓન ડિમાન્ડ લેવાશે. વિદ્યાથી ઈચ્છે ત્યારે તે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. ઓનલાઇન પરીક્ષા બાદ પરિણામથી સંતોષ ન હોય વિદ્યાર્થી ફરીથી તુરત જ પરીક્ષા આપી શકશે. બંનેમાંથી જે પરિણામ વધુ હશે તેને માન્ય રાખવામાં આવશે. ઓનલાઇનમાં વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને વિદ્યાર્થી ભણી શકશે અને તેણે કદી ગુજરાત યુનિવર્સીટી આવવું નહીં પડે. ઓનલાઇન કોર્ષની ફી રેગ્યુલર અને એક્સટર્નલ કરતા વધારે હશે. વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થયા બાદ ડિગ્રી પણ ઘરે બેઠા બેઠા જ મળશે.
નર્મદ દ.ગુ. યુનિ.માં 2021થી અમલ શરુ કરી દેવાયો
નવી શૈક્ષણિક નીતિનો સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ દ્વારા એક વર્ષ અગાઉથી અમલ શરૂ કરી દીધો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓગસ્ટ 2021ની સિન્ડિકેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ નર્મદ યુનિવર્સિટી દ્વારા BCAના કોર્સમાં વર્ષ 2021- 22ના શૈક્ષણિક માળખામાં નવી શિક્ષણનીતિ મુજબની પેટર્ન લાગુ કરી દીધી છે. જ્યારે અન્ય ગ્રેજ્યુએશનના કોર્સ જેવા કે, BA, BCom, BSc, BCA, BBA અને LLB માટે વર્ષ 2023-24માં 4 વર્ષનો સ્નાતક કોર્સ લાગુ કરી દેવામાં આવશે.
3 વર્ષે બેચલર્સ, 4 વર્ષે ઓનર્સની પદવી મળશે
રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાનો 4 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. તેમાં પણ વિદ્યાર્થી ચાલુ વર્ષે અભ્યાસમાંથી બ્રેક લઈ શકે છે. 4 વર્ષના અભ્યાસમાં 1 વર્ષ પૂરું થતા વિદ્યાર્થીને તે કોર્સનું સર્ટિફિકેટ આપવામાં આવશે. જ્યારે 2 વર્ષ પૂરું થતા તે કોર્સની ડિપ્લોમાની ડિગ્રી આપવામાં આવશે.3 વર્ષ પુરા થતા સ્નાતકની ડિગ્રી આપવામાં આવશે અને 4 વર્ષ પુરા થશે ત્યારે ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે.આમ 4 વર્ષમાં ગ્રેજ્યુએશન પુરૂ થશે અને આ 4 વર્ષની ડિગ્રી મળી હશે તે વિદ્યાર્થીને 1 વર્ષની માસ્ટ ડિગ્રી પણ અભ્યાસ કરવાથી મળી શકશે.
એડમિશન માટે કોઈ વયમર્યાદા જ નહીં
નવી પદ્ધતિમાં ઓનલાઇન એડમિશન લેનાર વિદ્યાર્થીઓની ઉંમરની કોઈ મર્યાદા નહીં હોય. વિદ્યાર્થી ઈચ્છે ત્યારે અભ્યાસ એન્ટ્રી અને એક્ઝિટ કરી શકે છે. વિદ્યાર્થી ઈચ્છે ત્યારે બ્રેક લઈને ફરીથી બાકી હોય ત્યાંથી અભ્યાસ શરુ કરી શકે છે. વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશનમાં ક્રેડિટ મેળવવાની રહેશે. આ ક્રેડિટ પોતાના જ કોર્સમાં મળી રહેશે અને તે ઉપરાંત વિદ્યાર્થી એક ફેકલ્ટીમાંથી બીજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી શકશે. બીજી સ્થાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીને ક્રેડિટને કન્ટિન્યૂ કરી શકે છે. આ પદ્ધતિથી ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકાશે.
વિદેશમાં ભણવું હશે તો થશે આ ફાયદો
અત્યારે વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ટ્રેન્ડ વધારે છે ત્યારે ગ્રેજ્યુએશનના અભ્યાસમાં ઓનર્સની ડિગ્રી હશે તો વિદેશ જવામાં સરળતા રહેશે. ખાસકરીને યુરોપિયન દેશોમાં આ 4 વર્ષના અભ્યાસ બાદ ઓનર્સની ડિગ્રી આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થી ગુજરાતની યુનિવર્સિટીઓની ઓનર્સની ડિગ્રી લઈને વિદેશ જશે તો તેને માસ્ટર ડિગ્રીમાં સરળતાથી પ્રવેશ મળી શકશે. અત્યારસુધી ગુજરાતની યુનિવર્સિટીમાં વિવિધ સ્નાતકકક્ષાના કોર્સ 3 વર્ષના હતા અને આ કારણે જ વિદેશ ઉચ્ચ અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને માન્યતામાં તકલીફ પડતી હતી. હવે 4 વર્ષનું ગ્રેજ્યુએશન આવી જવાથી મોટી અડચણ દૂર થશે.
MS યુનિવર્સિટીમાં પણ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન અમલી બનશે
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વી. કે. શ્રીવાસ્તવે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ આગામી શૈક્ષણિક વર્ષથી મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીમાં અમલમાં આવશે. જે અનુસાર BA, B.com, BBA, BCA, LLB અને BSCમાં હવેથી 4 વર્ષનો અભ્યાસ રહેશે. નવી શિક્ષણ નીતિ મુજબ આ અભ્યાસક્રમમાં મલ્ટિપલ એક્ઝિટની સુવિધા છે. જો વિદ્યાર્થી 1 વર્ષ પૂરું કરે તો તેને તે કોર્ષનું વિશેષ સર્ટિફિકેટ આપવામાં આવશે. 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય અને કોર્સમાંથી એક્ઝિટ કરે તો તેને ડિપ્લોમા, 3 વર્ષ પુરા થાય અને વિદ્યાર્થી કોર્સ છોડી દે તો તેને સ્નાતકની ડિગ્રી આપવામાં આવશે. જ્યારે 4 વર્ષ પૂરા થશે ત્યારે વિદ્યાર્થીઓને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને એક મોટો ફાયદો એ થશે કે 4 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ 1 વર્ષનો થઈ જશે.
સૌરાષ્ટ્ર યુનિ.માં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી
ગુજરાતની વિવિધ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિના અનુસંધાનમાં સ્નાતકકક્ષાના કોર્સને 3ના બદલે 4 વર્ષ કરવા નિર્ણય લેવાયો છે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે પછી આ પ્રકારની કોઈ રજુઆત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડિકેટમાં મુકવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હજુ સુધી આ પ્રકારનો નિર્ણય લેવા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં સિન્ડિકેટ બેઠક મળે અને તેમાં આ બાબતે ચર્ચાઓ થાય તેવી શક્યતા છે. પરંતુ હાલના તબક્કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સ્નાતકકક્ષાના કોર્સ 3 વર્ષ એટલે કે કુલ 6 સેમેસ્ટરમાં કરવામાં આવી રહ્યા છે.
દ.ગુ. યુનિ.માં ઓગસ્ટ-21થી નવી શિક્ષણ નીતિ અમલી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની તમામ બાબતોનો અમલ ગત વર્ષે 14 ઓગસ્ટ 2021ના રોજ કરી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો અને એકેડેમિક કાઉન્સિલિંગના સભ્યોની મિટિંગમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં અભ્યાસક્રમની સમય મર્યાદાનું વર્ષ વધારી દેવામાં આવ્યું છે. જેને અમલી કરતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ BBAમાં આ નીતિ અમલી કરી દીધી હતી. સેનેટ મિટિંગમાં નવી શિક્ષણ નીતિના અમલનો નિર્ણય કરતાની સાથે જ 2021-22 માટે BCAના કોર્સમાં આ નીતિ લાગુ કરી દેવાઈ છે.
ગુરુ ગોવિંદસિંહ યુનિ.માં આ વર્ષથી 4 વર્ષનું સ્નાતક
જ્યારે ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, BA, BCom, BSc, BCA, BBA અને LLB માટે વર્ષ 2023-24માં 4 વર્ષનો સ્નાતક કોર્સ લાગુ કરી દેવામાં આવશે. બીજા ઘણા કોર્સને અમે ગત વર્ષથી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર લાગુ કરી દીધા છે. જ્યારે આ વર્ષથી સ્નાતકના કોર્સ 4 વર્ષના થઈ જશે જેના કારણે આપણા વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે. સૌથી મોટો લાભ વિદેશ ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને થશે. જ્યારે કે અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન જેવા પ્રમાણપત્રો અને ડિગ્રી મળશે.
(ઈનપુટઃ આનંદ મોદી- અમદાવાદ, ધ્રુવ સોમપુરા- સુરત, રક્ષિત પંડ્યા- રાજકોટ, સુનિલ પટેલ- પાટણ, મેહુલ ચૌહાણ- વડોદરા, તેજસ શાહ- આણંદ, રાજુ સોલંકી- ગોધરા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.