શહેરના એસજી હાઇવે પર આવેલા આત્મનિર્ભર કાફે પર અસામાજીક તત્વોએ ગઇકાલે રાત્રે આતંક મચાવ્યો હતો. અસામાજીક તત્વોએ બે યુવકોને ખુરશી વડે ઢોર માર માર્યો હતો. જોકે પોલીસ આવતા 4માંથી 3 શખસો ભાગી ગયા હતા. એક શખસને વસ્ત્રાપુર પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રસ્તા પર બેસનાર લોકોને ડીસીપી સહિતના અધિકારીઓ બેસવા દેતા નથી પરંતુ મોડી રાત સુધી અનેક કાફે અને હોટલો સહિત નાસ્તાના સેન્ટરો ધમધમે તે અંગે આંખઆડાકાન થઇ રહ્યા હોવાની ચર્ચા છે.
મોડી રાત્રે બની હતી ઘટના
ખેડા જિલ્લામાં આવેલા સમાદરા ગામ ખાતે રોશન કાળુભાઇ દેસાઇ પરિવાર સાથે રહે છે અને ખેતીનું કામ કરે છે. 23મી મેના રોજ રોશનભાઇ પોતાની રેન્જ રોવર કાર લઇને તેમના ભાણા જયદીપ રબારી(રહે. રાયપુર, દોલતખાના) સાથે નિકળ્યા હતા.તેઓ ભુવાજી મેલાભાઇ, મામાનો દિકરો જયરામ પ્રભાત દેસાઇને એરપોર્ટ મુકવા માટે ગયા હતા. બાદમાં એસજી હાઇવે પર આવેલા આત્મનિર્ભર કાફે પર રોશન અને જયદીપ ગયા હતા. કાફે પર મિત્ર સમીર શાહ સહિતના મિત્રો રાત્રીના પોણા ત્રણ વાગ્યે બેઠા હતા. આ દરમિયાન ચાર શખસો આવ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા.
યુવકને લોખંડની ખુરશી મારી દીધી હતી
ચારે શખસો કહેવા લાગ્યા કે, ચાલો અહીથી નિકળો. ફિલ્મી સ્ટાઇલે સામેના વ્યક્તિએ જણાવ્યુ કે, તુ મને ઓળખતો નથી હું ઉમંગ કાપોપરા અહિથી નિકળી જા તેમ જણાવી ઝપાઝપી કરવા લાગ્યો હતો. બાદમાં તેણે માર માર્યો અને લોખંડની ખુરશી મારી દીધી હતી. આમ આ શખસો મારા મારી કરવા લાગ્યા હતા. ચારે શખસો આ વિસ્તારમાં માથાભારે હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી હતી. દરમિયાનમાં પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, ઉમંગ કાપોપરા (રહે.સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ), ઉમંગનો ભાઇ ઝલક, મયંક વસંતકુમાર ભારગિયા અને વરુણ નામનો શખસ હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
કાફે મોડી રાત સુધી ચલાવવા દેતા ચર્ચાનો વિષય બન્યો
પોલીસે મયંક વસંતકુમાર ભારદીયાને જગ્યા પરથી પકડી પાડ્યો હતો. જોકે આવા નબીરા રોજ રાત્રે એસજી હાઇવે અને સિંધુભવન રોડને બાનમાં લે છે પરંતુ અધિકારીઓ આંખઆડાકાન કરતા ચર્ચાનો વિષય બન્યો છે. આ વિસ્તારના ડીસીપી રોડ પર બેઠેલા લોકોને ઉભા રહેવા દેતા નથી પરંતું કાફે મોડી રાત સુધી ચલાવવા દેતા ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં આવા અનેક કાફે પર અસામાજીક તત્વોના અડ્ડા બની ગયા છે. અગાઉ પણ બાપના બગીચા અને અન્ય કાફે પર ડ્રગ્સનો વેપાર કરતા બે શખસોને ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યા હતા. આવા નબીરાઓ રોડ પર રેસિંગ કરી અને કાફેમાં બેસી લોકો પર દાદાગીરી કરવાના અનેક કિસ્સા છે પરંતુ અધિકારીઓ આંખઆડાકાન કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.