તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને મ્હાત:અમદાવાદમાં 4 મહિનાના બાળકે 6 દિવસ હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રહીને કોરોનાને હરાવ્યો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
ચાર મહિનાના બાળકે કોરોનાને હરાવ્યો
  • બાળકનો જન્મ થયો ત્યારે હાર્ટની નડી બ્લોક હતી જેથી તેને 51 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતુ.
  • 5 દિવસ ઓબ્ઝેર્વેશનમાં રાખ્યા બાદ આજે બાળકને રજા આપવામાં આવી રહી છે.

કોરોનાની બીજી લહેરમાં નાની વયના બાળકો પણ સંક્રમિત થયાં છે. ત્યારે આણંદના 4 મહિનાના બાળકને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં 15 દિવસ સુધી દાખલ કરવામાં આવ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવેલ 60 પર પહોંચી જતાં તેને સતત 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. આખરે આ બાળકે કોરોનાને મ્હાત આપી હતી.

બાળક 29 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં જન્મેલ જુગલ નામનું 4 મહિનાનું બાળક 29 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયું હતું. જે બાદ ત્યાં આસપાસ કોઈ હોસ્પિટલ નહીં મળતા અમદાવાદમાં ચાંદખેડાની એપલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકને જન્મ્તાથી જ અન્ય તકલીફ હતી જેથી બાળકનું ઓક્સિજન લેવેલ પણ 60 સુધી પહોચ્યું હતું. ત્યાર બાદ બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ સ્થિતિ બગડતા હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેર પર રહ્યા બાદ બાળક ધીરે ધીરે સ્વસ્થ થયું અને આજે કોરોના સામે જીતીને ઘરે પરત જઈ રહ્યું છે.

હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેર પર રહ્યા બાદ બાળક ધીરે ધીરે સ્વસ્થ થયું
હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેર પર રહ્યા બાદ બાળક ધીરે ધીરે સ્વસ્થ થયું

ફેફસાં સિવાયના અંગ સારી રીતે કામ કરતા હતા
બાળકની સારવાર કરનાર એપલ હોસ્પીટલના પીડિયાટ્રીક ડોક્ટર પાર્થ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે બાળકને શ્વાસની તકલીફ હતી જેથી તરત જ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ 24 કલાક બાદ પરિસ્થિતિ નહીં સુધરતા તેને હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકના ફેફસાં સિવાયના અન્ય અંગ સારી રીતે કામ કરી રહ્યા હતા.પરંતુ બાળકની સ્થિતિ સુધરતી નહોતી. આખરે 6 દિવસ બાદ બાળકની સ્થિતિ સુધરતા વેન્ટીલેટર કાઢી લેવામાં આવ્યું હતું અને બાળક સામાન્ય થયું હતું.

શરૂઆતના 48 કલાક કપરા હતા
ડોક્ટર જીનલ કામદારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે બાળક આવતા જ તેને 4 કલાકમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતના 24 કલાક અઘરા સાબિત થયા હતા. બાળકની તબીયત સુધરવાની જગ્યાએ બગડી રહી હતી. જેથી પરિવારની મંજુરી બાદ હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. જેમાં બાળક 300 થી 900 વખત શ્વાસ લેતું હતું. શરૂઆતના 48 કલાક કપરા હતા. 6 દિવસ વેન્ટીલેટર પર રાખ્યા બાદ સુધારો થયો હતો અને સામાન્ય રૂમમાં બાળક રહી શકતું હતું. 5 દિવસ ઓબ્ઝેર્વેશનમાં રાખ્યા બાદ આજે બાળકને રજા આપવામાં આવી રહી છે.અત્યારે બાળક ફીડીંગ પણ કરી રહ્યું છે માતા સાથે રમી રહ્યું છે.

એપલ હોસ્પીટલના પીડિયાટ્રીક ડોક્ટર પાર્થ શાહ અને ડો. જીનલ કામદાર
એપલ હોસ્પીટલના પીડિયાટ્રીક ડોક્ટર પાર્થ શાહ અને ડો. જીનલ કામદાર

28 એપ્રિલે બાળકની તબીયત બગડી હતી
બાળકના પિતાએ જણાવ્યું હતું કે 28 એપ્રિલે બાળકની તબીયત બગડી હતી. જે બાદ આણંદમાં કોઈ હોસ્પીટલમાં જગ્યા નહીં મળતા અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને 15 દિવસ બાદ બાળક આજે સાજુ થઈને ઘરે પરત આવી રહ્યું છે. બાળક જન્મ્યું ત્યારે પણ બાળકની હાર્ટની નડી બ્લોક હતી જેથી 14 જાન્યુઆરીએ પણ સર્જરી કરવામાં આવી હતી. બાળક અગાઉ 51 દિવસ હોસ્પીટલમાં રહ્યું હતું અને 2 મહિના બીજી દવા ચાલુ જ હતી તે દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈને ફરીથી સાજુ થયું છે.