શાયર રાવલ દીક્ષા લઈને આધ્યાત્મિક અધ્યયનની શરૂઆત કરી, હવે જન કલ્યાણ માટે વર્તમાન શિક્ષણ પદ્ધતિના વિષયો અને ભાષાનો, પણ અભ્યાસ કરવા જૈન શ્વેતાંબર તેરાપંથ સંપ્રદાયના ચાર મુનિ કુમાર આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા આપશે. આચાર્યશ્રી મહાશ્રમણજીની સાથે વિહાર કરતા ચારે મુનિ કુમારોએ અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, શાહિબાગમાંથી બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે. આચાર્યશ્રી અને ચારે મુનિ કુમારો 9 માર્ચથી 29 માર્ચ સુધી અમદાવાદમાં રોકાણ કરશે.
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા પણ 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન યોજાવાની છે. મુનિ કુમારોનું પરીક્ષા કેન્દ્ર ઉસ્માનપુરા નજીક મળી શકે તે માટે બોર્ડના ચેરમેનને વિનંતી પત્ર લખવામાં આવ્યો હતો. બોર્ડે તેને ગ્રાહ્ય રાખી તે મુજબની બેઠક વ્યવસ્થા કરવા આશ્વાસન આપ્યું છે.
જૈન શ્વેતાંબર તેરાપંથ સંપ્રદાયના ચાર મુનિ કુમાર આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા આપશે
મુનિ અનુશાસનજીએ કહ્યું કે, મુનિ પુનિત કુમાર અને મુનિ શુભંકર કુમાર ધોરણ 12 તેમજ મુનિ ઘ્રુવ કુમાર અને મુનિ અર્હમ કુમાર ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેરાપંથ ધર્મ સંઘમાં સમગ્ર દેશમાં 800થી વધુ સાધુ-સાધવીજી છે. દીક્ષા પ્રાપ્ત કરીને પણ પીએચડી, એમબીએ, એમએ, બીએ, બીકોમ, એમકોમ, બીએસસી., એમએસસી સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય એવા સંઘમાં 280થી વધુ સાધુ-સાધવીજી છે. સંસારને ત્યજી વૈરાગ્ય અને સંયમનો માર્ગ અપનાવનાર દીક્ષાર્થીઓની ઉંમર ઘણી વખત નાની હોય છે. તેમના માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થવું અનિવાર્ય છે તે માટે મુનિ કુમારોને આચાર્યશ્રી તરફથી પ્રેરણા મળે છે. જૈન શાસ્ત્રો અને આગમનો અભ્યાસ કરવા દીક્ષાર્થીઓને ધર્મ સંઘમાં પ્રાકૃત, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા શિખવવામાં આવે છે.
મુનિ કુમારો બ્રહ્મ મુહૂર્તમાં અભ્યાસ કરે છે.
ચારે મુનિ કુમારો 9 માર્ચથી 29 માર્ચ સુધી અમદાવાદમાં રોકાણ
મુનિ કુમારો બોર્ડની પરીક્ષાની તૈયારી બ્રહ્મ મુહૂર્તમાં કરે છે તેઓ માને છે કે, શાસ્ત્રો મુજબ આ બે કલાક દરમિયાન ગમે તે વિદ્યાર્થી અભ્યાસ કરે તેને ઝડપથી યાદ રહી શકે છે. આ ઉપરાંત મહાપ્રાન ધ્વની આસનનો ઉપયોગ પણ ખૂબ અસરકારક હોય છે. આ આસનથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ લાભ થાય છે. દરેક વિદ્યાર્થીએ એ મુજબ આસનો કરવા જોઈએ.
ઉચ્ચ શિક્ષણ મેળવવા બોર્ડની પરીક્ષા તો આપવી જ પડશે
મુનિ અર્હમ કુમાર મુળ કોલ્હાપુર, મહારાષ્ટ્રના વતની છે તેમની ઉંમર હાલ 15 વર્ષ છે. છઠ્ઠા ધોરણ સુધી તેમણે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. હાલ તેઓ ધોરણ 10ની પરીક્ષા આપવાના છે. તેમણે કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બોર્ડની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. તેમને અંગ્રેજી ભાષા અને ગણિત વિષયમાં વિશેષ રૂચિ છે. આચાર્યશ્રી સાથે દિનચર્યા મુજબ તેઓ વિહાર કરે છે અને સૂર્યાસ્ત બાદ તેઓ ઉંઘી જાય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં પરીક્ષાની તૈયારી કરે છે.
જનકલ્યાણ માટે વર્તમાન ભાષા અને અભ્યાસ જરૂરી
ધોરણ 10ના પરીક્ષાર્થી મુનિ ધ્રુવ કુમાર મુળ નાકોડા, રાજસ્થાનના વતની છે તેમણે 9 વર્ષના હતા ત્યારે દીક્ષા ગ્રહણ કરી હતી. હાલ તેમની ઉંમર 20 વર્ષની છે તેમણે ચોથા ધોરણ સુધી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે, દીક્ષા લઈને આધ્યાત્મિક અધ્યયન શરૂ કર્યું છે, પણ જન કલ્યાણ માટે વર્તમાન ભાષા અને અભ્યાસક્રમોની સમજ હોવી પણ એટલી જ જરૂરી છે. તેમને અંગ્રેજી ભાષા અને વિજ્ઞાન વિષયમાં વિશેષ રસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.