તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘શાબાશ’ પ્રદીપસિંહ:ચાર કલાકની રથયાત્રા માટે 4 દિવસથી સતત મોનિટરિંગ કરી રહેલા ગૃહમંત્રી જાડેજાની વ્યૂહરચના સફળ નીવડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રથયાત્રામાં સતત ખડેપગે રહેલા ગૃહમંત્રી. - Divya Bhaskar
રથયાત્રામાં સતત ખડેપગે રહેલા ગૃહમંત્રી.
  • 4 કલાકની રથયાત્રા, 23 હજાર પોલીસ, ગૃહમંત્રી, રાજ્યના પોલીસવડા અને પોલીસ કમિશનર આઠ કલાક રથયાત્રામાં રહ્યા
  • જગન્નાથ મંદિરના મહંત, મુખ્યમંત્રી રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે શહેરીજનોનો આભાર માન્યો

દર વર્ષે ભગવાન જગદીશ અમદાવાદના રાજમાર્ગો પર અખાડા, હાથી, ભજનમંડળી સહિત નગરચર્યાએ નીકળે છે. કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા નગરમાં ફરી શકી નહોતી. ગત વર્ષે પણ રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારે નિયમો સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી હતી, જેથી આજે શહેરમાં ભગવાન જગદીશ ભારે પોલીસ-બંદોબસ્ત અને કર્ફ્યૂની વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા. દર વર્ષે 14 કલાક જેટલો સમય શહેરમાં ફરતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે માત્ર ચાર કલાકમાં 22 કિલોમીટર ફરીને નિજમંદિર પરત ફરી હતી.

ગૃહરાજ્ય મંત્રી સતત સમીક્ષા કરતા હતા
રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય એ માટે ગૃહરાજ્ય મંત્રી સતત સમીક્ષા કરતા હતા. શનિવારથી શરૂ થયેલી રથયાત્રા મહોત્સવને લઈને પ્રદીપસિંહ જાડેજા પોલીસતંત્ર અને મંદિર સાથે બેઠકો કરતા હતા, આજે રથયાત્રાના દિવસે જ સવારે 3.30 વાગ્ચાથી તેઓ મંદિરમાં હાજર થઈ ગયા હતા. તેમની સાથે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા અને અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પણ હતા. સતત આઠ કલાક સુધી તેઓ રથયાત્રાની સાથે સાથે રહ્યા હતા. શહેરમાં શનિવારથી જ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 23 હજાર જેટલા પોલીસકર્મીઓ શહેરમાં બંદોબસ્તમાં ખડા થઈ ગયા હતા. સતત મોનિટરિંગથી તેમણે રથયાત્રા માટે તૈયાર કરેલી SOPનું સહેજ પણ ઉલ્લંઘન થવા નથી દીધું.

સતત પોલીસ, મંદિર અને વહીવટી તંત્રની સાથે સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી.
સતત પોલીસ, મંદિર અને વહીવટી તંત્રની સાથે સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી.

મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પૂર્ણ થવા અંગે પોલીસતંત્ર અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવી તેમની કાર્યપદ્ધતિને બિરદાવી હતી. ભકતો-શ્રદ્ધાળુઓની આસ્થાનો ખ્યાલ રાખીને નિયંત્રિતપણે યોજવામાં આવી હતી એનો ઉલ્લેખ કરતાં નગરજનોનો પણ આ રથયાત્રા સફળતાપૂર્વક પાર પાડવામાં જે સહયોગ મળ્યો છે તેનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલદી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોનામુક્ત બને એવા પ્રકારના ભગવાન પાસે આશીર્વાદ માગીએ.

ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તંબુ ચોકી ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈન્સ વચ્ચે રથયાત્રા યોજાઈ રહી છે. લોકોએ કર્ફ્યૂનું પાલન કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આગામી થર્ડ વેવથી આપણને બચાવે. સરકાર અને પોલીસે રથયાત્રાના આયોજન અંગે ખૂબ મહેનત કરી છે, જેને પરિણામે આજે શહેરમાં ભગવાનની રથયાત્રા નીકળી છે. નગરના નાથ ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી સર્વત્ર સારો વરસાદ પડે, સમગ્ર ધરા ધન-ધાન્યથી પરિપૂર્ણ થાય તેમજ રાજ્ય-દેશની પ્રગતિ સાથે દરેક વર્ગના નાગરિકો માટે વધુ ને વધુ સુખાકારીનું સર્જન થાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.

પહિંદવિધિ સમયે મુખ્યમંત્રી રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.
પહિંદવિધિ સમયે મુખ્યમંત્રી રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.

શહેરનાં 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યૂ
શહેરમાં ભગવાનની રથયાત્રા શાંતિપૂર્વક વિનાવિઘ્ને સંપન્ન થાય એ માટે શહેરનાં 10 પોલીસ સ્ટેશન વિસ્તારમા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂ દરમિયાન અનેક મુસાફરો પણ અટવાયા હતા. મુસાફરોને પોતાનો સામાન ઊંચકીને રેલવે સ્ટેશન સુધી જવું પડ્યું હતું. પરંતુ પોલીસે માનવતા દાખવીને મુસાફરોને પોલીસવાનમાં બેસાડીને સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરી જોઈને મુસાફરોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

મંદિરના ટ્રસ્ટીઓ, મંદિરના મહંત, ગૃહ રાજ્યમંત્રી, શહેરના મેયર તથા રાજ્યના DGP.
મંદિરના ટ્રસ્ટીઓ, મંદિરના મહંત, ગૃહ રાજ્યમંત્રી, શહેરના મેયર તથા રાજ્યના DGP.

રૂટ પરની પોળોમાં બેરિકેડિંગ કરવામાં આવ્યાં
આજે રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત તમામ પોળો અને ગલીઓમાં બેરિકેડિંગ કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના નાગરિકો પર વિશ્વાસ મૂક્યો હતો અને લોકોએ પણ એ વિશ્વાસને જાળવ્યો હતો. લોકોએ ઘરમાં રહીને ભગવાન જગદીશના ઓનલાઈન અથવા તો દાબા પરથી દર્શન કર્યાં હતાં.

શહેરમાં સઘન પોલીસ-બંદોબસ્ત.
શહેરમાં સઘન પોલીસ-બંદોબસ્ત.

રથયાત્રામાં સઘન સુરક્ષા વ્યવસ્થા
રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડી.સી.પી, 14 એ.સી.પી., 44 પી.આઈ., 98 પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહ્યા હતા. આ વિસ્તારમાં 9 સ્થળે લગાડવામાં આવેલા 18 કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, સાથે જ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસવાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...