દિવાળીમાં વધ્યા ચોરી-લૂંટના બનાવ:અમદાવાદમાં દિવાળી ટાણે જ તસ્કરો બેફામ, શહેરીજનો ફરવા ગયા તો ઘરમાં ચોરી અને બહાર નીકળ્યા તો ચેઈન સ્નેચિંગ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • શહેરમાં દિવાળીના તહેવારમાં ચેઈન સ્નેચિંગ અને ચોરીના કુલ 4 બનાવો સામે આવ્યા

અમદાવાદમાં તહેવારના સમયે તસ્કર અને ચેઇન સ્નેચર બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં વાસણા વિસ્તારમાં લાખોની મતાની ચોરી થઈ, જ્યારે શાહીબાગ, રિવરફ્રન્ટ અને નારણપુરા વિસ્તારમાં તહેવાર ટાણે જ ચેઇન સ્નેચિંગના બનાવ બન્યા હતા. આ બનાવ અંગે હાલ ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે પરંતુ કોઈ આરોપી હજી પકડાયા નથી કે કોઈ રિકવરી પણ હજી સુધી થઈ નથી. પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી છે.

કિસ્સો 1
શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા સિનિયર સીટીઝન સાવિત્રીબેન કોઠારી પોતાના ઘરની બહાર ઉભા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સ તેમના ગળામાંથી રૂ. 1.70 લાખની મતાના સોનાના બે દોરા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે અંગે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 2
જૂના વાડજના ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા કોકિલાબેન જોશીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે નવરંગ સર્કલ પાસે બાઇક પર આવેલા અજાણ્યો શખ્સ કોકિલાબેનના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કિસ્સો 3
નવરંગપુરા વિસ્તારમાં રહેતા કૃણાબેન દુધિયા દિવાળીની રાત્રે પરિવાર સાથે ફટાકડા ફોડવા રિવરફ્રન્ટ ગયા હતા. જ્યાં તેઓ ફટાકડા ફોડીને એક્ટિવ પર ઘર તરફ જવા નીકળ્યા ત્યારે એક યુવક દોડતો તેમની તરફ આવ્યો અને તેણે કૃણાબેનના ગળામાંથી ડાયમંડનો સોનાનો રૂ. 90 હજારની કિંમતનો હાર તોડીને ભાગવા લાગ્યો. કૃણાબેન બૂમો પડતા રહ્યા પણ યુવક દીવાલ કૂદીને ભાગી ગયો હતો. આ અંગે હાલ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે

કિસ્સો 4
વાસણા વિસ્તારમાં રહેતા અર્પણભાઈ સેતલવાડ દિવાળીની રજાઓમાં પરિવાર સાથે 3જી તારીખ જેસલમેર ફરવા ગયા હતાં. તેઓ 6 તારીખે પરત આવ્યા ત્યારે ઘરમાં લાઈટ ચાલુ હતી અને દરવાજો અંદરથી બંધ હતો. ત્યાં આવેલા બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો જેથી ત્યાં થઈને તસ્કરોએ ઘરમાં ઘુસી ચોરી કરી હોવાની શંકા હતી. બેડરૂમમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. કબાટમાં મુકેલી સોનાની બુટ્ટી, ચેઇન, બ્રેસલેટ, બંગડી, ચાંદીના સિક્કા, ભગવાનની મૂર્તિઓ, કેમેરો, ઘડિયાળ, એક નાનું લોકર અને એકાદ લાખ રોકડા મળી કુલ 8.72 લાખની મતા ગાયબ થયેલી હતી. તાત્કાલિક આસપાસના લોકોનો અર્પણભાઈ એ સંપર્ક કરતા ઘરમાં ચોર ટોળકીએ ઘૂસીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલિક વાસણા પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા હવે તસ્કરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.