જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ખરીદી રોકવા અમદાવાદ પોલીસે હાથ ધરેલી ખાસ ડ્રાઇવમાં 10 દિવસમાં 388 એફઆઈઆર કરવામાં આવી છે, તેમજ ચાઇનીઝ દોરીની 398 રીલ જપ્ત કરી જાહેરનામાના ભંગ બદલ 30 વ્યક્તિની અટકાયત કરી હતી.
સોમવારે 29 ફરિયાદ નોંધાઈ, લોકોએ પણ પોલીસને 309 અરજી મોકલી હતી
શહેર પોલીસને 10 દિવસમાં ચાઈનીઝ દોરીના વેચાણ અંગે 309 ફરિયાદ મળી હતી. લોકોની ફરિયાદોને પગલે પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. છેલ્લા 10 દિવસમાં થયેલી 388 એફઆઈઆરમાંથી 29 એફઆઇઆર સોમવારે જ કરવામાં આવી હોવાની માહિતી કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે આપી હતી. તેમણે કહ્યું હતું કે, લોકો ચાઇનીઝ દોરીની ખરીદી કે ઉપયોગ ન કરે તે માટે સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ પોસ્ટ મુકી જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતી હોય તો કોઈપણ નાગરિક 100 નંબર પર ફોન કરી પોલીસને માહિતી આપી શકે છે.
તાજેતરમાં હાઇકોર્ટે ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા સરકારે લીધેલા પગલાનો ખુલાસો માગ્યો હતો. હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યા પછી પોલીસે ચાઇનીઝ દોરી સામે ઝુંબેશ ચાલુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચાઇનીઝ દોરીથી ગળા અને આંખો પર ઇજાના સંખ્યાબંધ કેસ નોંધાતા હોય છે અને કેટલાક કિસ્સામાં તો મોત પણ થતું હોય છે.
સેટેલાઇટમાંથી 8 રીલ ચાઇનીઝ દોરી જપ્ત
સેટેલાઇટ શ્રેયસપાર્ક પાસેથી પસાર થઇ રહેલા યુવકને રૂ.2 હજારની કિંમતના 8 ચાઇનીઝ ટેલર સાથે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ પોલીસ પેટ્રોલિંગ કરી રહી ત્યારે કોન્સ્ટેબલ રમેશભાઇ અને મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, વાદળી કલરનું ટી શર્ટ અને આછા કાળા કલરનું પેન્ટ પહેરેલો યુવક રાજીવનગર રેલવેના પાટા પાસેથી ચાઇનીઝ દોરીના ટેલર લઇને શ્રેયસ પાર્ક તરફ વેચવા જઈ રહ્યો છે.
આ બાતમીના આધારે સેટેલાઇટ પોલીસે પંચોને સાથે રાખીને શ્રેયસ પાર્ક પાસે વોચ ગોઠવી હતી. એ વખતે વાદળી ટી શર્ટ પહેરીને હાથમાં થેલી લઇને આવતા યુવકને રોકયો હતો. અને તેની પૂછપરછ કરતા તેનું નામ શંકર ઠાકોર (રહે, રવિનગર, જીવરાજપાર્ક) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલી થેલી તપાસતાં તેમાથી રૂ.2 હજારની કિંમતના 8 ચાઇનીઝ ટેલર મળી આવ્યા હતાં. પોલીસે શંકર ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.