AAPનો આક્ષેપ:ગુજરાતમાં 3.84 લાખ બાળકો કુપોષિત, છેલ્લા 1 વર્ષમાં 2 લાખ બાળકો કુપોષિત થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈસુદાન ગઢવી - Divya Bhaskar
ઈસુદાન ગઢવી
  • પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતે ભાજપની નિષ્ફળતા સ્વીકારી છેઃ ઇસુદાન ગઢવી

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચારની તૈયારી કરી લીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર માટે યાત્રાની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ એક વીડિયો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લઈને કહ્યું હતું કે, સી.આર.પાટીલે એક વીડિયોમાં જણાવ્યું હતું કે ભાજપના હોદ્દેદારો કેટલાક કુપોષિત બાળકોને દત્તક લેશે. પરંતુ ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 3 લાખ 84 હજાર જેટલા કુપોષિત બાળકો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

બનાસકાંઠા જેવા જિલ્લામાં 26000થી વધુ બાળકો કુપોષિત છે
આપના નેતા ઈસુદાન ગઢવીએ વીડિયો દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 6 મહિનાથી 23 મહિનાની વચ્ચેના 89 ટકા બાળકોને યોગ્ય માત્રામાં ખોરાક મળતો નથી. સમગ્ર ભારતમાં સૌથી ખરાબ હાલત ગુજરાતના બાળકોની છે. સી.આર.પાટીલ અમુક બાળકોને દત્તક લેવાની વાત કરે છે પણ બાકીનાનું શું? આજ સુધી ગુજરાતમાં ભાજપ સરકાર એવી કોઈ વ્યવસ્થા નથી કરી જેના દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવામાં આવે. મારે સી.આર.પાટીલ જી ને પૂછવું છે, શું તમે કોઈ ગામમાં એક રાત રોકાયા છો? બનાસકાંઠા જેવા જિલ્લામાં 26000થી વધુ બાળકો કુપોષિત છે. તે માત્ર એક જિલ્લાની વાત છે. તો કલ્પના કરો કે આખા ગુજરાતમાં કેટલા બાળકો કુપોષિત હશે.

ગુજરાતની જનતા ભાજપને જવાબ આપશે
ઈસુદાને સવાલ કર્યો હતો કે, શું કોઈ સરકારે ક્યારેય આ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો વિચાર કર્યો છે? કુપોષિત બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ અને આ માટે કેટલું બજેટ નક્કી કરવું જોઈએ, શું આ બધા વિશે ભાજપ સરકારે ક્યારેય વિચાર્યું છે? આજે સી.આર.પાટીલજી એ પોતે સ્વીકાર્યું કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી વધારે છે અને તે આપણા શાસનમાં થયું છે. સી.આર.પાટીલે સ્વીકાર્યું કે હવે અમે આ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શકતા નથી.હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા ભાજપને જવાબ આપે. કુપોષિત બાળકો કુપોષણમાંથી બહાર આવી શકે તે માટે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...