અમદાવાદમાં વેક્સિનેશન:શહેરમાં 40 સગર્ભા સહિત 37723 લોકોએ વેક્સિને લીધી, 400 વેક્સિનેશન સેન્ટર પર પ્રત્યેકને 200 ડોઝ ફાળવાય છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સોમવારે વેક્સિન લેનારમાં 22181 પુરૂષ અને 15542 મહિલાઓ
  • 60 વર્ષથી વધુ વયના 2151 લોકોને જ વેક્સિન અપાઈ

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. વેક્સિન હવે પૂરતા પ્રમાણમાં વધારતા એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. ત્યારે આજે 40 સગર્ભા સહિત 37723 લોકોએ વેક્સિન લીધી હતી.

સગર્ભાને સ્વૈચ્છિક મંજૂરીથી વેક્સિન અપાઈ
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશનની ભલામણ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સર્ગભા સ્ત્રીઓને સ્વૈચ્છિક મંજૂરીથી કોરોના વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સગર્ભા સ્ત્રીઓને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે.

અત્યાર સુધી 462 સગર્ભાએ વેક્સિન લીધી
આજે 2 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના કુલ 7 ઝોનમાં માત્ર 40 સગર્ભા મહિલાઓને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ ઝોનમાં 18, પશ્ચિમ ઝોનમાં 6, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 મહિલાઓ વેક્સિન લીધી હતી. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 462 સગર્ભા મહિલાઓએ વેક્સિન લીધી છે.

આજે વેક્સિન લેનારમાં 60 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ખૂબ ઓછી
અમદાવાદ શહેરમાં આજે સોમવારે 37723 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 22181 પુરૂષ અને 15542 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 24469 અને 45 વર્ષ ઉપરના 9739 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 2151 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.