લો, કરો વાત!:ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાની ચૂંટણીના 37 ઉમેદવારોએ તો પાન નંબર જ જાહેર કર્યા નથી, 37 ઉમેદવારો તો નિરક્ષર હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 55 ટકા ઉમેદવારો 41થી 60 વર્ષની વયના
  • મહિલા ઉમેદવારોની સંખ્યામાં સામાન્ય વધારો થયો

સામાન્ય રીતે અત્યારે દરેક પરિવારના સભ્યો પાસે પાન કાર્ડ હોય તે સ્વાભાવિક છે. ત્યારે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝૂંકાવનારા 788 ઉમેદવારો પૈકી 37 ઉમેદવારોએ પોતાના પાન નંબર જાહેર કર્યા નથી. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો માત્ર 5 ટકા જ છે. ચૂંટણીમાં દરેક વ્યક્તિને ઝૂંકાવવાની છૂટ છે. પરંતુ ચોંકાવનારી વાત તો આ ચૂંટણીમાં એ જોવા મળે છે કે, આ ચૂંટણીમાં ધો. 3 અને 4 ચોપડી ભણેલા ઉમેદવારો તો ઝૂંકાવે જ છે. પરંતુ આ ચૂંટણીમાં 37 ઉમેદવારો તો નિરક્ષર છે.

53 ઉમેદવારોને માત્ર વાંચતા અને લખતાં જ આવડે
આ અંગે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝૂંકાવનારા ઉમેદવારો પૈકી 492 (62 ટકા) ઉમેદવારોએ પોતે ધો.5થી 12 સુધીનો જ અભ્યાસ કર્યો હોવાનું તેમની એફિડેવિટમાં જણાવ્યું છે. તો 185 ( 23 ટકા ) ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. અને 21 ઉમેદવારો ડિપ્લોમાં હોલ્ડર છે. જ્યારે 53 ઉમેદવારોને માત્ર વાંચતા અને લખતાં જ આવડે છે. જ્યારે 37 ઉમેદવારોએ તો તેઓ નિરક્ષર હોવાનું જાહેર કર્યું છે.

80 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં એક ઉમેદવાર
ચૂંટણીમાં ઊભેલાં ઉમેદવારોમાંથી 277 (35 ટકા) ઉમેદવારો 25થી 40 વર્ષની ઉંમર સુધીના છે. તો 431 (55 ટકા ) ઉમેદવારો 41થી 60 વય સુધીના છે. અને 79 (10 ટકા) ઉમેદવારો 61થી 80 વયના છે. જ્યારે એક ઉમેદવાર તો 80 વર્ષથી ઉપરના છે.

મહિલા ઉમેદવારોની સંખ્યામાં સામાન્ય વધારો
દરેક ક્ષેત્રની જેમ હવે મહિલાઓએ ચૂંટણીમાં પણ ઝૂંકાવવા લાગી છે. ગત 2017ની ચૂંટણીની સરખામણીએ 2022ની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે. ગત 2017ની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 923 ઉમેદવારો પૈકી 57 (6 ટકા) મહિલા ઉમેદવાર હતી. તેની સરખામણીમાં 2022માં 788 ઉમેદવારોમાંથી 69 (9 ટકા) મહિલા ઉમેદવારોએ ઝુંકાવ્યું છે. 2017ની સરખામણીમાં 2022માં ત્રણ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ 34 મહિલાઓએ અપક્ષ તરીકે ઝૂંકાવ્યું છે. જયારે ભાજપમાંથી 9, બસપામાં 7, કોંગ્રેસ અને આપમાંથી 6-6 મહિલાઓએ ઉમેદવારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...