ટ્રાફિક ડ્રાઈવ:અમદાવાદમાં એક દિવસમાં રોંગ સાઈડ વાહન ચલાવતા અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો પાસે 3.69 લાખ દંડ વસૂલાયો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 5 જૂનથી 11 જૂન સુધી ખાસ ડ્રાઈવ યોજી છે
  • પોલીસે ડ્રાઇવની કામગીરીનું રોજે રોજ રિપોર્ટિંગ કરવું પડશે

અમદાવાદ શહેરમાં બનતા વાહન અકસ્માતોના બનાવોમાં રોન્ગસાઈડ વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માત થાય છે. તથા કેટલાક અકસ્માત થયા બાદ HSRP નંબર પ્લેટ ના હોવાથી અકસ્માત કરનારની ભાળ મળતી નથી અને ગુનો અનડીટેકટ રહે છે. જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહનો ચાલકો કેસ કરીને દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.આ ડ્રાઈવ દરમિયાન પહેલા જ દિવસે રોંગ સાઈડમાં વાહન હંકારનારા 89 લોકો પાસેથી પોલીસે 1.46 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

પોલીસે HSRP નંબર પ્લેટ વિના વાહન હંકારતા 595 લોકોને દંડ્યા
HSRP નંબર પ્લેટ વિના ફરતા વાહનો પાસેથી રૂ.1000, રોંગ સાઈડમાં ચલાવનાર પાસેથી રુ.1500, કાર ચાલક પાસેથી રુ.3000 તેમજ ટ્રક-બસ જેવાં મોટા વાહનો પાસેથી રૂ.5000 દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારા મોટાભાગે આનંદનગર, સેટેલાઈટ, પાલડી, એસ.જી હાઈવેના અમુક વિસ્તારમાં, સિંધુ ભવન રોડ પર દંડવામાં આવ્યાં છે. જ્યારે HSRP નંબર પ્લેટ વિનાના વાહનોની વાત કરીએ તો સેટેલાઈટ, વેજલપુર, આનંદનગર વિસ્તારમાંથી પોલીસે 595 લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને 2.23 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

5 જૂનથી 11 જૂન સુધી ખાસ ડ્રાઈવ
શહેરમાં બનતા ગંભીર અકસ્માત અને અકસ્માતમાં થતા મૃત્યુમાં મોટા ભાગના બનાવોમાં બેમાંથી એક વાહનચાલક રોંગ સાઈડમાં આવ્યો હોવાથી અકસ્માત થયો હોવાનું પૂરવાર થયું હતું.મોટા ભાગની ઘટનાઓમાં કસૂરવાર વાહન ચાલકે HSRP નંબર પ્લેટ લગાવી નહીં હોવાથી તેનો રોકોર્ડ પણ પોલીસ કે RTO પાસે હોતો નથી. જેના કારણે અકસ્માત કરનારા વાહન ચાલકો બિન્દાસ ફરી રહ્યા છે. અકસ્માતો ઘટાડવા માટે તેમજ HSRP વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 5 જૂનથી 11 જૂન સુધી ખાસ ડ્રાઈવ યોજી છે.

ડ્રાઇવની કામગીરીનું રિપોર્ટિંગ કરવું પડશે
દરેક પોલીસ સ્ટેશને કરેલી ડ્રાઈવની કામગીરી રોજ રાતે ઉપરી અધિકારીઓને મોકલી આપવા ટ્રાફિક પોલીસને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઉપરી અધિકારીઓ 100 કરતાં પણ વધારે પોઈન્ટ પર તહેનાત કરાશે.