રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા કમાન્ડન્ટને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરજમાં રાખવા મામલે કોંગ્રેસ દ્વારા આજે આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે, 39 હોમગાર્ડ કમાન્ડન્ટ અલગ અલગ જિલ્લા અને શહેરમાં ફરજ બજાવે છે, જેમાં 36 જેટલા કમાન્ડન્ટ ભાજપ સાથે સંકળાયેલા છે.
હોમગાર્ડની વેબસાઈટ પર 40 હજાર હોમગાર્ડ બતાવે છે, પરંતુ ખરેખર રાજ્યમાં કુલ 70 હજારથી વધુ હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટ સીધી રીતે ભાજપ અથવા આરએસએસ સાથે સંકળાયેલા હોય, આ તમામ હોમગાર્ડ જવાનોના 70 હજારના પોસ્ટલ બેલેટના મત પર તેઓ પ્રભાવ પડી શકે છે. ધાકધમકી આપી અને તેઓના પોસ્ટલ બેલેટ મત છીનવી અને મતદાન કરાવી શકે છે. જેથી કોંગ્રેસની માંગ છે કે આવા તમામ કમાન્ડન્ટને ચૂંટણી કમિશન તાત્કાલિક ચૂંટણીની ફરજમાંથી દૂર કરે.
સંબંધિતો સાથે તસવીરો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટમાં માત્ર ત્રણથી ચાર જેટલા જ પોલીસ વિભાગના એસીપી કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. બાકીના જે હોમગાર્ડ કમાન્ડન્ટ ફરજ બજાવે છે. તેમાં 39માંથી 36 જેટલા કમાન્ડન્ટ ભાજપ અથવા આરએસએસ સાથે સીધી રીતે સંકળાયેલા છે અને તેના પૂરાવા પણ અમે રજૂ કરીએ છીએ. ભાજપના હોદ્દેદારો અને ભાજપ સાથે સંકળાયેલા હોવાના ફોટા પણ છે. અમદાવાદ જિલ્લાના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના કે બનાસકાંઠાના કોઈપણ હોમગાર્ડ કમાન્ડન્ટ હોય તેઓ ભાજપ સાથે જોડાયેલા હોય ચૂંટણી કામગીરીમાં પણ આવા ભાજપ સમર્થક હોમગાર્ડ સામે વાંધો ઉઠાવીએ છીએ.
ચૂંટણી ફરજમાંથી દૂર કરવા માગ કરી
આ મામલે અમે ચૂંટણી કમિશનને પત્ર લખ્યો છે અને અમારી માંગણી છે કે, તાત્કાલિક જે પણ આવા 39માંથી 36 જેટલા હોમગાર્ડ કમાન્ડો ભાજપ કે અન્ય સાથે જોડાયેલા છે. તેઓને તાત્કાલિક ચૂંટણી ફરજમાંથી દૂર કરવામાં આવે. પોસ્ટલ બેલેટનું જે મતદાન થાય છે તેના ઉપર પણ ખાસ મોનિટરિંગ રાખવામાં આવે. ભાજપ સમર્થિત હોમગાર્ડ જવાનો મતદાન મથકમાં હોવાથી પ્રભાવિત કરી શકે છે. અને બોગસ વોટિંગ ન થાય તેના માટે ખાસ ચૂંટણી પંચ આ બાબતે ધ્યાન રાખે તેવી અમે અપીલ કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.