કામગીરી શરૂ:બુલેટ ટ્રેનના સાબરમતી-વટવા રૂટ પર 350 બાંધકામ દૂર કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન સંપાદન પૂરું થતાં સિવિલ કામગીરીનો પ્રારંભ
  • અસરગ્રસ્તોને નિયમ મુજબ વળતર અથવા પુનર્વસન કરાશે

અમદાવાદથી મુંબઈ સુધી 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ છે. બુલેટ ટ્રેનના અમદાવાદ સહિત સંપૂર્ણ રૂટ પર ટ્રેકની બન્ને બાજુએ આવતા અડચણરૂપ બાંધકામોને દૂર કરવા માટે સરવે હાથ ધરાયો હતો. સાબરમતીથી વટવા સુધી રૂટની બન્ને બાજુના 350 બાંધકામ દૂર કરાશે. જ્યારે વડોદરા સુધીના રૂટ પર લગભગ 1550 નાના મોટા બાંધકામ, ધાર્મિક સ્થળ કે અન્ય બાંધકામો દૂર કરાશે.

બુલેટ ટ્રેનના આ રૂટમાં દૂર કરવામાં આવનારા આ બાંધકામોમાં સાબરમતીથી વટવા સુધી 15 મળી વડોદરા સુધીના રૂટ પર 40 ધાર્મિક સ્થળો અડચણરૂપ હોવાથી દૂર કરાશે. બાંધકામો દૂર કરવા માટે એનએચએસઆરસીએલે બાંધકામ માલિકને સરકારી નિયમ મુજબ પૂરેપૂરું વળતર ચૂકવાશે અથવા માલિક કે ટ્રસ્ટની સ્વીકૃતિ બાદ તેનું અન્યત્ર પુન:સ્થાપન કરી અપાશે. જમીન સંપાદનની કામગીરી 80 ટકાથી વધુ પૂર્ણ થતા રૂટ પર હવે સિવિલ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

અમદાવાદ ઉપરાંત વડોદરા સુધીના રૂટ પર 1550થી વધુ બાંધકામો અડચણરૂપ હોવાથી તેને દૂર કરાશે. જ્યારે વડોદરાથી વાપી સુધીના રૂટ પર પણ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે અને આ રૂટ પર કુલ એક હજારથી વધુ અડચણરૂપ બાંધકામો દૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...