ભાસ્કર એનાલિસિસ:અમદાવાદમાં 35%, વડોદરામાં 30%, સુરતમાં 15% મહિલાઓમાં B12ની અછત, ઈન્જેક્શન-ટેબ્લેટનું વેચાણ 3 વર્ષમાં 900% વધ્યું

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
 • કૉપી લિંક
 • ગુજરાતમાં 45% મહિલાનો B12 ની ઊણપ સામે સંઘર્ષ
 • રાજ્યનાં ત્રણ મોટાં શહેરોની જુદીજુદી લેબોરેટરીમાંથી લેવાયેલા 14,538 સેમ્પલના આધારે તારણ
 • શાકાહારી લોકોમાં આ ઊણપ સૌથી વધારે, ગ્રામીણ વિસ્તારમાં 40 ટકા છોકરીઓમાં બી-12ની વધુ ઘટ

શરીરમાં લોહી બનાવવા માટે અતિમહત્ત્વના વિટામિન બી-12ની ઊણપના કારણે મગજ અને નર્વ સિસ્ટમને કાયમી નુકસાન થતું હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. રાજ્યના ત્રણ સંશોધકોએ અમદાવાદ, સુરત અને વડોદરાની વિવિધ લેબોરેટરી અને ડૉક્ટરો પાસેથી ડેટા મેળવ્યો હતો જેમાં ચોંકાવનારાં 7 પરિણામો સામે આવ્યા હતા.

સંશોધન માટે મેળવેલા ડેટા મુજબ અમદાવાદમાં સૌથી વધુ 35 ટકા, વડોદરામાં 30 ટકા અને સુરતમાં 15 ટકા મહિલાઓમાં વિટામિન બી-12ની ઊણપ જોવા મળી હતી. આ ઊણપને કારણે રાજ્યમાં બી-12ના ઇન્જેક્શન, ટેબ્લેટ્સનું વેચાણ 3 વર્ષમાં 900 ટકા વધ્યું છે. તાજેતરમાં જ આ સંશોધનને ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં સ્થાન મળ્યું છે. અમદાવાદ અને સુરતના આંકડાશાસ્ત્રી ડૉ. હેમાલી શાહ અને ડૉ. આરતી રાજ્યગુરૂએ સુરતના સિનિયર ફિઝિશિયન ડૉ. ગીરીશ કાઝીના માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધર્યું હતું.

વિટામિન બી-12ની ઊણપ શાકાહારી લોકોમાં મહત્તમ જોવા મળી રહી છે જ્યારે માંસાહારી લોકોમાં તેનું પ્રમાણ ઓછું છે. કારણ કે, માછલી, છીપ, માંસ (પશુનું લીવર), ઈંડા, દુધ અને દુધથી બનેલી વસ્તુઓ શરીરમાં વિટામિન બી-12 વધારવા માટે મુખ્ય સ્ત્રોત ગણાય છે.

ઉંમરની સાથે શરીરની વિટામિન બી-12ને એબઝોર્બ કરવાની ક્ષમતા ઘટતી હોય છે ત્યારે ખાસ કરીને જે લોકો શુદ્ધ શાકાહારી છે. તેમણે બહારથી સપ્લિમેન્ટ દ્વારા શરીરમાં વિટામિન બી-12 મેન્ટેન રાખવાની જરૂર છે. થાક લાગે, ડિપ્રેશન અને યાદશક્તિ ઓછી થવી તે વિટામિન બી-12ની ઊણપના સામાન્ય લક્ષણો છે. શરીરમાં વિટામિન બી-12 ઘટી જતા ગભરામણ થવી, ખાલી ચઢવી, કળતર થાય અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય જેવા ગંબીર ચિહ્નો પણ દેખાતા હોય છે.

ડૉ. હેમાલી શાહે જણાવ્યું કે, સંશોધન માટે રાજ્યના ત્રણે મુખ્ય શહેરોની જુદીજુદી લેબોરેટરીમાંથી 14,538 લોકોના સેમ્પલ ડેટા મેળવ્યો હતો. જેમાં સરેરાશ 27 ટકા લોકોમાં વિટામિન બી-12ની ઊણપ જોવા મળી હતી.

તમારા શરીરમાં વિટામિન B12ની ઊણપ હોવાના 13 લક્ષણો

 • શરીરમાં સતત થાક લાગવો
 • શરીરના કેટલાક અંગોમાં ધ્રુજારી-ઝણઝણાટીનો અનુભવ
 • તણાવ અને મન સતત વ્યગ્ર
 • યાદશક્તિમાં ઘટાડો થવો
 • સંતુલન રાખવામાં અસમર્થ
 • જીભમાં સોજો રહેવો અને ખંજવાળ આવવી
 • આંખોની દૃષ્ટિ નબળી પડવી
 • શ્વાસોચ્છવાસની તકલીફ
 • ત્વચા શુષ્ક રહેવી
 • માથામાં દુખાવો અને માઇગ્રેન
 • ઉબકા આવવા તેમજ છાતીમાં બળતરા, વજનમાં ઘટાડો

બાળકોમાં વિટામિન બી-12ની ઊણપ ચિંતાજનક
અમદાવાદના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. જયપ્રકાશ મોદીએ કહ્યું કે, 11થી 17 વર્ષના બાળકોમાં પણ વિટામિન બી-12ની ઊણપ જોવા મળી રહીછે. તે વધુ ચિંતાજનક છે. એક સંશોધન મુજબ ગામડાઓમાં સ્કૂલે જતા 40 ટકા છોકરાઓમાં ઊણપ જોવા મળી હતી. ઓપીડીમાં આવતા દર્દીઓ પૈકી સરેરાશ 40 ટકા દર્દીને મલ્ટિવિટામિનની દવા પ્રિસ્ક્રાઈબ કરવી પડે છે. ફૂડ ફોર્ટિફિકેશન થાય તો શાકાહારી લોકોમાં વિટામિન બી-12ની ઊણપ દૂર કરી શકાશે.

ડાયાબિટિક દર્દીમાં બી-12નું પ્રમાણ વધારે
અમદાવાદ સિવિલ ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી કહે છે કે, ડાયાબિટિક દર્દીઓમાં વિટામિન બી-12નું પ્રમાણ વધુ જોવા મળે છે. દેશની કુલ વસ્તીના માત્ર 26 ટકા લોકોમાં વિટામિન બી-12નું પ્રમાણ 200-300pg/ml કરતા વધારે છે.

તમાકુ-દારૂનું સેવન કરતા લોકોને ચેતવણી
અમદાવાદ સિવિલના મેડિસિન વિભાગના ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે, બી-12ની ઊણપ તમાકુ, દારૂનું વ્યસન કરનારાઓ માટે ખતરનાક છે. તેનાથી ટર્મિનલ ઈલિયમ નામે ઓળખાતા નાના આંતરડાના છેવાડાનો ભાગને ગંભીર નુકસાન પહોંચે છે.

જંક ફૂડના ઇન્ગ્રેડીઅન્ટ્સ સૌથી વધારે હાનિકારક
વિટામિન બી-12ની ઊણપ દૂર કરવા શાકાહારી લોકો માટે દૂધ અને તેની બનાવટની વસ્તુઓ ખાવી જરૂરી છે તેમજ ખોરાકમાં લીલા શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. જંક ફૂડના ઈન્ગ્રેડિયન્ટ સૌથી વધુ જોખમી છે. ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ જંક ફૂડનું સેવન કરતા હોય છે તેનાથી બચવું જોઈએ. વિટામિન બી-12ની ઊણપ દૂર કરવી હોય તો ફૂડ ફોર્ટિફિકેશનની ખાસ જરૂર છે.

ઉંમર અનુસાર B12 જરૂરિયાતો

 • 1-3 વર્ષની વયનાં બાળકોને દરરોજ 0.9 માઇક્રોગ્રામ વિટામિન B12ની જરૂર હોય છે.
 • 4-8 વર્ષનાં બાળકોને દરરોજ 1.2 માઇક્રોગ્રામ વિટામિન B12ની જરૂર હોય છે.
 • 9-13 વર્ષનાં બાળકોને દરરોજ 1.8 માઇક્રોગ્રામ વિટામિન B12ની જરૂર હોય છે.
 • 13 થી 40 વર્ષની વયના લોકોને દરરોજ 2.4 માઇક્રો ગ્રામ વિટામિન B12 ની જરૂર હોય છે.
 • સગર્ભા સ્ત્રીઓને દરરોજ 2.6 માઇક્રોગ્રામ વિટામિન B12ની જરૂર હોય છે.

વિટામિન B12ની ઊણપનાં લક્ષણો

 • ગર્ભવતી મહિલાઓનું અસ્વસ્થ રહેવું
 • વધુ તણાવનો અનુભવ
 • આંખોના તેજમાં ઘટાડો
 • થાક લાગવો અને અંગોમાં નબળાઇ
 • ભૂખ ના લાગવી, કબજીયાત થવી.

B12ની ઊણપથી થનારી બીમારી

 • એનીમિયા, ત્વચામાં સંક્રમણ
 • હાડકાની બીમારી
 • ડિમેન્શિયા
 • યાદશક્તિ ઓછી થવી
અન્ય સમાચારો પણ છે...