સરકારી સ્કૂલ ચલે હમ:અમદાવાદ શહેરના 40 હજાર સહિત રાજ્યમાં 7 વર્ષમાં 3.27 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારીમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવા શૈક્ષણિક સત્ર માટે શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી
  • આ શિક્ષકો વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા જણાવે છે

રાજ્યમાં સરકારી સ્કૂલમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી સ્કૂલો સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. જેને પગલે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને વાલીઓ તેમના બાળકોને સરકારી સ્કૂલમાં મૂકવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લાં 7 વર્ષમાં અંદાજિત 3 લાખ 27 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.

અમદાવાદમાં 40 હજાર વિદ્યાર્થીએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો
જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લાં સાત વર્ષમાં અંદાજિત કુલ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે. આજના દરેક વાલી પોતાના બાળકના એડમિશન માટે સ્કૂલોમાં કેવા પ્રકારની સુવિધા છે તે ખાસ જુએ છે. જેમાં પ્રી એજ્યુકેશનલ કીટ, 3ડી એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલિંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, કેમેરાથી લેસ, વ્હાઇટ બોર્ડ, સ્પોર્ટસ કીટ અને લાઇબ્રેરી હોય આ તમામ પ્રકારની સુવિધા જે સ્કૂલમાં હોય તેમાં વાલી પોતાના બાળકનું એડમિશન કરાવતા હોય છે.

માળખાકીય સુવિધામાં વધારો થતા વાલીઓ આકર્ષાયા
અમદાવાદ શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ કહ્યું કે, સરકારી નીતિઓને કારણે વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલિમબદ્ધ શિક્ષકો, માળખાકિય સુવિધામાં વધારો અને રાજ્ય સરકારની શિક્ષણ નીતિ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે.

હાઇટેક ક્લાસ હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, સરકારી શાળાઓમાં પણ ખાનગી સ્કૂલ્સની જેમ રમત ગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે. ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવવાનું મુખ્ય કારણ એ પણ છે કે, સરકારી સ્કૂલોમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સમયની સાથે કદમથી કદમ મિલાવીને ટેક્નોલોજી યુક્ત શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણવિદ્ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ બધી ખાસિયતોને કારણે સ્વભાવિક છે કે સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતા સારી સુવિધાઓ મળતી હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલ તરફ આકર્ષાયા છે અને એડમિશન પણ વધ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે નવા સત્રમાં ઘણી સરકારી સ્કૂલોમાં વેઇટિંગ લિસ્ટ પણ જોવા મળી રહ્યું છે, આ વેઇટિંગ લિસ્ટ જ દર્શાવે છે કે સરકારી સ્કૂલ તરફ વાલીઓનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...