ડ્રોન વીડિયો:જાસપુરમાં 31 હજાર દીવડા પ્રગટાવી દિપોત્સવ, ડ્રોનથી લેવાયેલી મા ઉમિયાના સૌથી મોટા મંદિરની પ્રતિકૃતિનો આકાશી નજારો

અમદાવાદ11 દિવસ પહેલા
  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અદભૂત નજારાનો વીડિયો મોબાઈલમાં શૂટ કર્યો
  • મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે

અમદાવાદમાં જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ થયો છે. ત્યારે આજે અહીં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત દિપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 31 હજાર દીવડા પ્રગટાવીને મા ઉમિયાના મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ હતી. આ ઝળહળતાં દીવડાનો અદભૂત નજારો સૌ કોઈના મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર નયનરમ્ય નજારાના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. ડ્રોનથી લેવાયેલા વીડિયોમાં મંદિરની પ્રતિકૃતિનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો હતો.

જમીનથી 52 ફૂટ ઊંચે મા ઉમિયાની મૂર્તિ સ્થપાશે
જાસપુરમાં 100 વીઘા જમીનમાં બનવા જઈ રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે.

100 વીઘામાં મંદિર પરિસર તૈયાર થશે
29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

કૂર્મ શિલા, નંદ શિલા સહિત 9 વિશેષ શિલા પર તૈયાર થશે
મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય 9 શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શિલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુક્લા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ 500 દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 500 શિલાઓ તથા 108 કળશનું પૂજન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામમાં એક હજાર કરોડના ખર્ચે ઉમિયા મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

ભીડ ન થાય તે માટે ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ
વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. તેમણે ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં જુદી છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ તમામ મંદિરોમાં લોકોની ભીડ થાય ત્યારે અફરાતફરી થતી હોય છે. આવી સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇન તૈયાર કરાઈ છે. ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ મુકાશે, જેથી મંદિરમાં ભીડ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...