સાબરમતી પર બની રહેલા વિશાળ ફૂટ ઓવરબ્રિજથી અમદાવાદને નવી ઓળખ મળશે. આશરે 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ-2019થી બ્રિજની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ કોરોનાને કારણે કામ પૂરું થવામાં વિલંબ થયો હતો. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં બ્રિજનું કામ પુન: શરૂ કરાયું છે.
મ્યુનિ. સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરએફડીસીએલ)ના જયેશ પટેલે કહ્યું કે, બ્રિજ તૈયાર કરવા આશરે 2100 ટન લોખંડનો ઉપયોગ થયો છે. 300 મીટર લાંબા બ્રિજને તૈયાર કરવા આઈઆઈટી ચેન્નઈ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગના ડિઝાઇન ખાતાની મંજૂરી બાદ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર-2021 સુધીમાં રાહદારીઓ, સાઇકલચાલકો માટે તેનો ઉપયોગ શરૂ થઈ શકશે.
લોકોને શું મળશે?
શહેરીજનોને ફરવા માટેનું આ વધુ એક સ્થળ મળી રહેશે. અહીં બ્રિજની ઉપર જ બાંકડા પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીં બેસીને નદીનો નજારો માણી શકશે. બાંકડાની આસપાસ ફ્લાવરનું પ્લાન્ટેશન પણ કરવામાં આવશે, જેથી બ્રિજ વધુ સુંદર લાગશે. બ્રિજ પર સાઇકલિંગ પણ કરી શકાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.