અમદાવાદીઓના ટેક્સના પૈસા પાણીમાં!:બકેરી સિટીના બેઝમેન્ટમાં 30 ગાડી ડૂબી, AMCએ મદદ ન કરી તો રહીશો પાણી ઉલેચવા પંપ લાવ્યા

3 મહિનો પહેલા

અમદાવાદમાં વરસેલા વરસાદની 20 કલાક જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ કેટલાંક સ્થાનો પર પરિસ્થિતિ જેમની તેમ છે, હજુ પણ કેટલીક સોસાયટીમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે જ્યારે કેટલીક સોસાયટીઓના બેઝમેન્ટ સંપૂર્ણપણે પાણીમાં જોવા મળી રહ્યા છે. વેજલપુર વિસ્તારની બકેરી સીટીના સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ગઈકાલ રાતથી ભરેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા અંતે સોસાયટીના સભ્યોએ યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવા મશીન ખરીદવાની જરૂર પડી. બેઝમેન્ટમાં 30થી વધારે જેટલી ગાડીઓ પાર્ક હતી, જે તમામ ડૂબી ગઇ છે, અંદાજે 1.50 કરોડ કિંમતની ગાડીઓને ભારે નુકશાન થયું છે. દિવ્ય ભાસ્કરની ટીમે સનાતન એપાર્ટમેન્ટ પહોંચીને સ્થાનિકોની વેદના જાણી હતી.

બેઝમેન્ટમાં 10 ફૂટ પાણી ભરાયા
અમદાવાદના વેજલપુર વિસ્તારના સનાતન એપાર્ટમેન્ટના લોકોને તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા અંતે સોસાયટીના ફંડમાંથી જ પાણીના નિકાલ માટે મશીન લાવવાની ફરજ પડી છે. સોસાયટીના બેઝમેન્ટમાં 10 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા, યુદ્ધના ધોરણે પાણીના નિકાલ કરવા માટે 60 હજારનું ફાઇટર મશીન લાવ્યા છે.

સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ડૂબેલી કાર
સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ડૂબેલી કાર

30 જેટલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ
સોસાયટીના અગ્રણી મહેશભાઈ ગઢવીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, બેઝમેન્ટમાં 30 જેટલી ગાડીઓ પાર્ક થયેલી છે, જે તમામે ડૂબેલી અવસ્થામાં છે. માત્ર એટલું જ નહીં પરંતુ સોસાયટી ઓફિસ પણ બેઝમેન્ટમાં આવેલી છે, જેથી સોસાયટીને લગતા તમામ પ્રકાર કામમાં હવે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

કોર્પોરેશને કોઈ મદદ ન કરતા રહીશો પંપ લઈ આવ્યા
સનાતન એપાર્ટમેન્ટના કરમણભાઈ ચૌહાણએ જણાવ્યું કે, હકીકતમાં એવું લાગ્યું કે ટેક્સના પૈસા પાણીમાં ગયા. ગઈ કાલ રાતથી જાણે કોઈ ગામડામાં પૂર આવ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિમાં તેઓ રહી રહ્યા છે. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ નાના ગામડામાં પૂરની પરિસ્થિતિ હોય અને તેની સામે જંગ લડી રહ્યા હોય ! આવી પરિસ્થિતિમાં તંત્રની કોઇ મદદ મળી નથી ! પાણીનાં નિકાલ માટે તંત્રને જાણ કરી પરંતુ તેમના તરફથી કોઈ હકારાત્મક ન આવ્યો જેથી અંતે તેમને સોસાયટીના ફંડમાંથી જ પાણી બહાર કાઢવાનું મશીન લાવ્યા. પરિણામે હવે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંના સ્થાનિક લોકો તંત્રને મદદ માટે આજીજી કરતા રહ્યા પરંતુ કોઈ મદદ ન મળી.

બહાર નીકળવા સાત કોઠા ભેદવા પડે તેવી સ્થિતિ હતી
સનાતન એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસી પ્રેમલભાઈ શાહે જણાવ્યું કે, વર્ષોથી આવી જ પરિસ્થિતિ છે. પરંતુ ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં તો કોઈ અંદરથી બહાર ન જઈ શકે અને કોઈ બહારથી અંદરના આવી શકે એવી પરિસ્થિતિ હતી. જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો બહાર નીકળવું પણ જાણે સાત કોઠા ભેદીને જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...