સરકારની બેવડી નીતિ:સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોને RTE સીટોની ફી 30 ટકા વધારી આપી, પણ વાલીઓને 25 ટકા ફી માફી આપતી નથી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્કૂલોમાં ફીની રકમ અગાઉ 10 હજાર હતી જે વધારીને 13 હજાર કરવામાં આવી છે

બાળકોને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 અંતર્ગત તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા સીટ નબળા અને વંચિત જૂથના બાળકો માટે ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોની ફી સરકાર ચૂકવે છે. જેની રકમ 10 હજાર રૂપિયા છે પરંતુ હવે આ રકમમાં 30 ટકા જેટલો વધારો કરીને 13 હજાર કરવામાં આવી છે. એટલે હવે ખાનગી શાળાઓને RTEના બાળકની મળતી ફીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સરકારે સ્કૂલોને ફીમાં 30 ટકા જેટલો વધારો આપી દીધો છે. પરંતુ 4 મહિના પહેલા પૂર્વ શિક્ષણમંત્રીએ જાહેર કરેલી 25 ટકા ફી માફીનો હજુ સુધી પરિપત્ર કર્યો નથી.

કોરોના કાળમાં ગત વર્ષે શિક્ષણ વિભાગે સ્કૂલના બાળકોની 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. જે બાદ આ વર્ષે પણ ઘાતક બનેલી કોરોનાની બીજી લહેરમાં ધંધા વ્યવસાયની સ્થિતિ જોતા પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જૂન મહિનામાં 25 ટકા ફી માફી યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ કોઈ કારણસર પરિપત્ર જાહેર ના કર્યો. જેથી સ્કૂલોએ સંપૂર્ણ ફી લીધી હતી. જેને પગલે વાલીમંડળે 25 ટકા માફીનો પરિપત્ર જાહેર કરવાની માંગણી કરી હતી. જ્યારે વાલીઓએ 25ની જગ્યાએ 50 ટકા ફી માફીની માંગ કરી હતી.

ખાનગી શાળાઓને મળતી ફી માં હવે 30 ટકાનો વધારો
અગાઉ RTE હેઠળ ખાનગી સ્કૂલોની સરકાર દ્વારા બાળકોની ફી પેટે 10 હજાર રૂપિયા ચૂકવવામાં અવતા હતા જે હવે વધારીને 13 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.ખાનગી શાળાઓને મળતી ફી માં હવે 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. RTE ના નિયમ મુજબ સરકારે નક્કી કરેલ ફી અને સ્કૂલે નક્કી કરેલ ફી આ બંનેમાંથી જે ફી ઓછી હશે તે મુજબ સરકાર સ્કૂલને તે ફી ચૂકવશે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે હવે સ્કૂલોની ફી માં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે સ્કૂલોએ RTEના બાળકો સાથે ભેદભાવ ન કરીને તમામ બાળકોને સાથે રાખીને એક જ વર્ગમાં સમાન શિક્ષણ આપવું જોઈએ.

આ વર્ષે સૌથી વધુ બાળકોએ આરટીઇ હેઠળ એડમિશન મેળવવા માટે અરજી કરી છે ( ફાઈલ ફોટો)
આ વર્ષે સૌથી વધુ બાળકોએ આરટીઇ હેઠળ એડમિશન મેળવવા માટે અરજી કરી છે ( ફાઈલ ફોટો)

વાલી મંડળની શિક્ષણ વિભાગને રજૂઆત
વાલી મંડળે માગ કરી છે કે આરટીઇમાં એડમિશન મેળવેલા તમામ વાલીના દસ્તાવેજોની ચકાસણી શિક્ષણ વિભાગે કરવી જોઇએ. ખાનગી સ્કૂલો ગેરરીતિ કરનારા વાલીઓ પાસેથી રેગ્યુલર ફી ભરાવીને તેઓની ગેરરીતિ જાહેર કરતા નથી. જ્યારે ગેરરીતિ કરનારા વાલીને કારણે ગરીબ વાલીના બાળકના શિક્ષણ પર અસર થાય છે, માટે જ શિક્ષણ વિભાગે પોતાના અધિકારીઓ પાસે દસ્તાવેજોની ચકાસણી કરવી જોઇએ. કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતી કથળતા આ વર્ષે સૌથી વધુ બાળકોએ આરટીઇ હેઠળ એડમિશન મેળવવા માટે અરજી કરી છે. પરંતુ તેની સામે આરટીઇની સીટો મર્યાદિત હોવાથી તમામ વાલીઓને લાભ મળી શક્યો નથી.

શિક્ષણ વિભાગે તપાસ કરવી જોઇએ
પેરેન્ટ્સ એકતા મંચના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ કહ્યું હતું કે, આરટીઇમાં એડમિશન લેનારા વાલીઓના દસ્તાવેજોની ચકાસણી શિક્ષણ વિભાગ દ્વારા થવી જોઇએ. ઘણી સ્કૂલો ખોટા દસ્તાવેજ દ્વારા એડમિશન લેનારા વાલીને પકડીને તેની પાસેથી સ્કૂલની ફી ભરાવડાવે છે.

અન્ય સમાચારો પણ છે...