ગુજરાત ડ્રાય સ્ટેટ છે. દર વર્ષે ગાંધી જયંતીએ નશાબંધીના પ્રચાર માટે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં કુલ 43 રવિશંકર મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્રોને ગ્રાન્ટ આપવામાં આવે છે. નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દર વર્ષે નશાબંધીના પ્રચાર માટે રૂ. 3થી 4 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.
લઠ્ઠાથી મૃત્યુ બદલ જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા જ્યારે દારૂ અંગેના ગુનામાં મહત્તમ રૂ. 10 લાખ સુધીના દંડ, 5 વર્ષ સખત વગેરે સજાની જોગવાઇઓ છે. આ બધી કામગીરી છતાં રાજ્યમાંથી દરરોજ અંદાજે રૂ. 30થી 32 લાખનો દારૂ પકડાય છે. કેન્દ્ર સરકારના નશામુક્ત ભારત અભિયાનમાં નશા મામલે દેશના સૌથી સંવેદનશીલ 272 જિલ્લાઓમાં ગુજરાતના 8 જિલ્લાઓ રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર, જામનગરનો પણ સમાવેશ થાય છે.
સરકારને વિદેશી દારૂ તથા નશાકારક વસ્તુઓ પર નિયત કરેલી જકાત અને પરવાના વગેરેની આબકારી આવકની ફીમાંથી 5 વર્ષમાં રૂ. 639 કરોડની આવક થઇ હતી. બજેટના પ્રકાશન ‘પ્રવૃતિની રૂપરેખા 2022-23’માં આ વિગતો આપવામાં આવી છે.
વર્ષે 5 લાખ ટન મોલાસીસ, 6 કરોડ લિટર રેક્ટીફાઇડ સ્પિરિટનું ઉત્પાદન
નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જુદા જુદા 71 પ્રકારના લાયસન્સ, પાસ, પરમિટ આપવામાં આવે છે. વર્ષ 2021-22 દરમિયાન 84830 લાયસન્સ, પાસ, પરમિટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં આવેલા ખાંડના કારખાનાઓમાં વાર્ષિક સરેરાશ 5 લાખ ટન મોલાસીસનું ઉત્પાદન થાય છે. મોલાસીસમાંથી આલ્કોહોલ બનાવતી ડીસ્ટીલરીઓ વાર્ષિક સરેરાશ 6 કરોડ લિટર રેક્ટીફાઇડ સ્પિરિટનું ઉત્પાદન કરે છે. તમામ જથ્થો માત્ર ઔધોગિક વપરાશમાં જાય છે. રાજ્યમાં પીવાલાયક દારૂના ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. શેરડીના ઉકળતા રસમાંથી પાણીનો ભાગ બળી જાય અને પછી બચેલી ચાસણી મોલાસીસ હોય છે.જેમાંથી ઇથેનોલ પણ બને છે.
જસ્ટિસ મહેતા પંચની ભલામણોનો કેટલો અમલ?
તાજેતરના લઠ્ઠાકાંડમાં પણ મિથેનૉલ જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મિથેનૉલના ઉત્પાદન, હેરફેર તથા વેચાણની દરેક પ્રક્રિયા માટેના નિયમો છે તથા અલગ-અલગ પરવાના છે. 2009ના લઠ્ઠાકાંડમાં લોહીના નમૂનાની તપાસમાં ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ મિથેનૉલ હોવાની વાત કહી હતી. 2009ના જસ્ટિસ મહેતા પંચે મિથેનૉલ જેવા કૅમિકલના વેચાણ ઉપર નિયંત્રણ રાખવાની હિમાયત કરી હતી. આ રિપોર્ટને વિધાનસભામાં મુકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયા બાદ પછી રિપોર્ટ રજૂ થયો હતો.
વિદેશી દારૂ તથા નશાકારક વસ્તુઓ પર આબકારી આવક
વર્ષ | આવક (કરોડ રૂ.) |
2018-19 | 130.67 |
2019-20 | 138.26 |
2020-21 | 133.65 |
2021-22 | 140.67 |
ગૃહ વિભાગનું બજેટ રૂ. 8 હજાર કરોડથી વધારે, 5 વર્ષમાં 54%+
વર્ષ | બજેટમાં જોગવાઇ (કરોડ રૂ.) |
2018-19 | 5420 |
2019-20 | 6687 |
2020-21 | 7503 |
2021-22 | 7960 |
2022-23 | 8325 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.