ગંદા પાણીથી ત્રસ્ત લોકોનું ચક્કાજામ:અમદાવાદ નજીક સત્યેશ રેસિડેન્સીના 3 હજાર લોકો રોડ પર ઊતર્યા, ડેન્ગ્યુ-મલેરિયાના ભોગ બન્યા

અમદાવાદ15 દિવસ પહેલા

અમદાવાદના સાણંદ હાઇવે પર આવેલી સત્યેશ રેસિડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી રોડના ગેટની બહાર ગટરનાં પાણી ભરાયેલાં રહે છે, જેને પગલે આજે સ્થાનિક લોકોએ રોડ પર આવી સાણંદ- સરખેજ હાઇવે ચક્કાજામ કર્યો હતો. તેમની ફરિયાદ છે કે ગંદા પાણીને કારણે ડેન્ગ્યુ અને મલેરિયાનો લોકો ભોગ બન્યા છે. વરસાદ પડતાંની સાથે જ સોસાયટીમાં જવાના રોડ પર બહાર બે ફૂટ પાણી ભરાઈ જાય છે. ગટરના પાણી પણ બેક મારે છે, જેને કારણે સ્વિમિંગ પૂલ બની જાય છે. લોકોને આવવા-જવા માટે પાણીમાં થઈને જવું પડે છે. અનેક મહિનાઓથી આ સમસ્યાનો ઉકેલ ના આવતાં આજે મહિલાઓ અને પુરુષોએ રોડ પર આવીને રોડ ચક્કાજામ કરી વિરોધપ્રદર્શન કર્યું હતું.

6 મહિનાથી ગટર બેક મારતી હોવાની ફરિયાદ
સત્યેશ રેસિડેન્સીના રહેવાસી ગોરધન પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી ગટર બેક મારવાની સમસ્યા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતું હતું. થોડો વરસાદ પડતાંની સાથે જ ગટરના પાણી બેક મારતાં સોસાયટીની બહાર પાણી ભરાઈ જાય છે. શાંતિપુરા સર્કલ પાસે ગટર બ્લોક થવાથી ગટરના પાણી અહીં સોસાયટી પાસે બેક મારે છે, જેથી પાણી ભરાઈ જાય છે. 1100 જેટલા ફ્લેટ આવેલા છે, નાનાં બાળકોથી લઈ મોટા લોકોને પણ બહાર જવું હોય તો ગંદા પાણીમાં થઈને જવું પડે છે. લોકો બીમાર પડે છે અને અનેક વખત ઔડા અને ગ્રામપંચાયતમાં રજૂઆત કરી છે છતાં પણ કોઈ જોવા આવતું નથી.

ઔડા અને ગ્રામપંચાયતમાં સોસાયટીના રહીશોની રજૂઆત
ચેતન ખલાસે જણાવ્યું હતું કે સોસાયટીની બહાર બેથી ત્રણ ફૂટ ગટરનાં પાણી ભરાઈ ગયાં છે. ઘરના પાણી બેક મારે છે તેમજ આગળ આવેલી ગોકુલધામ સોસાયટીનું પાણી પણ અહીં જ ઠલવાય જાય છે, જેને કારણે પાણી ભરાઈ જાય છે. ઔડા અને ગ્રામપંચાયતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ઔડામાં કમ્પ્લેન કરી ત્યારે ઔડાના અધિકારીઓ એક વખત આવ્યા હતા. તેમણે મેપ લઈને તપાસ કરતાં આ જગ્યા પર ક્યાંય ઔડાની ગટરલાઈન આવેલી નથી, બે વર્ષ બાદ અહીં ગટરલાઈન નાખવાનું પ્લાનિંગ છે એમ જણાવ્યું હતું.

સોસાયટીના મોટા ભાગના લોકો બીમાર પડ્યા
સોસાયટીના બિલ્ડર દ્વારા પોતાના ખર્ચે ગટરલાઈન નાખવામાં આવી છે અને આ ગટરલાઈન અહીં અથવા આગળ શાંતિપુરા સર્કલ પાસે બ્લોક થઈ ગઈ છે. આગળ ગટરલાઈનમાં ભંગાણ સર્જાયું છે. સોસાયટીમાં રહેતા રહીશો મોટા ભાગના બીમાર પડ્યા છે. કોલેરા, કમળો, ડેન્ગ્યુ જેવા રોગોના લોકો ભોગ બન્યા છે. આશરે ત્રણથી ચાર હજાર લોકો આ સોસાયટીમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે, જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.

શાંતિપુરા સર્કલના બ્રિજના કામને કારણે ગટર બ્લોક થયાની ફરિયાદ
સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી આ ગટરના પાણીની સમસ્યાનો પ્રશ્ન ચાલી રહ્યો છે. શાંતિપુરા સર્કલ પાસે પુલનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે ગટર બ્લોક થઈ ગઈ છે. અમારા રેસિડેન્સીમાં આગળથી પાણી બેક મારીને અમારામાં આવે છે, જેને કારણે અમે પરેશાન થઈ રહ્યા છીએ. સનાથલ ગ્રામપંચાયતમાં અમારું રેસિડેન્સી આવે છે, જેથી અમે ત્યાં રજૂઆત કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...