અમદાવાદની સ્કૂલોમાં કોરોના:છારોડીની નિરમા વિદ્યાવિહારના ધોરણ 5, 9 અને 11ના 3 વિદ્યાર્થી; ઉદ્‌ગમ સ્કૂલની ધોરણ 2ની વિદ્યાર્થિની પોઝિટિવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિરમા વિદ્યાવિહાર - ફાઇલ તસવીર - Divya Bhaskar
નિરમા વિદ્યાવિહાર - ફાઇલ તસવીર
  • નિરમા વિદ્યાવિહારે 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન ક્લાસ બંધ કર્યા
  • પિતાને કોરોના પછી પરિવારના બે ભાઈને ચેપ લાગ્યો
  • ​​​​​​​ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હોવા છતાં મ્યુનિ.ને કશી જાણ નથી

અમદાવાદની સ્કૂલમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સંચાલકોના જણાવ્યા અનુસાર પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.

હાલમાં ચારેય વિદ્યાર્થીની હાલત સ્થિર છે. નિરમા વિદ્યાવિહારે સ્કૂલ બિલ્ડિંગ સેનિટાઇઝ કર્યું છે. સ્કૂલ સંચાલકના જણાવ્યા પ્રમાણે, હાલમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી બાળકો જે બિલ્ડિંગમાં બેસતા હતા તે બ્લોકમાં પરીક્ષા લેવાશે નહીં, હવે પછીના બાકી રહેલા પેપર એડમિન ઓફિસ બિલ્ડિંગમાં લેવાશે. બહું ઓછા પેપર બાકી હોવાથી પરીક્ષા પૂરી કરાશે.

​​​​​​​સ્કૂલે 18 ડિસેમ્બરે યોજાનારી પેરેન્ટ્સ મીટિંગ પણ ઓનલાઇન યોજવાનો મેસેજ તમામ વાલીને કર્યો છે. ઉદગમની વિદ્યાર્થીની વતનમાં ગયા પછી પોઝિટિવ આવી છે તે 9 ડિસેમ્બરે સ્કૂલે આવી હતી. કોર્પોરેશનને આ સમગ્ર ઘટના અંગે કશી જાણ નથી.

અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવી લેવા સ્કૂલને સૂચના
સ્કૂલને એક અઠવાડિયા સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવાના આદેશ અપાયા છે. જે વિદ્યાર્થીઓ સાથે હતા તે તમામને ટેસ્ટ કરવાની સૂચના આપી છે. સ્કૂલને સેનેટાઇઝ કરવા કહેવાયું છે. અમે સ્કૂલ સાથે સતત સંપર્કમાં છીએ. બાળકોની હાલત સ્થિર છે. -હિતેન્દ્રસિંહ પઢેરિયા, ડીઇઓ, અમદાવાદ શહેર

વાલીને તાવ હોવા છતાં બાળકોને સ્કૂલે મોકલ્યા
સ્કૂલ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ધો.9 અને 11ના બાળકોના પિતાનો ડ્રાઇવર 7 ડિસેમ્બરે કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ 9 ડિસેમ્બરે બાળકોના પિતાને તાવ આવ્યો હતો. બાળકો 9 ડિસેમ્બરે સ્કૂલે પણ આવ્યા હતા એ પછી ચેપની જાણ થઈ હતી.

ધોરણ 5નો વિદ્યાર્થી માત્ર ઓનલાઈન અભ્યાસ કરે છે
ધો.5નો બાળક ઓનલાઇન જ અભ્યાસ કરે છે. એક જ કુટુંબના બે બાળકો ધો.9 અને 11ના છે. જેના પિતા મંગળવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ બુધવારે તેમના બંને બાળકો અને માતાને ચેપ લાગ્યો છે. બાળકો સંક્રમિત થયાની સ્કૂલને કોઈ જાણ કરાઈ ન હતી. - વત્સલ વૈષ્ણવ, સ્કૂલ સંચાલક, નિરમા વિદ્યાવિહાર

કોરોનાના નવા 8 કેસ, 18 હજારને રસી
છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ આઠ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે બીજી તરફ 25 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. જોકે એક એક પણ મૃત્યુ નિપજ્યુ નહોતું. શુક્રવારે શહેરમાં 17,758 લોકોને રસી મૂકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...