તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાંથી 3 તીર્થયાત્રા, 3 ભારત દર્શન ટ્રેન શરૂ, ગુજરાતી ટેબલ ટેનિસ સ્ટાર ભાવિનાની સેમી-ફાઇનલમાં એન્ટ્રી થતાં મેડલ નક્કી

અમદાવાદ22 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 28 ઓગસ્ટ, રાંધણ છઠ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી ગુજરાતી યાત્રાળુ માટે રેલવે તંત્ર 3 તીર્થયાત્રા, 3 ભારત દર્શન વિશેષ ટ્રેન શરૂ કરશે, આ તમામ ટ્રેન રોજકોટથી ઉપડશે.
2) PM મોદી નવનિર્મિત જલિયાંવાલા બાગ અને નવનિર્મિત ચાર મ્યુઝિયમ ગેલરીનું લોકાર્પણ કરશે.
3) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે, AMCના અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
4) સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતી ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના સેમી-ફાઇનલમાં પ્રવેશી, વર્લ્ડ નંબર-2 ખેલાડીને હરાવી મેડલ પાક્કો કર્યો; ગોલ્ડ-સિલ્વર માટે જીત જરૂરી
ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતી ખેલાડી ભાવિના પટેલ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. આની સાથે ભાવિનાએ પેરાલિમ્પિકમાં દેશ માટે એક મેડલ પણ પાક્કો કરી લીધો છે. મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વિમેન્સ સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ક્વાર્ટરફાઇનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને સતત ત્રણ ગેમમાં 11-5, 11-6, 11-7થી પરાસ્ત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) ગોધરામાં રાહદારી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટક્યા, મહિલાની હાલત ગંભીર, પાલિકાના પાપે પ્રજાના જીવ જોખમમાં મુકાયા
ગોધરાના વાવડી પેટ્રોલપંપ પાસે રોડ વાહનની રાહ જોઈને ઊભેલી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટકી દીધી હતી, જેને પગલે મહિલા ગંભીર રીત ઇજાગ્રસ્ત થઈ હતી, જેથી મહિલાને સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા પર આખલાના હુમલાની ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી-શાહના હોમ સ્ટેટમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી થઈ શકે છે, કોંગ્રેસનો 25 વર્ષનો વનવાસ પૂરો કરાવશે?
ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કૉંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક, અનિલ મુકીમ અંતે નિવૃત્ત
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે IAS પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. પંકજ કુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.
વાંચો સમાચાર વિગતવાર

5) અમેરિકાએ 31 ઓગસ્ટ પહેલાં ISIS વધુ હુમલાઓ કરશે તેવી શક્યતા દર્શાવી, કાબુલ એરપોર્ટ પર 16 કલાક બાદ ફ્લાઇટ ફરી શરૂ
તાલિબાનના ભયથી દેશ છોડી રહેલા હજારો નાગરિકો પર થયેલા આત્મઘાતી હુમાઓ બાદ શુક્રવારે અફઘાનિસ્તાનમાંથી ઈમર્જન્સી સ્થિતિમાં ફરી ફ્લાઈટ સેવા શરૂ થઈ છે ત્યારે અમેરિકા તરફથી ફરી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે આગામી મંગળવારે દેશ છોડવાની પૂરી થવા જઈ રહેલી સમયસીમા અગાઉ ISIS ફરી વખત હુમલા કરવાનો પ્રયત્ન કરી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

6) આસામમાં ફરી હિંસા ભડકી, 7 ટ્રકોમાં આગ લગાડી, 5 નિર્દોષ ડ્રાઈવરને જીવતા સળગાવી દેવાયા
આસામના દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરા નજીક શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા સાત ટ્રકને સળગાવી દેવામાં આવી હતી, જેમાં પાંચ જેટલા નિર્દોષ ટ્રક-ડ્રાઈવર જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આગ લગાડવાની આ ઘટના પૂર્વે તેમણે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટના સાથે સંડોવાયેલા આતંકવાદીઓની વ્યાપક શોધખોળ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોત સિદ્ધુના વિવાદિત સલાહકાર માલવિંદર માલીએ રાજીનામું આપ્યું, સામે સિદ્ધુએ પણ આપી ધમકી
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુના સલાહકાર માલવિંદર માલીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જ્યારથી માલીએ આ પદ સંભાળ્યું હતું, ત્યારથી તે કેપ્ટન અને ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણીઓ કરવાને કારણે ચર્ચામાં હતા. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો એક વિવાદિત ફોટો પોસ્ટ કરવા અને કાશ્મીર પર ટિપ્પણી કર્યા બાદ તે ચારેબાજુએથી તેમની ટીકાઓ થઈ રહી હતી. તેનાથી એક રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ રાષ્ટ્રીય સ્તર પર વિરોધીઓનો ખાસ કરીને ભાજપના નિશાને આવી. બીજી તરફ પંજાબના અધ્યક્ષ નવજોત સિદ્ધુએ હવે સીધી ધમકી આપી છે કે જો તેમને નિર્ણય લેવાની છુટ ન આપવામાં આવી તો જોવા જેવી થશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ધોરણ 12 સાયન્સમાં માસ પ્રમોશનમાં ‘પાસ’ થયેલા 16 વિદ્યાર્થી પરીક્ષા આપીને ‘નાપાસ’ થયા.
2) રાધનપુરમાં દુકાનમાં બેસેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો, અચાનક ધૂમાડો નીકળતા અફરાતફરી
3) અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફકીરના વેશમાં લેભાગૂ ગેંગે NRIના 1100 ડોલર સહિત પાકિટ લઈ ગાયબ
4) કેરળમાં કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સતત ત્રીજા દિવસે 30 હજારથી વધારે કેસ સામે આવ્યા
5) નાસિકમાં ટામેટાના ભાવ કીલો દીઠ રૂપિયા 2થી 3 થઈ જતા માર્ગો પર ફેંકી દીધા, આ ઘટનાનો વીડિયો થયો વાઈરલ
6) ભારે વરસાદથી દેહરાદૂન-ઋષિકેશ વચ્ચે પુલ ટૂટ્યો, એક ટ્રક ઉંધી પડી-ઘણી ગાડીઓ તણાઈ; રેસ્ક્યુ ઓપરેશન શરૂ

આજનો ઈતિહાસ
વર્ષ 1973માં આજના દિવસે ભારત અને પાકિસ્તાને યુદ્ધબંદી બનાવવામાં આવેલા પાકિસ્તાના 90 હજાર સૈનિકોને મુક્ત કરવા સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા.

અને આજનો સુવિચાર
જે લોકો પોતાના દોષને કારણે જ જીવનમાં સફળ થઈ શકતા નથી તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...