ધોલેરા સિક્સ લેન હાઇવે પર અકસ્માત:ડમ્પર રિવર્સ લેતાં બાઇકસવાર 3 લોકો કચડાયા, પિતા-પુત્ર-પુત્રીનાં કરુણ મોત

અમદાવાદએક મહિનો પહેલા

ભાવનગર અમદાવાદ સિક્સ લેન હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધોળકાના કરિયાણા ગામથી રૂપગઢ જવાના માર્ગ પરના આ અકસ્માત ત્રણ લોકોના મોત થયા છે. ડમ્પર રીવર્સ લેતાં બાઈક સવાર 3 લોકો ડમ્પર નીચે કચડાયા હતા. જેમાં પિતા અને બે બાળકોનું થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. પોલીસ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડમ્પરની અડફેટે પિતા, પુત્ર અને પુત્રીનાં કરુણ મોત
મળતી માહિતી અનુસાર, ભાવનગર અમદાવાદ સિક્સ લેન હાઈવે પર ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનના કરિયાણા ગામથી રૂપગઢ જવાના માર્ગ પર માટી પુરાણની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બપોરે 12:00 વાગ્યાની આસપાસ ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે રીવર્સ લેવા જતા બાઈક પર સવાર પિતા, પુત્ર અને પુત્રીનું ઘટના સ્થળ પર કરૂણ મોત થયું હતું. અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર
ગ્રામજનો દ્વારા પોલીસ અને 108ની ટીમને અકસ્માતની ઘટનાની જાણ કરાઈ હતી. ઘટનાને પગલે કોઠ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. જોકે, સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા મૃતકોના પરિવારને જાણ કરાઈ હતી. જે બાદ અકસ્માતમાં મોતને ભેટનાર અને પરિવારના મોભીના પત્ની સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર તારાપુરના રેલ ગામનો વતની
ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર તારાપુરના રેલ ગામનો વતની હતો. પરિવાર બાઈક લઇને ખેતરમાં ડાંગરના ધરૂનું રોપાણ કરવા માટે મજૂરી કરવા આવ્યો હતો. જેમાં પરિવારના મોભી અને બે બાળકોના પિતા બાઈક લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...