ગુજરાતના 1175 કરોડ કરતાં પણ વધારે લોકોને ફૂટબોલ ટીમોના સ્કોર બતાવીને દાની ડેટા નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી રૂ.3.50 કરોડનું કૌભાંડ આચરનારી ઠગ ટોળકીના 3 સભ્યની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. આટલું જ નહીં આ ટોળકીએ કુલ રૂ.2300 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની માહિતી બહાર આવી છે. જેના આધારે સીઆઈડી ક્રાઈમે 89 બેન્ક એકાઉન્ટમાં થયેલા રૂ.2300 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ(ઈડી) ને જાણ કરી છે.
દાની ડેટા નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી કરોડોનું કૌભાંડ
લોકોને પ્લેસ્ટોર પરથી દાની ડેટા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં ફૂટબોલનો સ્કોર બતાવીને વધારે નફાની લાલચ આપીને ગઠિયા ટોળકીએ રૂ.3.50 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 3 આરોપીની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. જેમાં મનોજકુમાર ભાણાભાઈ પટેલ(નવસારી), વૃષભ હર્ષદભાઈ મકવાણા(વેજલપુર) અને વિજયકુમાર જદન રામ(દિલ્હી) નો સમાવેશ થાય છે.
ઠગ ટોળકીએ ભારતના જુદા જુદા શહેરોમાં ડમી કંપનીઓ શરૂ કરી
સીઆઈડી ક્રાઈમના પીઆઈ પી.એન.ખોખરા એ જણાવ્યું હતું કે મનોજકુમાર કંપનીના પ્રોપરાઈટર હતા. જ્યારે વૃષભે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે લોકો પાસે ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવડાવ્યા હતા. જ્યારે વિજયકુમાર ટીકે કલર્સના પાર્ટનર છે. વધુમાં આ કૌભાંડની તપાસમાં પોલીસને એવી પણ માહિતી મળી છે કે, આ ઠગ ટોળકીએ ભારતના જુદા જુદા શહેરોમાં ડમી કંપનીઓ શરૂ કરી હતી.
તમામ વ્યવહાર 89 બેન્ક એકાઉન્ટમાંથી થયા
જેમાં દાની ડેટા મારફતે રૂ.2300 કરોડના પૈસાના વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યવહાર 89 બેન્ક એકાઉન્ટમાંથી થયા હતા. જેથી આ વ્યવહારો અંગે ઈડીને પણ જાણ કરી દેવામાં આવી છે. જ્યારે આ કૌભાંડમાં હજુ પણ 5 આરોપી નાસતા ફરતા હોવાથી તેમને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
પહેલા રમીના નામે પૈસા પડાવતા હતા
ફૂટબોલના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનું આ કૌભાંડ શરૂ કરતા પહેલા વિજયકુમાર અને વુ.ચુઆન્બો વચ્ચે દિલ્હીમાં મીટિંગ થઇ હતી. ત્યારે વિજયકુમારે રમી ગેમના નામની એપ્લિકેશન બનાવીને પૈસા પડાવવાની સ્કીમ બનાવી હતી, પરંતુ વુ-ચુઆન્બોએ દાણી નામની એપ્લિકેશન બનાવડાવી દીધી હોવાથી રમીનો પ્રોજેકટ પડતો મુકીને દાણી ડેટા એપ્લિકેશનથી આ કૌભાંડ આચર્યુ હતુ.
ચાઈનીઝ નાગરિક સહિત 3 આરોપી વિદેશમાં
આ કૌભાંડમાં મુખ્ય આરોપી વુ-ચુઆન્બો ઉર્ફે ચેમ્બર નામનો ચાઈનિઝ નાગરિક છે, તેમજ તેની સાથે નયન જયેશભાઈ શાહ અને લખન રમેશભાઈ ઠક્કર છે. આ ત્રણેય વિદેશમાં હોવાથી તેમની વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તે પકડાયા નથી, જ્યારે તેમની સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા લીલા ચમીરા ભાટા અને અંકિત ઉમેશ ગોસ્વામી પણ હજુ નાસતા ફરે છે. > આર.બી.બ્રહ્મભટ્ટ, સીઆઈડી ક્રાઈમના વડા
ડમી એકાઉન્ટ અમદાવાદના લોકોનાં નામે ખોલ્યાં
રૂ. 2300 કરોડના વ્યવહારો જે કંપનીઓ તેમ જ 89 બેન્ક એકાઉન્ટ માંથી મળી આવ્યા છે તે તમામ ખાતેદારોના ખાતા વૃષભ મકવાણાએ ખોલાવ્યા હતા. વૃષભ અમદાવાદમાં જ રહેતો હોવાથી મોટાભાગના ખાતેદારો પણ અમદાવાદના હોવાનું પોલીસનું કહેવું છે. તેમાં પણ વૃષભે મોટાભાગના લોકોને અંધારામાં રાખીને બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેની માહિતી પોલીસે ઈડીને આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.