તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરનો તરખાટ:VSના જુદા જુદા વોર્ડમાંથી 45 મિનિટમાં 3 મોબાઈલ ફોન ચોરાયા, ફરી એકવાર ફોન ચોરીના બનાવો બનતાં હોસ્પિટલ સિક્યોરિટી પર સવાલ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વીએસ હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાંથી ધોળે દિવસે માત્ર 45 જ મિનિટમાં 3 મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસ દોડતી થઇ છે. જો કે આ ત્રણેય મોબાઈલ ફોનની ચોરી કરનારી એક જ ટોળકી હોવાની પોલીસને શંકા છે. હોસ્પિટલમાંથી મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ બનતા ત્યાંની સિકયોરિટી સિસ્ટમ ઉપર ફરી એક વખત સવાલ ઉભા થયા છે.

જીવરાજ પાર્કમાં રહેતા કીર્તિબહેન (42) 28 ઓગસ્ટને શનિવારે પતિ મનિષભાઈ ચૌહાણ સાથે વીએસ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ઓપીડી વોર્ડમાં ગયા હતા. કીર્તિબહેન મોબાઈલ ફોન બેડ ઉપર મૂકીને વોર્ડની બહાર કચરા પેટીમાં કચરો નાખવાં ગયાં હતાં. જો કે તેઓ પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમનો ફોન ચોરાઇ ગયો હતો. રામોલમાં રહેતા મોહંમદ ઘૌસે મોહંમદ નજીર શેખ(48) પણ શનિવારે બપોરે વીએસ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં હાજર હતા અને જમવા બેઠા હતા. ત્યારે તેમણે ચાર્જીંગમાં મૂકેલો ફોન કોઇ ગઠીયો ચોરી ગયો હતો.

વાસણામાં રહેતા રણજીતભાઈ ચૌહાણ(32)એસજી હાઈવે ઉપરની ફર્નિચર શોપમાં નોકરી કરે છે. રણજીતભાઈની વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાથી તેઓ વોર્ડ નંબર - 4 માં હાજર હતા. દરમિયાનમાં સવારે 11.30 વાગ્યે રણજીતભાઈએ બેડ પાસેના ટેબલ ઉપર ફોન ચાર્જીંગમાં મૂકયો હતો. દરમિયાનમાં થોડા સમય પછી જોયું તો તેમનો ફોન ચોરાઈ ગયો હતો. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ કરવામાં આવી છે.

વીએસ હોસ્પિટલમાં પાર્કિંગ, હોસ્પિટલ સંકુલ તેમજ હોસ્પિટલના વોર્ડની બહાર સિકયોરિટી ગાર્ડ અને બાઉન્સરો રાખવામાં આવ્યા છે. તેમ છતાં પણ ચોરીની ઘટનાઓ રોકાતી નથી. આ પહેલા પણ હોસ્પિટલમાં પેશન્ટ તેમજ તેમના સગા સબંધીના મોબાઈલ ફોન, દાગીના અને પૈસાની ચોરીની ઘટનાઓ હદ પાર વધી ગઈ હતી. કોઇ દર્દી મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં સગા સબંધીઓ હોસ્પિટલમાં તોડફોડ કરી ડોકટરો સાથે મારઝુડ કરતા હતા. આવી કોઇ ઘટના બને તે માટે વીએસ હોસ્પિટલમાં જ પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે.

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના દાગીના ચોરી થવાની પણ ફરિયાદો સામે આવી હતી
શહેરની જુદી જુદી હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના શરીર પરથી સોના - ચાંદીના દાગીના ઉતારી લેવામાં આવ્યા હોવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જ્યારે આ જ સમય દરમિયાન હોસ્પિટલો તેમજ આઈસોલેશન સેન્ટરોમાંથી મોબાઈલ ફોન ચોરાયા હોવાના પણ સંખ્યાબંધ કિસ્સા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...